Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

કંગના રનૌતને ‘Y' શ્રેણીની સુરક્ષામાં 11 સુરક્ષા કર્મચારીઓ તૈનાત રહેશેઃ Z+ અને Z સહિતની સિક્‍યોરિટી વિશે જાણવા જેવુ

નવી દિલ્હી: કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓએ બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતને Y શ્રેણીની સુરક્ષા પૂરી પાડી છે. શિવસેના અને કંગના વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે ગૃહમંત્રાલયે અભિનેત્રીને Y કેટેગરીની સુરક્ષા આપવાનો નિર્ણય કર્યો છે. જે અંતર્ગત 11 સુરક્ષા કર્મચારીઓ કંગનાની સુરક્ષામાં તૈનાત રહેશે.

વાસ્તવમાં અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ ફિલ્મ ઉદ્યોગના એક મોટા વર્ગમાં નશીલી દવાઓના વાપરવા સંદર્ભે બોલ્યા બાદ કંગના રનૌતને સતત ધમકી મળી રહી છે. જેને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કરવામાં આવ્યો છે. તો ચાલો જાણીએ આખરે શું હોય છે આ Z+ અને Z સિક્યોરિટી?

Z+ શ્રેણીની સુરક્ષા

સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપની સુરક્ષા બાદ Z+ શ્રેણીની સુરક્ષા સૌથી ઉપર છે. આ શ્રેણીમાં સબંધિત વિશિષ્ટ વ્યક્તિની સુરક્ષામાં 36 જવાનો ફરજ બજાવે છે. જેમાં 10થી વધુ NSG કમાન્ડો સાથે ITBP અને CRPFના કમાન્ડો અને રાજ્યના સ્થાનિક પોલીસ કર્મચારીઓ સામેલ હોય છે.

આ તમામ કમાન્ડો માર્શલ આર્ટ અને હથિયાર વિના યુદ્ધ કરવાની કળામાં નિપૂર્ણ હોય છે. સુરક્ષામાં લાગેલા NSG કમાન્ડો પાસે MP5 મશીનગન સાથે આધૂનિક સંચાર ઉપકરણો પણ હોય છે. આ સિવાય તેમના કાફલામાં જામર ગાડી પણ હોય છે, જે મોબાઈલ સિગ્નલ જામ કરવા માટે કામ કરે છે. દેશમાં પસંદગીના લોકોને જ Z+ કેટેગરીની સુરક્ષા પ્રાપ્ત છે.

Z શ્રેણીની સુરક્ષા

Z શ્રેણીની સુરક્ષામાં 4 થી 5 NSG કમાન્ડો સહિત કુલ 22 સુરક્ષાગાર્ડ ફરજ બજાવે છે. જેમાં દિલ્હી પોલીસ, ITBP અથવા CRPFના કમાન્ડો અને સ્થાનિક પોલીસ કર્મચારીઓ પણ સામેલ હોય છે.

Y શ્રેણીની સુરક્ષા

આ સુરક્ષાનું ત્રીજુ સ્તર હોય છે. ઓછું જોખમ ધરાવતા લોકોને આ સુરક્ષા આપવામાં આવે છે. જેમાં કુલ 11 સુરક્ષા કર્મચારી સામેલ હોય છે. જેમાં બે PSO (ખાનગી સુરક્ષાગાર્ડ) પણ હોય છે. આ શ્રેણીમાં કોઈ કમાન્ડો નથી હોતા. દેશમાં સૌથી વધુ લોકોને Y શ્રેણીની સુરક્ષા આપવામાં આવી છે.

X શ્રેણીની સુરક્ષા

આ શ્રેણીમાં બે સુરક્ષા ગાર્ડ ફરજ બજાવે છે. જેમાં એક PSO (ખાનગી સુરક્ષાગાર્ડ) હોય છે. દેશમાં અનેક લોકોને આ શ્રેણીની સુરક્ષા પ્રાપ્ત છે.

(4:51 pm IST)