Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

નાના શહેરોમાં વધી રહેલા કોરોનાના કેસ સૌથી મોટી ચિંતા કેમ?

જયાં કોરોનાના એકિટવ કેસની સરખામણીમાં બેડની સંખ્યા ઓછી હોય ત્યાં હેલ્થ સેકટર માટે મોટો પડકાર રહેલો છે

નવી દિલ્હી,તા.૭ : ભારતમાં જયાં એક બાજુ મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ અને ગુજરાત રાજયના મોટા શહેરોમાં કોરોના વાયરસના કેસોમાં વધારો થઈ રહ્યો છે ત્યાં બીજી બાજુ ઉત્ત્।રપ્રદેશ, બિહાર, ઓડિશા અને આંધ્રપ્રદેશ જેવા રાજયોના મોટા શહેરોમાં કોરોનાના એકિટવ કેસો ૧૬% થી લઈને ૨૮%ની વચ્ચે હોવાનું જાણવા મળ્યું છે. આ ચિંતાનું કારણ છે કારણકે દરેક રાજયમાં મોટા શહેરમાં હેલ્થની સુવિધાઓ પર વધારે ધ્યાન આપવામાં આવે છે.

ગુજરાતમાં કોરોના વાયરસના કેસનો કુલ આંકડો ૬૭,૮૧૧ પર પહોંચ્યો છે. જે પૈકી સૌથી વધારે ૬૭% જેટલા કેસો મોટા શહેરો જેવા કે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાંથી આવ્યા છે. જયારે મહારાષ્ટ્રમાં ૬૫.૪% કેસો મોટા શહેરો જેવા કે ગ્રેટર મુંબઈ, પૂના અને નાગપુરમાંથી નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે. અહીં નોંધનીય છે કે ભારતમાં ૮૦% ડોકટર્સ અને ૬૦% હોસ્પિટલ્સ મોટા શહેરોમાં જોવા મળે છે. ત્યારે નાના શહેરોમાં કોરોના વાયરસના કેસો વધવા લાગે તો તે હેલ્થ સેકટર માટે મોટો પડકાર સાબિત થશે.

કારણકે બિહારમાં મોટા શહેરોમાં કોરોનાના કેસની સંખ્યા માત્ર ૨૭.૮% હોવાનું જાણવા મળ્યું છે. અન્ય રાજયમાં મજૂરી કામ કરતા મજૂરો જયારે બિહારમાં પોતાના ગામમાં પરત ફર્યા ત્યારે ત્યાં કોરોનાના કેસ આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. બિહારના નાના શહેરો અને ગામડાઓમાં કોરોનાની સારવાર માટેની હેલ્થ સર્વિસ ખૂબ જ નબળી હોવાનું પણ સામે આવ્યું છે. આ પ્રકારની સ્થિતિ આંધ્રપ્રદેશમાં હોવાનું પણ જાણવા મળ્યું છે. કારણકે ત્યાં કોરોનાના એકિટવ કેસોની સરખામણીમાં બેડ ઉપલબ્ધ નથી.

જયારે કેરળ અને હિમાચલ પ્રદેશના જિલ્લાઓમાં કોરોનાના કેસ વધ્યા છે પણ ત્યાં એકિટવ કેસોની સરખામણીમાં બેડની સંખ્યા પ્રમાણમાં સારી એવી છે. જે રાજયોમાં કોરોનાના એકિટવ કેસોની સંખ્યાને ધ્યાનમાં રાખતા બેડની સંખ્યા સારી એવી છે ત્યાં મોટો પડકાર નથી કે જેટલો મોટો પડકાર કોરોનાના એકિટવ કેસની સરખામણીમાં બેડની સંખ્યા ઓછી હોય ત્યાં છે.

 ભારતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ ૨,૦૨૭,૦૭૪ કેસ નોંધાયા છે જયારે કુલ ૪૧,૫૮૫ દર્દીઓના કોરોનાના કારણે મોત થયા છે. કુલ ૧,૩૭૮,૧૦૫ દર્દીઓ કોરોનાને હરાવીને સાજા થયા છે.

(3:50 pm IST)