Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

ગો કોરોના ગો

ગુડ ન્યુઝ... રશિયાના લોકોને આવતા સપ્તાહથી મળવા લાગશે કોવિડ વેકસીન

મોસ્કો,તા. ૭: કોરોના વાયરસના જોખમ વચ્ચે રશિયાથી સારા સમાચાર સામે આવ્યાં છે. આ અઠવાડિયાથી વાયરસ વેકિસન સ્પૂતનિક-વીને જનતા માટે ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનએ ૧૧ ઓગસ્ટના રોજ આ રસીને લોન્ચ કરી હતી.  રશિયાની એજન્સી TASSના જણાવ્યાં મુજબ રશિયન એકેડેમી ઓફ સાયન્સના ડેપ્યુટી ડાઈરેકટર ડેનિસ લોગુનોવએ જણાવ્યું કે સ્પૂતનિક-વી રસીને સ્વાસ્થ્ય મંત્રાલયની મંજૂરી બાદ વ્યાપક ઉપયોગ માટે છૂટ અપાશે. મંત્રાલય આ રસીના ટેસ્ટ થોડા દિવસમાં શરૂ કરવા જઈ રહ્યું છે અને અમે જલદી તેની મંજૂરી મેળવી લઈશું. નોંધનીય છે કે આ રસીને મોસ્કોના ગામલેયા રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટે રશિયા રક્ષા મંત્રાલય સાથે મળીને એડેનોવાયરસને બેસ બનાવીને તૈયાર કરી છે.  લોગુનોવે કહ્યું કે નાગરિકોના ઉપયોગ માટે રસીના બેચને અધિકૃત કરવાની એક પ્રક્રિયા છે. રસીએ મેડિકલ વોચડોગ  Roszdravnadzor ની ગુણવત્ત્।ા તપાસ પાસ કરવી પડશે. ૧૦થી ૧૩ સપ્ટેમ્બર વચ્ચે અમારે નાગરિકોના ઉપયોગ માટે રસીના બેસને બહાર પાડવા માટેની મંજૂરી મેળવવાની છે. ત્યારબાદ અમે રસીને નાગરિકો માટે બહાર પાડવાની સ્થિતિમાં હોઈશું. રસીનું વિતરણ રશિયન સ્વાસ્થ્ય મંત્રાલયની દેખરેખમાં કરવામાં આવશે.  લોગુનોવે કહ્યું કે રસીના વિતરણમાં એવા લોકોને પ્રાથમિકતા આપવામાં આવશે જે વધુ જોખમવાળા સમૂહમાં આવે છે. આ બાજુ ધ લાન્સેટ જર્નલ દ્વારા પ્રકાશિત પરિણામો મુજબ શુક્રવારે સ્પૂતનિક-વીએ એક વધુ પ્રગતિ મેળવી. વેકિસન પ્રારંભિક તબક્કાના પરિણામોમાં રસી લેનાર તમામમાં એન્ટીબોડી પ્રતિક્રિયા ઉત્પન્ન કરવામાં સફળ રહી. સ્પૂતનિક-વી માટે બે પરીક્ષણ આ વર્ષે જૂન-જુલાઈમાં કરવામાં આવ્યાં હતા અને તેમાં ૭૬ લોકો સામેલ થયા હતાં. નોંધનીય છે કે રસી સ્પૂતનિક-વી નામ રશિયાના પહેલા સેટેલાઈટ સ્પૂતનિકના નામ પર રાખવામાં આવ્યું છે. જેને રશિયાએ ૧૯૫૭માં લોન્ચ કર્યું હતું.

(11:35 am IST)