Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

ટૂંક સમયમાં આવશે LICનો IPO, રીટેલ રોકાણકારોને મળી શકે છે ૧૦% ડિસ્કાઉન્ટ

LICમાં હિસ્સેદારી વેચવા માટે કેબિનેટ ડ્રાફ્ટ નોટ જાહેરઃ IPOની સાથે જાહેર થઈ શકે છે બોનસ શેર

નવી દિલ્હી, તા.૭: દેશની સૌથી મોટી કંપની ભારતીય જીવન વીમા નિગમમાં પોતાની હિસ્સેદારી વેચવા માટે નાણા મંત્રાલયે કેબિનેટ ડ્રાફ્ટ નોટ જાહેર કરી દીધી છે. LICમાં સરકાર પોતાની કુલ ૧૦% હિસ્સેદારી વેચવાની સાથે જ મોટી સંખ્યામાં બોનસ શેર પણ જાહેર કરી શકે છે. નાણા મંત્રાલયે કેબિનેટ માટે અંતિમ પ્રસ્તાવ તૈયાર કરી દીધો છે. શરૂઆતમાં જ LIC બોનસ શેર જાહેર કરી શકે છે. ઇકિવટીના રિસ્ટ્રકચરિંગ ઉપર પણ ફોકસ છે. ટૂંક સમયમાં તેને કેબિનેટની મંજૂરી મળી શકે છે.

સૂત્રો મુજબ, રીટેલ રોકાણકારો માટે ૫ ટકા અને LICના કર્મચારીઓ માટે ૫ ટકા સુધી શેર રિઝર્વ રાખવામાં આવી શકે છે. બીજી તરફ રીટેલ રોકાણકારો માટે ૧૦ ટકા સુધી ડિસ્કાઉન્ટ પણ શકય છે. તેના માટે LIC એકટ ૧૯૫૬માં ૬ મોટા ફેરફાર કરવામાં આવશે. શેરહોલ્ડર્સની વચ્ચે નફો વહેંચવાની યોજના છે. ઓથોરાઇઝડ કેપિટલની જોગવાઈ જોડવામાં આવશે અને ઇશ્યૂડ કેપિટલની પણ જોગવાઈ જોડવામાં આવશે.

નોંધનીય છે કે, સરકારે પ્રી-આઇપીઓ ટ્રાન્જેકશન એડવાઇઝર (TAs) તરીકે એસબીઆઈ કેપ્સ અને ડેલોયટને મંજૂરી આપવામાં આવી છે. એલઆઈસીનું વેલ્યૂએશન ૯થી ૧૦ લાખ કરોડ રૂપિયા છે. એવામાં જો સરકાર આઈપીઓના માધ્યમથી એલઆઈસીની ૮ ટકા હિસ્સેદારી વેચી પણ દે છે તો તે ૮૦,૦૦૦-૯૦,૦૦૦ કરોડ રૂપિયાની થશે.

(4:01 pm IST)