Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

કોરોના રસી મુદ્દે રશિયા ભારતને સહયોગ આપશે : આવતા સપ્તાહે વાતચીત

નવી દિલ્હી, તા. ૭ : ભારતમાં દરરોજના કોરોનાના કેસોમાં વધારો થતો જઇ રહ્યો છે. ભારત શનિવારનાં રોજ કોરોના સંક્રમણના કેસોમાં બ્રાઝીલને પાછળ છોડીને બીજા સ્થાને પહોંચી ગયો છે. જયારે વધતા જતા કેસોની વચ્ચે કોરોના વેકસીન ને લઇને એક રાહતભર્યા સમાચાર સામે આવ્યાં છે. મોસ્કો અને નવી દિલ્હીની વચ્ચે રશિયાની સ્પૂતનિક વી વેકસીનને લઇને વાતચીત થઇ રહી છે. એવામાં રશિયાએ ફરી વાર ખુશખબરી આપતા જણાવ્યું કે, આ જ સપ્તાહે આ વેકસીન સામાન્ય જનતાને ઉપલબ્ધ થશે.

ભારતમાં રશિયાના રાજદૂત નિકોલેય કુદાશેવે જણાવ્યું કે, વેકસીનને લઇને મોસ્કો અને ભારત સરકારની વચ્ચે અનેક સ્તરો પર વાતચીત થઇ રહી છે. જેમાં વેકસીનની આપૂર્તિ, સહ વિકાસ અને સહ ઉત્પાદન જેવાં મુદ્દાઓ પણ શામેલ છે.

નોંધનીય છે કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ૧૧ ઓગસ્ટના રોજ વિશ્વની પ્રથમ કોરોના વેકસીન ને લોન્ચ કરી હતી. આ વેકસીનનું નામ સ્પૂતનિક વીછે. લૈંસેટ જનરલના અનુસાર શરૂઆતના ટ્રાયલમાં આ વેકસીનની કોઇ ગંભીર સાઇડ ઇફેકટ સામે નથી આવી.

મીડિયા રિપોર્ટના જણાવ્યાં અનુસાર, રશિયાએ ભારતની સાથે વેકસીનને લઇને સહયોગ કરવાની સમજૂતી કરી છે. હાલમાં ભારત સરકાર તરફથી તેનું ઝીણવટપૂર્વક અધ્યયન કરવામાં આવી રહ્યું છે. કુદાશેવે કહ્યું કે, કેટલીક જરૂરી ટેકિનકી પ્રક્રિયાઓ બાદ વેકસીન મોટા વ્યવસાય પર (અન્ય દેશોમાં પણ) ઉપયોદ કરવામાં આવશે.

આ વાતને લઇને પણ એવી ચર્ચા છે કે આવનારા સપ્તાહમાં વિદેશ મંત્રી એસ જયશંકરની રશિયા મુલાકાત દરમ્યાન પણ કોરોના વેકસીનને લઇને વાતચીત થશે. જયારે કુદાશેવે એમ પણ કહ્યું કે, રશિયા ભારત સાથે ન્યાયપૂર્ણ અને બહુદ્ય્રુવીય વિશ્વની કલ્પના કરે છે. એટલાં માટે આ વેકસીન પર કામ કરવા ઇચ્છે છે.

તેઓએ જણાવ્યું કે, વર્તમાનમાં વિશ્વના અનેક દેશ મહામારી હોવા છતાં ભૂ-રાજનૈતિક રમત રમવામાં લાગેલા છે. તેઓ એકબીજા વિરૂદ્ઘ રમતો રમી રહ્યાં છે. પરંતુ હોવું એ જોઇએ કે તમામ દેશ સાથે મળીને આ વાયરસ સામે લડવામાં સહયોગ કરે.

તમને જણાવી દઇએ કે રશિયા આ જ સપ્તાહે કોરોના વેકસીન સ્પૂતનિક વીને સામાન્ય જનતા માટે ઉપલબ્ધ કરાવવા જઇ રહ્યાં છે. આ વેકસીનને મોસ્કોના ગામલેયા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે રશિયા રક્ષા મંત્રાલય સાથે મળીને એડેનોવાયરસને બેસ બનાવીને તૈયાર કરેલ છે.

(3:12 pm IST)