Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

ભારત - ચીન બ્રિગેડ કમાન્ડર સ્તરની વાતચીતનું પરિણામ શૂન્ય

ગત સપ્તાહે થયેલા ઘર્ષણ બાદ વધારાની સેના : હથિયારો પહોંચાડાયા

નવી દિલ્હી તા. ૭ : ભારત-ચીન સેના વચ્ચે તણાવ યથાવત છે. સરહદ પરના તણાવને ઘટાડવા માટે ભારત પ્રયત્ન કરી રહ્યું છે. જો કે ચીન તેની અવળચંડાઈમાંથી બહાર નથી આવી રહ્યું. તે વાતચીતથી સમસ્યાના ઉકેલનું નાટક કરે છે અને પછી તમામ જવાબદારી ભારત પર નાંખી દે છે. ડ્રેગન કાચેન્ડાને પણ આંટે તેટલા રંગ બદલી રહ્યું છે. ત્યારે હાલની સીમાની સ્થિતિ પર થયેલી બેઠકનું પરિણામ શૂન્ય આવ્યું છે. જેથી સરહદ પર સુરક્ષા વધારે મજબૂત કરવામાં આવી છે.

ભારત અને ચીની સેના વચ્ચે તણાવ ઘટાડવા પ્રયાસ સતત થઈ રહ્યા છે. જેને પગલે ભારત-ચીન બ્રિગેડ કમાન્ડર સ્તરની વાતચીત થઈ હતી. વાતચીત બાદ યોગ્ય પરિણામ મળ્યું નહોતુ.  ચશૂલ પાસે બ્રિગેડ કમાન્ડર સ્તરની વાતચીત  ૪ કલાક સુધી ચાલી હતી.

ચીને ૨૯-૩૦ ઓગસ્ટની રાત્રે ઘુસણખોરીનો  પ્રયાસ કર્યો હતો.  ભારતીય સેનાના આક્રમક વલણના કારણે ચીની સેના  પાછળ ખસી હતી. LAC પર ભારતીય સેના સંપૂર્ણ રીતે અલર્ટ છે.  પૈંગોંગ લેકના દક્ષિણ કિનારે ઉંચાઈવાળા સ્થળે સેના તૈનાત છે.

ચીનની ઘુસણખોરીના પગલે ભારતે વધુ સેના તૈનાત કરી છે. સંવેદનશીલ વિસ્તારોમાં ભારતે હથિયારો પણ લાદી દીધા  છે. અરૂણાચલ બોર્ડરથી ચીની આર્મીએ ૫ ભારતીયોનું અપહરણ કર્યું છે. જેને પગલે રાજકારણ પણ ગરમાયું છે.

(11:37 am IST)