Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

9 ઓગસ્ટ રવિવારના રોજ કિડનીની બીમારીઓ ઉપર આંતર -રાષ્ટ્રીય વેબિનાર : ડો.પ્રદીપ કણસાગરાના 70 માં જન્મદિનની ઉજવણીના ભાગરૂપે જોય એકેડેમી દ્વારા કરાયેલું આયોજન : કિડનીની પથરીઓ થવાના કારણો ,નિદાન,તેમજ પથરી થતી અટકાવવાના ઉપાયો માટે ભારત તથા અમેરિકાના નિષ્ણાત તબીબો પાસેથી ગુજરાતી ભાષામાં માર્ગદર્શન મેળવવાની તક : પ્રશ્નો પણ પૂછી શકાશે

દિપ્તીબેન  જાની દ્વારા ,ન્યુજર્સી : કિડનીની બીમારીઓ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં વિશેષ જોવા મળે છે.વિજ્ઞાનની પ્રગતિ અને નવી નવી શોધોથી આપણું જીવન આરામદાયક અને સુખ-સગવડતાઓ વાળું થયું છે.આપણી જીવનશૈલી બદલાણી જેમાં ખોરાક ,તનાવ ,અને કસરતનો અભાવ જવાબદાર છે.નવી જીવનશૈલીથી હૃદયની બીમારીઓ ,ડાયાબિટીસ ,ઊંચું લોહીનું દબાણ ,ડિપ્રેસન ,વગેરેનું પ્રમાણ વધ્યું છે.જેના પરિણામે કિડની ફેલ્યોર વધ્યા છે.
જન જાગૃતિથી કિડનીની બીમારીઓ કાબુમાં લેવા ' વિશ્વ કિડની દિન 'ઉજવવામાં આવે છે.
જોય એકેડેમી યુ.એસ.એ.દ્વારા ડો.પ્રદીપ કણસાગરાના 70 માં જન્મદિનની ઉજવણીના ભાગરૂપે કિડનીની બીમારીઓ ઉપર આંતર રાષ્ટ્રીય વેબિનારનું આયોજન કરાયું છે.
આ વેબિનારમાં ગુજરાતના સીનીઅર મોસ્ટ પ્રોફેસર ડો.પી.સી.પટેલ તથા અમેરિકાના શ્રેષ્ઠી દાતા અને નામાંકિત હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડો.કિરણ પટેલ અતિથિ વિશેષ તરીકે આશીર્વચન આપશે.ડો.પ્રદીપ કણસાગરા મોડરેટ કરશે.ગુજરાતના નામાંકિત યુરોલોજિસ્ટ તથા નેફ્રોલોજીસ્ટ કિડનીની પથરીઓ થવાના કારણો ,ચિન્હો ,નિદાન , અદ્યતન સારવાર ,તથા પથરી થતી અટકાવવાના ઉપાયોની ચર્ચા કરશે.આ ઉપરાંત કિડની નિષ્ક્રિય (failure ) ના કારણો ,ઉપાયો ,ડાયાલીસીસ ,કિડની ટ્રાન્સપ્લાન્ટ ,કેડેવર ,અંગ ડોનેશન ( દાન ) વિષે વિસ્તૃત સમજાવશે.
આ વેબિનાર ગુજરાતી ભાષામાં છે.જેથી પોતાની જ માતૃભાષામાં લોકોને સમજવું સરળ પડે.તેઓ પ્રશ્ન પણ પૂછી શકશે.
જોય એકેડમી આયોજિત આ આંતર રાષ્ટ્રીય વેબિનારમાં વિશ્વ વિખ્યાત યુરોલોજિસ્ટ ,અને કિડનીની પથરીઓની દૂરબીનથી સારવારના આધુનિક નાજુક યંત્રની શોધ કરી વિશ્વમાં ભારતનો ડંકો વગાડનાર ડો.જનકભાઈ દેસાઈ ,સૌરાષ્ટ્રના ખ્યાતનામ સેવાભાવી ડો.સુનિલ મોટેરીયા ,વડોદરાના સેવાભાવી લોકપ્રિય યુરોલોજિસ્ટ ડો.હરેશ ઠુંમર ભાગ લેશે .
કિડનીની મેડિકલ બીમારીઓ માટે સૌરાષ્ટ્રના ખ્યાતનામ સેવાભાવી ડો.દિવ્યેશ વિરોજા કિડની ફેલ્યોર ,ડાયાલીસીસ ,કિડની ટ્રાન્સપ્લાન્ટ ,અંગદાન વિષે સમજાવશે .
અત્રે એ જણાવવાનું કે હાલ અમેરિકા સ્થિત ડો.પ્રદીપ કણસાગરા રાજકોટના નિવૃત યુરોલોજિસ્ટ છે.જેઓએ બી.ટી.સવાણી કિડની હોસ્પિટલનું વિચારબીજ રોપ્યું અને ફાઉન્ડર મેનેજીંગ ટ્રસ્ટી ,તથા પૂર્વ ચેરમેન તરીકે સેવાઓ આપેલ છે.
આ શનિવારે તા.8-8-20 ના રોજ સાંજે કડવા પટેલ સમાજ ઓફ અમેરિકા (kpsna) તરફથી ખુશ્બૂ ગુજરાતકી અંતર્ગત સરિતા કાર્યક્રમ યોજેલ છે.જેમાં સર્વ ધર્મનું મહત્વ સાંકળી લઇ આંતર રાષ્ટ્રીય ખ્યાતનામ રાજકોટના જ સપૂત શ્રી વિનોદભાઈ પટેલ સંગીત રેલાવશે
9 ઓગસ્ટ 2020 રવિવારના રોજ આયોજિત આ વેબિનારનો  સમય યુ.એસ.એ.સવારે 11-30 કલાકે EST/  સવારે 8-30 કલાકે PST/  ભારતમાં રાત્રે 9 કલાકે ISA  તથા યુ.કે.માં સાંજે 4-30 કલાકે રાખવામાં આવ્યો છે. જે માટે યુટ્યુબમાં જોય એકેડેમીના પેજ પર નિહાળો અને મિટિંગ આઈ.ડી.અને પાસવર્ડ પર જાઓ.આંતર રાષ્ટ્રીય કિડની વેબિનારનો લાભ લેવા  ભારત ,અમેરિકા ,આફ્રિકા ,.યુ.કે.તથા દુબઈના લોકોને વિનંતી કરાઈ છે.
જોય એકેડેમીના આયોજકો શ્રી ભાસ્કરભાઈ સુરેજા ,ડો.ભાણજી કુંડારીયા ,ડો.સી.ડી.લાડાણી ,પટેલ ક્લચર સમાજ અમેરિકાના પ્રમુખ શ્રી રાજ ધાનાણી ,શ્રી ચતુરભાઈ સભાયા ,સુરતી લેઉવા પટેલ સમાજ અમેરિકાના શ્રી રમણભાઈ પટેલ ,પ્રમુખ સુશ્રી નેન્સી પટેલ ,શ્રી ભીયું પટેલ ,શ્રી સંજય કાલાવડીયા ,શ્રી પંકજ સુતરિયા ,અમદાવાદના શ્રી દિલીપ લાડાણી ,તથા રાજકોટના શ્રી કાંતિભાઈ ઘેટીયાએ સૌને લાભ લેવા અનુરોધ કર્યો છે.

(7:46 pm IST)