Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

સિવિલની કોવિડનો એરિયા રેડઝોનમાં: દર્દીના સગા માટે ચૌધરી હાઇસ્કૂલમાં ૧૦ રૂમ અને મંડપની સુવિધા

સિવિલમાં આવી શકાય, પણ કારણવગર કોવિડ એરિયામાં પ્રવેશવા મનાઇઃ દર્દીને લાવતી એમ્બ્યુલન્સને પણ ચૌધરીના ગેઇટમાંથી એન્ટ્રીઃ સગા માટે પાસ સિસ્ટમઃ સવાર-સાંજે બે જ વખત વિડીયો કોલીંગથી મુલાકાત તથા ચીજવસ્તુઓ આપી શકાય તેવી વ્યવસ્થા : આરોગ્ય સચિવ ડો. જયંતિ રવિના સુચનોનો ધડાધડ અમલઃ દર્દીઓના હિતમાં થઇ રહેલી અનેક કામગીરી

ડીસીપી મનોહરસિંહ જાડેજા (ઝોન-૨)એ પીઆઇ ચાવડા અને પીઆઇ કોટડીયા સાથે કોવિડ રેડ ઝોનની મુલાકાત લઇ મહત્વની સુચનાઓ આપી હતી : એમ્બ્યુલન્સ એન્ટ્રી માટેનો નવો રસ્તો, મુખ્ય રસ્તો બંધ તથા સગાને ઇશ્યુ થયલા પાસ (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૭: સિવિલ હોસ્પિટલમાં આવેલી કોવિડ-૧૯ હોસ્પિટલમાં દાખલ કોરોનાના દર્દીઓની સુવિધા માટે આરોગ્ય સચિવ ડો. જયંતિ રવિએ અનેક નિર્ણયો લીધા છે. દર્દીઓના હિતમાં આ નિર્ણયોનો ધડાધડ અમલ કરાવવામાં કલેકટર શ્રી રેમ્યા મોહન અને ટીમે પગલા લીધા છે. સિવિલની કોવિડ હોસ્પિટલને રેડ ઝોનમાં લેવામાં આવી છે. એટલે કે સિવિલ હોસ્પિટલની અંદર તો લોકો પોતાના કામ માટે આવી શકશે પરંતુ કારણ વગર કોવિડ એરિયામાં એન્ટ્રી કરી શકશે નહિ. કોરોનાના દર્દીઓના સગાઓ માટે પણ ચૌધરી હાઇસ્કૂલમાં બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ દર્દીઓને લઇને આવતી ૧૦૮ તથા બીજી એમ્બ્યુલન્સને એન્ટ્રી ચૌધરી હાઇસ્કૂલના ગેઇટમાંથી જ કરવાની રહેશે. દર્દીઓના સગાઓને પાસથી એન્ટ્રીનો અમલ પણ આજથી શરૂ થઇ ગયો છે.

હોસ્પિટલના તંત્રવાહકો સાથે ડીસીપી મનોહરસિંહ જાડેજાએ પ્ર.નગર પીઆઇ એલ. એલ. ચાવડા અને હેડકવાર્ટરના પીઆઇ કોટડીયા સહિતને સાથે રાખી હોસ્પિટલના તંત્રવાહકો સાથે બેઠકો યોજી હતી અને કોવિડ એરિયામાં કારણવગર કોઇ પ્રવેશી ન શકે તે માટેની અને હોસ્પિટલ એરિયામાં પણ સુરક્ષા વ્યવસ્થા સહિતની બાબતોનો ખ્યાલ રાખવા સ્ટાફને સુચનો આપ્યા છે. ડીસીપી મનોહરસિંહ જાડેજાએ કોવિડના રેડ ઝોનની મુલાકાત લઇ મહત્વના સુચનો આપ્યા હતાં. જેમાં ખાનગી સિકયુરીટીની ટીમ પણ સામેલ છે. અત્યાર સુધી કોવિડના દર્દીઓને લઇને એમ્બ્યુલન્સ સિવિલના મુખ્ય પ્રવેશદ્વાર એટલે કે એસબીઆઇ બેંકવાળા અને જામનગર રોડ રેલ્વે હોસ્પિટલવાળા ગેઇટમાંથી આવતી હતી. પરંતુ હવેથી આ એમ્બ્યુલન્સ તથા ૧૦૮ એમ્બ્યુલન્સની એન્ટ્રી ચૌધરી હાઇસ્કૂલના ગેઇટમાંથી અપાશે. આ માટે ચૌધરી હાઇસ્કૂલ અને સિવિલ હોસ્પિટલ વચ્ચેની દિવાલ તોડીને રસ્તો ઉભો કરાયો છે.

