Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

ઇલેકટ્રોનિકસના નિકાસમાં પાંચ વર્ષમાં ૮ ગણો વધારો

ભારતીય અર્થવ્યવસ્થામાં મંદી વચ્ચે સારા સમાચાર : ચીન-અમેરિકાના ટ્રેડવોર વચ્ચે ભારતને લાભ મળ્યો : મોબાઇલ -એસેમ્બલીંગનું સૌથી વધુ ઉત્પાદન

નવી દિલ્હી,તા. ૭: ભારતીય અર્થવ્યવસ્થામાં મંદી વચ્ચે એક સારા સમાચાર એ છે કે ઇલેકટ્રોનિકસની નિકાસમાં જોરદાર વધારાનો ટ્રેન્ડ જોવા મળ્યો છે. ૨૦૧૫માં ભારતમાં ઇલેકટ્રોનિક સામાનનું ઉત્પાદન ૩૧.૨ બીલીયન ડોલરનું હતું. જે ૨૦૧૯માં વધીને ૬૫.૫ બીલીયન ડોલરે પહોંચ્યું હતું. જેમાં મોટો હિસ્સો મોબાઇલ ફોનનો હતો. એવું રિઝર્વ બેંકના ૨૯ ઓગસ્ટે  જાહેર થયેલા વાર્ષિક રિપોર્ટમાં કહેવાયું છે.

મોબાઇલ ફોનનું ઉત્પાદન /એસેમ્બલીંગ લગભગ ૮ ગણુ વધ્યું છે. નાણાંકીય વર્ષ ૨૦૧૫માં તે ૩.૧ બીલીયન ડોલર હતું. જે ૨૦૧૯ના નાણાકીય વર્ષમાં વધીને ૨૪.૩ બીલીયન ડોલરે પહોંચ્યું હતું. જ્યારે કુલ નિકાસના આંકડાઓ ઘટી રહ્યા છે. ત્યારે ઇલેકટ્રોનિકસની નિકાસમાં વધારો થવાનું કારણ ચીન-અમેરિકા વચ્ચેના ટ્રેડવોરનો લાભ ભારતને મળી રહ્યો હોવાનું માનવામાં આવે છે. ઉપરાંત ઇલેકટ્રોનિકસ ઉત્પાદનો માટે સરકારની નિકાસલક્ષી નીતિ પણ આમાં કામ કરી રહી છે.

(3:13 pm IST)