Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

આંધ્રપ્રદેશ ભારતના બધા રાજ્‍યોમાં સાક્ષરતા દરમાં 66.4 ટકાના દરે સૌથી તળીયેઃ નેશનલ સ્‍ટેટિસ્‍ટકલ ઓફિસ દ્વારા શિક્ષણ અંગેના આંકડા જાહેર

નવી દિલ્હીઃ સામાન્ય રીતે સાક્ષરતા દરની વાત આવે છે ત્યારે હંમેશા કહેવામાં આવે છે કે સાઉથના રાજ્યોમાં સાક્ષરતાનો દર ઊંચો છે અને ઉત્તરના રાજ્યોમાં નીચો હોય છે, પરંતુ તમે દર વખતની જેમ બીબાઢાળ રીતે આ વિચારતા હોવ તો તમે ખોટા છો.

વાસ્તવિકતા એ છે કે આંધ્રપ્રદેશ ભારતના બધા રાજ્યોમાં સાક્ષરતા દરમાં 66.4 ટકાના દરે સૌથી તળિયે છે અને તેનો દર બિહારના 70.9 ટકાના દર કરતાં પણ ઓછો છે. તેલંગણા 72.8 ટકાના સ્તર સાથે 77.7 ટકાની રાષ્ટ્રીય સરેરાશથી નીચે છે. જ્યારે આસામ 85.9 ટકાના દર સાથે ઉપર છે અને કર્ણાટક 77.2 ટકા સાથે ઉત્તરાખંડના 87.6 ટકાથી પાછળ છે, ફક્ત કેરળ અને દિલ્હી જેવા અગ્રણી રાજ્યોની સાથે કેન્દ્રશાસિત પ્રદેશો જ તેમા આગળ છે.

નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (NSO) દ્વારા શિક્ષણ અંગે જારી કરવામાં આવલે આંકડા સાક્ષરતાના મોરચે અલગ જ ચિત્ર રજૂ કરે છે, તેમા વિકસિત રાજ્યો આ મોરચે પાછળ પડી ગયેલા દેખાય છે. આ આંકડા 2017-18ના છે અને તેમા સાતથી વધુ વયના બધા લોકોને ધ્યાનમાં લેવાયા છે. બધી જ પૂર્વધારણાઓ ખોટી હોય તે જરૂરી નથી.

કેરળ સાક્ષરતા દરની રીતે 96.2 ટકાના દર સાથે દેશના રાજ્યોમાં ટોચ પર છે. વધારે મહત્વની વાત એ છે કે કેરળમાં પુરુષ અને સ્ત્રીના સાક્ષરતા દર વચ્ચેનો તફાવત માંડ 2.2 ટકા છે. જ્યારે અખિલ ભારતીય સ્તરે આ તફાવત 14.4 ટકા છે. તેમા પુરુષ સાક્ષરતા દર 84.7 ટકા અને મહિલા સાક્ષરતા દર 70.3 ટકા છે.

સામાન્ય રીતે નીચો સાક્ષરતા દર ધરાવતા રાજ્યમાં આ ટકાવારી ઊંચી જોવાઈ છે. આંધ્રમાં જ જોઈએ તો પુરુષ અને સ્ત્રી સાક્ષરતા દરનો તફાવત 13.9 ટકા છે, જ્યારે રાજસ્થાનમાં 23.2 ટકા, બિહારમાં 19.2 ટકા અને ઉત્તરપ્રદેશમાં 18.4 ટકા છે.

શહેરી અને ગ્રામીણ સાક્ષરતા દરમાં પણ પુરુષ અને મહિલાઓ વચ્ચે આ તફાવત જોવા મળ્યો છે. તેલંગણામાં જોઈએ તો ત્યાં સાક્ષરતા દર ગ્રામીણ સાક્ષરતા દર કરતાં 23.4 ટકા જેટલો નીચો છે. આંધ્રમાં આ ટકાવારી 19.2 ટકા છે. શહેરી-ગ્રામીણને જોડતા જોઈએ તો શહેરી પુરુષના સાક્ષરતા દર અને ગ્રામીણ મહિલાના સાક્ષરતા દરનો રાષ્ટ્રીય સ્તરનો તફાવત 27.2 ટકા છે, જે ચિંતાજનક છે. તેમા પણ રાજસ્થાનમાં જોઈએ તો તે 38.5 ટકા (એટલે કે 52.6 ટકાની સામે 9.1 ટકા) અને તેલંગણામાં જોઈએ તો 38 ટકા (એટલે કે 91.7 ટકાની સામે 53.7 ટકા) છે.

ફક્ત ચાર રાજ્યોમાં જ શહેરી પુરુષ સાક્ષરતા દર 90 ટકાથી નીચે છે અને આ દર 85 ટકાથી નીચે હોય તેવું કોઈ રાજ્ય નથી. તેનાથી વિપરીત 80 ટકાથી ઊંચો મહિલા ગ્રામીણ સાક્ષરતા દર ધરાવતું હોય તેવું કેરળ એકમાત્ર રાજ્ય છે અને 70 ટકાથી નીચો દર ધરાવતા હોય તેવા 22 અગ્રણી રાજ્યમાંથી 13 રાજ્ય છે. આમાથી ચાર રાજ્યમાં તો આ દર 60 ટકાથી પણ નીચે છે.

(4:47 pm IST)