Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

રશિયા સાથે વાટાઘાટો ચાલુ

ભારતને ટુંક સમયમાં મળશે કોરોનાની રસી ?

નવી દિલ્હી,તા.૭ : શનિવારે ભારત કુલ કોરોના કેસોમાં વિશ્વમાં બીજા નંબર પર પહોંચી ગયું છે. વધતા જતા કેસો વચ્ચે કોરોના રસી વિશેના સમાચારોથી રાહત પણ મળી છે. રશિયાની તાજેતરમાં શરૂ થયેલી કોરોના રસીના સપ્લાય અને ઉત્પાદન અંગે ભારત અને રશિયાની વચ્ચે વાતચીત ચાલી રહી છે. ભારતમાં રશિયન રાજદૂત નિકોલે કુશદેવે આ અંગે માહિતી આપી છે.

૧૧ ઓગસ્ટના રોજ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન દ્વારા વિશ્વની પ્રથમ કોરોના રસી લોન્ચ કરવામાં આવી હતી. આ રસીનું નામ સ્પુતનિક V છે. રસી સાથે રસીના પુરવઠા, સંયુકત ઉત્પાદન સહિતના અન્ય મુદ્દાઓ પર ચર્ચા થઈ રહી છે. આપને જણાવી દઈએ કે લેન્સેટ જર્નલ મુજબ પ્રારંભિક ટ્રાયલમાં આ રસીની કોઈ ગંભીર આડઅસર સામે આવી નથી.

સત્ત્।ાવાર સૂત્રોએ માહિતી આપી છે કે રશિયાએ ભારત સાથે સ્પુતનિક V ને લઇ સહયોગની ભાગીદારી શેર કરી છે. ભારત સરકાર હાલમાં તેનો નજીકથી અભ્યાસ કરી રહી છે. રશિયાના રાજદૂત કુશદેવે કહ્યું કે આ રસીનો ઉપયોગ કેટલીક જરૂરી તકનીકી પ્રક્રિયાઓ પછી મોટા પાયે (અન્ય દેશોમાં પણ) કરવામાં આવશે.

માનવામાં આવે છે કે તાજેતરમાં વિદેશમંત્રી એસ જયશંકરની રશિયા મુલાકાત દરમ્યાન કોરોના રસી ઉપર ચર્ચા કરવામાં આવશે. ચાલો આપને જણાવી દઈએ કે આ અઠવાડિયાથી રશિયા સામાન્ય નાગરિકો માટે કોરોના રસી સ્પુતનિક V ઉપલબ્ધ કરાવશે. આ રસી એડોનો વાયરસનો બેઝ તૈયાર કરી રશિયન રક્ષા મંત્રાલયની સાથે મળીને મોસ્કોના ગામલેયા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વિકસાવવામાં આવી છે

(11:36 am IST)