દર્દીઓના સગાઓને બેસવા માટેની વ્યવસ્થા પણ ચૌધરી હાઇસ્કૂલમાં ઉભી કરવામાં આવી છે. અહિ દસ રૂમો ખોલાવી નાંખવામાં આવ્યા છે. પાણી-સંડાસ બાથરૂમ સહિતની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ ઉપરાંત મંડપો પણ ઉભા કરાયા છે. કોવિડમાં કારણ વગર ગીરદી ન રહે અને ગમે તે લોકો આવ-જા કર્યા ન કરે તે માટે રેડઝોન જાહેર કરી કડક સિકયુરીટી અને પોલીસ સ્ટાફની ટીમો સતત ફરજ બજાવે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. અંદર કોરોના વોરિયર્સ તબિબો અને નર્સિંગ સ્ટાફની ટીમો તથા બહાર પોલીસ અને સિકયુરીટીની ટીમો કામ કરશે.

કોવિડમાં દર્દીઓને મળવા માટેનો સમય સવારે ૧૦ થી ૧૨ અને સાંજે ૪ થી ૬નો રાખવામાં આવ્યો છે. આ સમય દરમિયાન એક દર્દીને એક સગા પાસ દેખાડીને મળી શકશે (વિડીયો કોલિંગની સુવિધાથી), તેમજ સગાઓને પોતાના દાખલ સ્વજન સુધી કોઇ ચીજવસ્તુ પહોંચાડવાની હશે તો તે પણ આ સમય દરમિયાન પહોંચાડી શકાશે. આ સિવાયના કોઇ સમયમાં દર્દીઓને મળી શકાશે નહિ કે વાત થઇ શકશે નહિ. ખાસ ઇમર્જન્સી જેવું હશે તો સામેથી દર્દીના સ્વજનને ફોથી જાણ કરવામાં આવશે. જેની સોૈએ નોંધ લેવા જણાવાયું છે.

આરોગ્ય સચિવ ડો. જયંતિ રવિએ છ દિવસ રાજકોટમાં મુકામ કરી સિવિલની કોવિડમાં અનેક સુધારા-વધારા કરાવડાવ્યા છે અને અત્યાર સુધી દર્દીઓને અને તેમના સ્વજનોને જે સુવિધા મળતી હતી તેમાં ઉમેરો કરાવડાવ્યો છે. તેમના નિર્ણયોને કલેકટર તંત્ર અને હોસ્પિટલ તંત્રએ ત્વરીત અમલમાં મુકાવ્યા છે.

અધિક્ષક ડો. પંકજ બુચ, કોવિડ આરએમઓ ડો. મહેન્દ્ર ચાવડા અને ટીમો સતત કોરોના વોરિયર્સ તરીકે કાર્યરત

તબિબી અધિક્ષક ડો. પંકજ બુચ, કોવિડ આરએમઓ ડો. મહેન્દ્રભાઇ ચાવડા,  ડો. કમલ ગોસ્વામી, ડો. કમલ ડોડીયા, ડો. કમલેશ વિઠ્ઠલાણી, ડો. આરતીબેન ત્રિવેદી, ડો. જતીન ભટ્ટ, ડો. અજય રાજ્યગુરૂ, ડો. ઉનડકટ, ડો. મહેશ મારૂ, ડો. દૂસરા, ડો. રોય, ડો. કયાડા, ડો. ધ્રાંબડીયા, ડો. વરૂ સહિતની સતત ફરજ અને દેખરેખ હેઠળ અન્ય એ તમામ તબિબો, રેસિડેન્ટ તબિબો અને નર્સિંગ સ્ટાફ, મેડિકલ કોલેજના પ્રોફસેર્સ અને ટીમો (કે જેઓના નામ અહિ નથી લખ્યા અને કોવિડમાં ફરજ બજાવી રહ્યા છે તે તમામ) કોરોનાના દર્દીઓ ઝડપથી સાજા થઇ હેમખેમ ઘરે પરત પહોંચે તે માટે સતત કાર્યરત છે. આ તમામ કોરોના વોરિયર્સને સાજા થતાં દર્દીઓ દિલથી શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. સાજા થતાં દર્દીઓને ઘરે જતાં જોઇ આ ટીમ અને સમગ્ર કોવિડના સ્ટાફના હૃદયમાં ખુશીનો સમુંદર ઘુઘવવા માંડે છે.

(3:06 pm IST)