Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

કોરોના રસી સહુને પરવડે તેવા ભાવે મળશે ? દેશમાં કદાચ મફત પણ અપાય ?

નવી દિલ્હી તા. ૭ : ૧૧ ઓગસ્ટના રોજ રશિયાએ કોવિડ-૧૯ની સૌથી પહેલા રસી શોધી લીધી હોવાનો દાવો કર્યો હતો. જયારે દુનિયાની અનેક કંપનીઓ કોરોના વાયરસની રસી વિકસાવવાનું કામ કરી રહી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ના કહેવા પ્રમાણે હાલ ૩૪ કંપનીઓ કોરોના રસીનું ઉત્પાદન કરી રહી છે. ૧૪૨ કંપનીઓ પણ રસી બનાવી રહી છે. અને અત્યાર સુધીમાં પૂર્વ-કિલનિકલ સ્તરે પહોંચી ગઈ છે.

કોરોના વાયરસની રસી ૨૦૨૧ ના   મધ્ય સુધીમાં લોકોને ઉપલબ્ધ થશે. કોરોના વાયરસ પરિવારમાં ચાર વાયરસ માણસોમાં પહેલેથી હાજર છે. તેમને બચાવવા માટે હજી સુધી કોઈ રસી બનાવવામાં આવી નથી. વિજ્ઞાનીઓ ચિંતામાં છે કે, કોરોના વાયરસને દૂર રાખવા માટે રસીનો ઉપયોગ કેટલી વાર કરવો પડશે. તેવી જ રીતે આ વેકસીનની કિંમત શું હશે તેને લઈને પણ એક સવાલ ઉભો થયો છે.

ઓકસફોર્ડ યુનિવર્સિટીની રસી કંપની એસ્ટ્રાઝેનેકાએ કહ્યું છે કે, તે લોકોને ઓછા ખર્ચે કોરોના રસી આપશે. કંપની આ રસીમાંથી લાભ ન મેળવવાનો પ્રયાસ કરશે. કંપનીના વડાએ ગયા મહિને મેકિસકોમાં કહ્યું હતું કે, લેટિન અમેરિકામાં રસીની કિંમત માત્રા દીઠ  ૪ ડોલર કરતા ઓછી હશે. જેની ભારતમાં ૨૨૦ રૂપિયા થશે. એસ્ટ્રાઝેનેકાના આ દાવાથી ભારતના કરોડો ગરીબો પણ કોરોનાની આ વેકસીન સહેલાઈથી ખરીદી શકશે તેવી આશા બંધાઈ છે. જોકે ભારતમાં બીજી રસીની જેમ દેશના તમામ લોકોને મફત રસી આપવામાં આવે એવી શકયતા છે.

(1:06 pm IST)