Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

બિહાર વિધાનસભા ચૂંટણીમાં મતદારોને આકર્ષવા ભાજપે સુશાંતના ફોટા સાથેના પોસ્ટર છપાવ્યા : સ્ટીકર્સમાં લખ્યું "ન ભૂલે હૈ, ન ભૂલને દેંગે"

પટના: બિહારમાં વિધાનસભા ચૂંટણી (Bihar Election) નજીક આવી રહી છે. ચૂંટણી પંચ (Election Commission) કોઈ પણ દિવસે તારીખોની જાહેરાત કરી શકે છે. એવામાં વિવિધ રાજકીય પાર્ટીઓએ મતદારોને પોતાની તરફ કરવામાં કોઈ કચાર રાખવા નથી માંગતી. દરેક પાર્ટીઓ વિજયી થવા તડામાર તૈયારીઓ કરી રહી છે, ત્યારે ભાજપના એક પોસ્ટરે સૌ કોઈનું ધ્યાન તેના તરફ ખેંચ્યું છે.

બિહાર ભારતીય જનતા પાર્ટી (Bihar BJP) ના કલા અને સંસ્કૃતિ વિભાગના સંયોજક વરુણકુમાર સિંહે દિવગંત બૉલિવૂડ એક્ટર (Bollywood Actor) સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના નામે એક પોસ્ટર શેર કર્યું છે. જેમાં સુશાંતનો એક ફોટો છે અને સાથે જ લખવામાં આવ્યું છે. “જસ્ટિસ ફૉર સુશાંત, ન ભૂલે હૈ, ન ભૂલને દેંગે”

વરુણ કુમાર સિંહે કહ્યું કે, આ અભિયાનને 16 જૂનથી ચલાવી રહ્યાં છે. આ સાથે જ “કરણી સેના”એ પણ “જસ્ટિસ ફૉર સુશાંત” લખેલા સ્ટીકર્સ અને માસ્ક લોકોને વિતરિત કર્યાં છે.

ઉલ્લેખનીય છે કે, સુશાંતના મોત બાદ મહારાષ્ટ્ર અને બિહારની સરકારો વચ્ચે રાજકીય ઘમાસાણ જોવા મળી રહ્યું હતું. કેટલાક રાજનીતિક જાણકારોનું માનીએ તો, હવે આ પોસ્ટરોથી સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે, પાર્ટી સુશાંતના મોતને મુદ્દો બનાવી મતદારોને રિઝવવા માંગે છે.

જો કે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સંજય જયસ્વાલનું કહેવું છે કે, પાર્ટી આ મામલે નિષ્પક્ષ તપાસ ઈચ્છી રહી છે. હવે જ્યારે CBI આ કેસની તપાસ કરી જ રહી છે, તો પછી તેને ચૂંટણી મુદ્દો બનાવવાનો શું અર્થ?

(8:31 am IST)