Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

કેન્‍દ્ર સરકાર સોશ્‍યલ સિક્‍યોરિટી સ્‍કીમનું કાર્યક્ષેત્ર વિસ્‍તારવાની દિશામાં આગળઃ વકિલ, ડોક્‍ટર, સીએ સહિત સ્‍વરોજગાર કરનારાઓને પણ ઇપીએફઓના કાર્યક્ષેત્રમાં લાવી શકે છે

નવી દિલ્હીઃ સરકારે સોશિયલ સિક્યોરિટી સ્કીમનું કાર્યક્ષેત્ર વિસ્તારવાના પોતાના લક્ષ્ય હેઠળ હવે તે સ્વરોજગાર કરનારાઓને ઇપીએફઓ(EPFO)ના કાર્યક્ષેત્રમાં લાવી શકે છે. એટલે કે હવે તેમને પીએફ (PF)ની સગવડ મળી શકે છે. સરકારની આ યોજનાના લીધે હવે સોશિયલ સિક્યોરિટી સ્કીમથી બહાર રહેલા 90 ટકા કામદારો તેના હેઠળ આવી જશે.

ડોક્ટર, વકીલ અને સીએ માટે પણ પીએફની સગવડ

સ્વરોજગાર કરનારાઓ ઉપરાંત વકીલ, ડોક્ટર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પણ ઇપીએફઓ દ્વારા સરકારની પીએફ યોજનાનો ફાયદો ઉઠાવી શકશે. અત્યાર સુધી તો કોઈ કોઈ કર્મચારી કોઈ કંપનીમાં નોકરી કરતો હોય ત્યારે જ તે પ્રોવિડન્ટ ફંડનો સબસ્ક્રાઇબર બની શકતો હતો. હાલમાં ઇપીએફઓ છ કરોડ કર્મચારીઓના પીએફ ખાતાનું સંચાલન કરે છે. આ સમાચારો મુજબ સરકાર તરફથી સોશિયલ સિક્યોરિટીનું બિલ પસાર કરવાની સાથે સ્વરોજગાર કરનારાઓને પણ પીએફ પૂરુ પાડવાનો નિયમ આવી શકે છે. હાલમાં સરકાર આઠ શ્રમ કાયદા(Labour act)ને એક જ કાયદાની હેઠળ લાવવાની તૈયારીમાં છે.

બધી સોશિયલ સિક્યોરિટી સ્કીમ એક જ છત્ર હેઠળ

આ ઉપરાંત બધી સોશિયલ સિક્યોરિટી સ્કીમોને એક જ છત્ર હેઠળ લાવવાની યોજના છે. શ્રમ મામલાની સંસદીય સમિતિએ સરકારને સારી યોજનાઓને એક જ મથાળા હેઠળ લાવવાની ભલામણ કરી હતી. તેથી સરકાર હવે સ્વરોજગાર કરનારાઓ માટે પીએફની સગવડ પૂરી પાડવાની યોજનામાં આગળ વધી શકે છે. સરકારને તે સલાહ આપવામાં આવી છે કે સ્વરોજગાર કરનારાઓ આવકના 20 ટકા પીએફ તરીકે જમા કરાવે. સ્વરોજગાર કરનારાઓમાં કોઈ માલિક કે કર્મચારી હોતું નથી, તેથી માલિક-કર્મચારીનો બંને હિસ્સો તેણે જ આપવો પડશે. તેની સાથે તેના સંચાલનનો ખર્ચ પણ જોડાયેલો હશે. આમ થશે તો અસંગઠિત ક્ષેત્રના કરોડો કામદારો સોશિયલ સિક્યોરિટી સ્કીમના નેજા હેઠળ આવી જશે.

(4:51 pm IST)