Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

ઘર જ હાલ સુરક્ષિત સંસાર

પર્યટન ઉદ્યોગ માટે દિવાળી ફિક્કી : ૨૦ જ ટકા લોકો ફરવા નીકળવા તૈયાર

ઓનલાઇન સર્વેમાં ૬૯ ટકા લોકોએ કહ્યું તેઓ ઘરે જ રહેવા માગે છે

મુંબઇ,તા. ૭: દેશભરમાં લોકડાઉન ધીમે ધીમે હળવું થઇ રહ્યું છે. પણ એરલાઇન સહિત પર્યટન ઉદ્યોગ 'અચ્છે દિન' માટે હજુ રાહ જોવી પડશે એવો સંકેત છે. એક સર્વેની વિગત અનુસાર ૨૦ ટકાથી પણ ઓછા લોકો તહેવારની સિઝનમાં એટલે કે ઓકટોબર -નવેમ્બરમાં વેકેશનની મજા માણવા પર્યટન માટે તૈયાર છે. ભારતમાં દર વર્ષે ઓકટોબર અને નવેમ્બરમાં દશેરા, દુર્ગા પૂજા, દિવાળી સહિતના તહેવારો આવે છે. ઉપરાંત, રજાઓમાં પર્યટન માટે ઇચ્છુક લોકો પણ મુસાફરીની તારીખ નજીક જ બુકિંગ કરાવવા માંગે છે.

ઓનલાઇન પ્લેટફોર્મ લોકલ સર્કલ્સના જણાવ્યા અનુસાર ' કોવિડ -૧૯ને કારણે  (સર્વેમાં ભાગ લેનારા) માત્ર ૧૯ ટકા નાગરિકો જ તહેવારોમાં મુસાફરી માટે તૈયાર છે. જેમાં ૨૩ ટકા લોકો ફલાઇટ અને ૩૮ ટકા લોકો કાર અથવા કેબ દ્વારા ટ્રાવેલિંગની યોજના ધરાવે છે. લોકલ સર્કલ્સ દ્વારા કરવામાં આવેલા સર્વેનો હેતુ કોવિડ-૧૯ની વર્તમાન સ્થિતીમાં કેટલાક લોકો આગામી તહેવારોમાં પર્યટનની યોજના બનાવી રહ્યા છે. એ જાણવાનો હતો સર્વેમાં દેશના ૨૩૯ જિલ્લામાંથી ૨૫,૦૦૦ લોકોએ પ્રતિસાદ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આરોગ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે ભારતમાં કોરોના વાઇરસના કેસનો આંકડો ૪૧,૧૩,૮૧૧ના સ્તરે પહોંચ્યો છે અને આ મહામારીમાં ૭૦,૬૨૬ લોકોએ જીવ ગુમાવ્યો છે. તહેવારોની સિઝનમાં કેવા પ્રકારની મુસાફરીની યોજના છે એવા પ્રશ્નના જવાબમાં ૬૯ ટકા લોકોએ ઘરે જ રહેવાની ઇચ્છા વ્યકત કરી હતી. ૩ ટકા લોકોએ પર્યટન સ્થળે જવાનો ઇરાદો વ્યકત કર્યો હતો. જ્યારે ૧૩ ટકાએ પરિવાર અને મિત્રો સાથે રહેવાની યોજના હોવાનું જણાવ્યું હતું.

(11:41 am IST)