Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય : હવે કોરોના દર્દીઓને જીનોમ સિક્વેન્સિંગ ટેસ્ટ નહીં થાય

આરોગ્ય મંત્રીએ કહ્યું-રાજ્યમાં 55 ટકા કોરોના દર્દીઓ ઑમિક્રૉનના :દર્દીઓમાં લક્ષણો ખૂબ જ ઓછા છે સાથે જ જીનોમ ટેસ્ટનું રિઝલ્ટ આવવામાં પણ 5-7 દિવસ લાગી જાય છે. આ કારણે રાજ્યમાં જીનોમ ટેસ્ટ બંધ કરાયા

મુંબઈ :મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. બુધવારે મહારાષ્ટ્રમાં 25 હજારથી વધારે કોરોનાના કેસ સામે આવ્યા તો મુંબઇમાં પણ કોરોનાના કેસમાં 15 હજારથી વધારેનો આંકડો સામે આવી ચૂક્યો છે. એવામાં મહારાષ્ટ્ર સરકારે એક મોટું પગલું ઉઠાવતા નિર્ણય લીધો છે કે હવે કોરોના દર્દીઓને જીનોમ સિક્વેન્સિંગ ટેસ્ટ રાજ્યમાં નહીં થાય.

મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ તોપેનું કહેવું છે કે જીનોમ ટેસ્ટ આ કારણસર બંધ કરવામાં આવી રહી છે કારણકે રાજ્યમાં 55 ટકા કોરોના દર્દીઓ ઑમિક્રૉનના આવી રહ્યા છે. આ દર્દીઓમાં લક્ષણો ખૂબ જ ઓછા છે. તોપેએ કહ્યું સાથે જ જીનોમ ટેસ્ટનું રિઝલ્ટ આવવામાં પણ 5-7 દિવસ લાગી જાય છે. આ કારણે રાજ્યમાં જીનોમ ટેસ્ટ બંધ કરવામાં આવ્યા છે. હવે બધા કોરોના દર્દીઓની સારવાર તેમના સ્વાસ્થ્ય પ્રમાણે કરવામાં આવશે.
મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ તોપેએ એ પણ સ્પષ્ટ કરી દીધું કે જો મહારાષ્ટ્રમાં 40 ટકા બેડ ભરાઈ જાય છે તો લૉકડાઉન પર વિચાર કરવામાં આવશે પણ હાલ લૉકડાઉનનો રાજ્યમાં કોઈ વિચાર નથી.
રાજેશ તોપે પ્રમાણે કોરોનાની આ ત્રીજી લહેર ફેબ્રુઆરી સુધી પીક પર પહોંચશે અને માર્ચના અંત સુધીમાં કોરોનાના કેસ ધીમે-ધીમે ઘટવા લાગશે.

આ પહેલા સમાચાર આવ્યા છે કે મુંબઈમાં એક અઠવાડિયામાં જ હૉસ્પિટલમાં 50 ટકા બેડડ ભરાઈ ગયા છે. આ વાતની માહિતી બૃહ્નમુંબઈ મહાનગર પાલિકાની કોરોના કમિટીના સભ્ય ડૉક્ટર ગૌતમ ભનસાલીએ આપી છે. તેમણે ચેતવણી આપી છે કે આગામી સમયમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં હજી વધારો થશે. જો કે, મોટા ભાગના દર્દીઓના સ્વસ્થ થવાની ઝડપ પણ વધી છે. તો, મહારાષ્ટ્રમાં 260 રેઝિડેન્ટ ડૉક્ટરના સંક્રમિત થવાના સમાચાર છે.

ડૉક્ટર ભંસાલીએ માહિતી આપી છે કે શહેરમાં હૉસ્પિટલમાં દાખલ થનારાની સંખ્યામાં વધારો થયો છે. એક અઠવાડિયા પહેલા ફક્ત 2 ટકા બેડ જ ભરાયેલા હતા, પણ કેસ વધવાને કારણે 50 ટકા બેડ ભરાઈ ચૂક્યા છે. તેમણે માહિતી આપી છે કે દાખલ થનારા દર્દીઓ 2-3 દિવસમાં જ સ્વસ્થ થઈ રહ્યા છે. તેમણે કહ્યું કે આગામી અઠવાડિયું શહેર માટે ખૂબ જ મહત્વનું સાબિત થશે.

(12:00 am IST)