Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

દારૂ ભરેલી ટ્રક પલ્ટી ખાઈ ગઈ : પોલીસની હાજરીમાં લોકોએ બોટલોની લૂંટફાટ મચાવી : વિડિઓ વાયરલ

પોલીસની લાઠીઓ ખાઈને પણ લોકો બોટલો લૂંટવામાં મસ્ત

કવર્ધાઃ છત્તીસગઢનાં કવર્ધામાં દારૂથી ભરેલી ટ્રક અનિયંત્રિત થઇને પલટી ગઇ હતી,ટ્રક પલટી જવાથી સ્થાનીક લોકોએ દારૂની બોટલો લૂંટવા માટે આમતેમ દોડવા લાગ્યાં અને લોકો દારૂની બોટલો લૂંટવા લાગ્યાં હતા . ટ્રકમાં 200 ડબ્બાઓમાં 20 લાખ રૂપિયાની બોટલો હતી. આ ઘટનાનો વીડિયો પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

રાયપુર-જબલપુર હાઇવે પર ભારે હડકંપ મચી ગયો હતો કે જ્યારે દારૂ ભરેલી એક ટ્રક અનિયંત્રિત થઇને પલટી ખાઇ ગઇ હતી. ટ્રક પલટી ખાતા ટ્રકમાંથી દારૂની અનેક બોટલો રસ્તા પર વિખેરાઇ ગઇ હતી. ગામનાં લોકોને આ વાતની જાણ થતા જ તુરંત ઘટનાસ્થળે પહોંચી ગયા. બાદમાં સ્થાનીક લોકોમાં દારૂની બોટલો લૂંટવાની હોડ શરૂ થઈ ગઈ.. ગામનાં દારૂનાં રસીયા લોકોએ જેટલી પણ પોતાનાં હાથમાં બોટલો આવી તેટલી બોટલો લઇને તેઓએ ઉઠાવી લીધી. જો કે આ વાતની સૂચના મળતા જ પોલીસ મોકા પર ઘટનાસ્થળે પહોંચી અને દારૂનાં જથ્થાને પોતે જપ્ત કરી લીધો.

ઘટનાની જાણ થતા જ પોલીસકર્મીઓ ત્યાં પહોંચ્યાં ત્યારે તેમને જોઈને પણ ગ્રામજનો સહેજ પણ ગભરાયા નહીં. પોલીસની હાજરીમાં જ તેઓ બોટલો લૂંટતા જ રહ્યાં. જો કે આ ઘટના બનતા જ પોલીસે અંતે બળપ્રયોગ કરવો પડ્યો અને પોલીસે હળવી લાઠીઓ વરસાવી. જો કે તેમ છતાંય પોલીસની લાઠીઓ ખાઈને પણ લોકો દારૂની બોટલો લૂંટવામાં મસ્ત રહ્યાં. પરંતુ હવે પોલીસ એ મામલાની તપાસમાં લાગી છે કે આખરે ટ્રકમાંથી કેટલી બોટલો લોકો લૂંટીને લઈ ગયા.

(8:38 pm IST)