Gujarati News

Gujarati News

News of Friday, 7th August 2020

મેઘરાજાએ ત્રીજા દિવસે મુંબઈને ખેદાનમેદાન કર્યું

મુંબઈમાં મેઘપ્રકોપ યથાવત રહેતા લોકોને મુસિબત : ભારે પવનમાં સ્ટોક એક્સચેન્જ પરનાં હોર્ડિંગ્સ તૂટ્યાં, જેએનપીટી પર ક્રેઈન તૂટીઃ કોલાબામાં ૧૩.૫ ઈંચ વરસાદ

મુંબઈ, તા. ૭ : સતત ત્રીજા દિવસે મેઘરાજાએ મુંબઈમાં ખાનાખરાબી સર્જી દીધી છે. ગુરુવાર મધરાતથી દક્ષિણ મુંબઈના કોલાબા, નરિમન પોઈન્ટ, મરિન ડ્રાઈવ વિસ્તારમાં ભારે વરસાદ થયો હતો. મુંબઈમાં કોલાબા ક્ષેત્રમાં ઓગસ્ટ મહિનામાં ૨૪ કલાકમાં સૌથી વધુ વરસાદનો વિક્રમ નોંધાયો છે. હવામાન વિભાગ અનુસાર સવારે ૮.૩૦ વાગ્યા સુધી મુંબઈના કોલાબા ક્ષેત્રમાં ૧૩.૫ ઈંચ વરસાદ નોંધાયો હતો. સાંતાક્રૂઝ ક્ષેત્રમાં ૬.૫ ઈંચની નોંધાયો હતો. છેલ્લે ૩ ઓગસ્ટ, ૧૮૮૧ના રોજ ૧૨ ઈંચ વરસાદની નોંધ હતી.

કોલાબામાં ૧૦ ઓગસ્ટ, ૧૯૯૮ના ૧૦.૫ ઈંચ, ૨૩ ઓગસ્ટ, ૧૯૯૬ના ૧૦ ઈંચ અને ૧૫ ઓગસ્ટ, ૧૯૯૦ના ૧૦ ઈંચ વરસાદ નોંધાયો હતો. આ ક્ષેત્રમાં આનાથી પણ વધુ વરસાદ નોંધાયો છે, પરંતુ ઓગસ્ટ મહિનામાં વિક્રમી વરસાદ થયો નથી.

ભારે પવનમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જની છત પર લગાવાયેલું હોર્ડિંગ પણ તૂટી પડ્યું હતું. નવી મુંબઈના ડી.વાય. પાટીલ સ્ટેડિયમની પાંચ ટકા છત પણ પડી ગઈ છે. ભારે પવનને કારણે જવાહરલાલ નહેરુ પોર્ટ ટ્રસ્ટ ખાતે ભારે ક્ષમતા ધરાવતી ત્રણ ક્રેન પણ ભોંય ભેગી થઈ હતી. આ ક્રેન ૧૦૦ ટનના કન્ટેનર ઉપાડવાની ક્ષમતા ધરાવે છે. એક ક્રેનની કિંમત લગભગ ૧૧૦ કરોડ રૂપિયાની આસપાસ હોય છે. ચાર દિવસમાં ૧૭૧૪ કરોડ લિટર પાણીનો નિકાલ પંપો દ્વારા કરાયો છે. મુંબઈમાં ૬ પમ્પિંગ સ્ટેશન છે, જેમાં ઉચ્ચ ક્ષમતાવાળાં ૪૩ પંપ છે. દરેકની ક્ષમતા ૬૦૦૦ લિટર પાણીનો નિકાલ કરાયો છે. ૩ ઓગસ્ટથી સાંજથી ૬ ઓગસ્ટના સવારે ૭ સુધી ૧૭૧૪.૫૦ કરોડ લિટર પાણીનો નિકાલ કરાયો છે.

(9:31 pm IST)