Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

રાજ્ય સરકારોનું આડેધડ લોકડાઉન : ઇકોનોમિને ઝાટકો

એસબીઆઇનો ચોંકાવનારો રિપોર્ટ : અનેક રાજ્યોએ કેન્દ્રના નિર્દેશોને ન માની સ્થાનિક સ્તર પર લગાવ્યુ લોકડાઉન : જેને કારણે આર્થિક ગતિવિધિને અસર થઇ અને જીડીપીના ડેટામાં ગાબડુ પડયું : અનેક રાજ્ય સરકારોએ લોકડાઉન મનસ્વી રીતે જાહેર કર્યું પરંતુ કોરોનાના કેસ ઘટવાને બદલે વધી ગયા : લોકડાઉનની અસર જોવા ન મળી અને અર્થતંત્રની ગાડી ફરી અટકી પડી

નવી દિલ્હી તા. ૭ : કેન્દ્ર સરકારે જ્યારે રાજ્ય સરકારોને લોકડાઉનને લઇને નિર્ણય લેવાની છુટ આપી ત્યારે જુલાઇ મહિનાથી અનેક રાજ્ય સરકારે અમુક વિસ્તારોમાં કડક લોકડાઉન લાગુ કરવા લાગી. આની પાછળ ન તો કોઇ ગંભીર યોજના હતી ન તો દુરદૃષ્ટિ હતી. પરિણામ એ આવ્યું કે આનાથી આર્થિક ગતિવિધિને ઘણો માર પડયો પરંતુ કોવિડ-૧૯ મહામારીના પ્રસાર પર કોઇ ખાસ અસર જોવા મળી ન હતી.

અનેક રાજ્યોએ જુલાઇ અને ઓગસ્ટ મહિનામાં પૂર્ણ કે આંશિક લોકડાઉન લગાવ્યો હતો. પ.બંગાળે ૨૩, ૨૫, ૨૯ જુલાઇના પૂર્ણ લોકડાઉન લગાવ્યું તો યુપીએ ૧૦ થી ૧૩ જુલાઇ વચ્ચે આવું કર્યું હતું. બિહારે પણ ૧૬ થી ૩૧ જુલાઇ સુધી પૂર્ણ લોકડાઉનનું એલાન કર્યું જ્યારે હરિયાણાએ ૨૧ ઓગસ્ટે વિક એન્ડ લોકડાઉનનો નિર્ણય લીધો હતો. રાજ્યના મનસ્વી વલણને જોઇ કેન્દ્રીય ગૃહમંત્રાલયે ૨૯ ઓગસ્ટના રોજ રાજ્ય સરકારો પાસે કન્ટેનમેન્ટ ઝોનની બહાર લોકડાઉન લગાવવાનો અધિકાર પાછો ખેંચી લીધો હતો. આ પહેલા પણ કેન્દ્ર સરકારે રાજ્યોને અનેક લેખીત નિર્દેશ આપ્યો હતો કે, કે તેઓ એક જિલ્લાથી બીજા જિલ્લા અને એક રાજ્યથી બીજા રાજ્યો વચ્ચે લોકો અને સામાનની અવરજવર ન રોકે.

૧૦ જુલાઇથી ૧૦ ઓગસ્ટ સુધીના આંકડા જણાવે છે કે, જે ૭ વિસ્તારોમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું ત્યાં દર સપ્તાહે સરેરાશ ૩૭ થી ૫૭૮ ટકાના દરથી કોરોનાના કેસ વધ્યા પરંતુ આ દરમિયાન સપ્લાય ચેઇન વેર-વિખેર થઇ ગઇ અને સિસ્ટમમાં અનિશ્ચિતતાનો માહોલ હોવાને કારણે એ નક્કી થઇ ન શકયું કે લોકોને કામ પર ફરીથી કયારે બોલાવવામાં આવે અને વેપાર ધંધા ફરી કયારે શરૂ થઇ શકે. હકીકતે આ દરમિયાન નવા કેસોની રાષ્ટ્રીય સપ્તાહિક સરેરાશ વૃધ્ધિ દર ૧૯૦ ટકા રહી હતી. આ દરથી ૨૩૨૩૬ કેસમાં ૪૪૩૭૯ કેસનો વધારો થયો અને કુલ ૬૭૬૧૫ કેસ થઇ ગયા. રાજ્યવાર યાદી પર નજર નાખીએ તો મહારાષ્ટ્ર, દિલ્હી, ગુજરાત અને પંજાબ જેવા રાજ્યોમાં મૃત્યુદર રાષ્ટ્રીય સરેરાશથી વધુ છે. મહારાષ્ટ્ર, ગુજરાત અને પંજાબ જેવા રાજ્યોમાં તો મૃત્યુદર રિકવરી રેટથી પણ વધુ છે.

દેશની સૌથી બેંક એસબીઆઇના એક અભ્યાસ અનુસાર પ.બંગાળ, યુપી, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, મીઝોરમ અને મહારાષ્ટ્રમાં હિંગોલી જિલ્લામાં ઓગસ્ટના અંત સુધીમાં સરેરાશ સપ્તાહિક વૃધ્ધિનો દર લોકડાઉન લાગુ થયુ તેના પહેલાના મુકાબલે વધી ગયો. એસબીઆઇનો રિપોર્ટ કહે છે રાજ્યોએ જુલાઇ અને ઓગસ્ટમાં આંશિક લોકડાઉન લાગુ કર્યું. જો કે આનાથી કેસમાં ઘટાડો ન થયો.

કેન્દ્ર સરકારે પહેલા ચાર તબક્કાના લોકડાઉન સંક્રમણના દર પર નિયંત્રણ મેળવવા અને આ દરમિયાન સ્વાસ્થ્ય વ્યવસ્થા મજબૂત કરવા પર લગાવ્યું હતું. નિષ્ણાંતો કહે છે કે સરકાર તેમા સફળ રહી હતી. આ દરમિયાન ટેસ્ટીંગ વધી ગયા, ઓકિસઝન અને આઇસીયુ બેડની વ્યવસ્થા સારી થઇ.

નિષ્ણાંતોનું માનવું છે કે, રાજ્ય સરકારે જાહેર કરેલા લોકડાઉનથી આવો કોઇ હેતુ પાર ન પડયો. એટલું જ નહિ પાટા પર ચડતી અર્થવ્યવસ્થાને આંચકો લાગ્યો.

પ.બંગાળ, યુપી, પંજાબ અને હરિયાણાએ કેન્દ્રના નિર્દેશોને અભેરાયે ચડાવી લોકડાઉનની જાહેરાત કરી અને કેન્દ્રનો સંપર્ક ન સાધ્યો.

(10:15 am IST)