Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

અમેરિકા જેવો ટ્રેન્‍ડ રહેશે તો ભારતમાં રોજ ૩૦ લાખ કોરોનાના નવા કેસ

દેશમાં કોરોના વાયરસની ત્રીજી લહેરે ટકોરા માર્યા છે ત્‍યારે નોમુરાએ ડરામણુ અનુમાન જાહેર કર્યુઃ જો આવુ થશે તો હેલ્‍થ ઈન્‍ફ્રાસ્‍ટ્રકચર ભાંગી જશે : ત્રીજી લહેરને કારણે ભારતનો આર્થિક ગ્રોથ નબળો પડશેઃ મોંઘવારી ફુંફાડા મારશેઃ ૨૦૨૨ના બીજા ક્‍વાર્ટરમાં અર્થતંત્રમાં ઘટાડો જોવા મળશેઃ ૨૦૨૨ના મધ્‍યથી એકસપોર્ટ ઘટશે અને ઈકોનોમીમાં મંદીનો સંકેત મળશે

નવી દિલ્‍હી, તા. ૮ :. દેશમાં કોરોના વાયરસની ત્રીજી લહેરે ટકોરા માર્યા છે અને રોજ આગલા દિવસ કરતા ૪૦ ટકા કેસ વધી રહ્યા છે, પરંતુ ફાયનાન્‍સીયલ સર્વિસીસ ફર્મ નોમુરાનું એક અનુમાન ચિંતા ઉપજાવે તેવુ છે. તેણે અમેરિકાના ટ્રેન્‍ડ સાથે સરખામણી કરતા કહ્યુ છે કે, જો ભારતમાં તેના જેવી સ્‍થિતિ જોવા મળે તો રોજ ૩૦ લાખ નવા કેસ સામે આવી શકે છે. જો આવુ થાય તો દેશનું હેલ્‍થ ઈન્‍ફ્રાસ્‍ટ્રકચર ભારે પ્રેસરમાં આવી જાય. જો દક્ષિણ આફ્રિકા જેવો ટ્રેન્‍ડ રહ્યો તો રોજ ૭.૪૦ લાખ કેસ આવી શકે છે. અત્રે નોંધનીય છે કે આઈઆઈટી કાનપુરના પ્રોફેસર અગ્રવાલે કહ્યુ છે કે પીક દરમિયાન દેશમાં ૪ થી ૮ લાખ સુધી કેસ આવી શકે છે.
નોમુરાએ કહ્યુ છે કે, ત્રીજી લહેરને કારણે દેશનો આર્થિક ગ્રોથ નબળો પડી શકે છે. જેમાં હાલ સુધારો જોવા મળી રહ્યો છે. એટલુ જ નહિ મોંઘવારીમાં પણ વધારો થઈ શકે છે. જેને નિપટવા માટે રીઝર્વ બેન્‍ક તરફથી રેપોરેટમાં વધારો થઈ શકે છે. નોમુરાએ પોતાના અનુમાનમા કહ્યુ છે કે ભારત, ફિલીપીન્‍સ અને ઈન્‍ડોનેશીયા જેવા દેશોમાં કુલ વસ્‍તીના ૪૫ ટકાની બરાબર જ રસીકરણ થયુ છે તેવામાં સંક્રમણ ઝડપથી ફેલાવાનું જોખમ છે અને તેનાથી હોસ્‍પીટલો પર દબાણ જોવા મળી શકે છે. અત્રે એ નોંધનીય છે કે છેલ્લા બે દિવસથી ૧ લાખથી વધુ કેસ સામે આવે છે.
નોમુરાએ અર્થતંત્રને લઈને પણ અનુમાન દર્શાવ્‍યુ છે કે ૨૦૨૨ના બીજા કવાર્ટરમાં ઘટાડાની સ્‍થિતિ જોવા મળી શકે છે. ૨૦૨૨ના મધ્‍યથી એકસપોર્ટમાં ઘટાડાનો દોર શરૂ થઈ શકે છે. જો આવુ થશે તો તે ઈકોનોમીમા મંદીનો સંકેત હશે. અત્રે એ નોંધનીય છે કે ગયા વર્ષના ત્રીજા કવાર્ટરથી અર્થતંત્ર દોડતુ થયુ છે. જીએસટી કલેકશનને લઈને જીડીપી ગ્રોથના આંકડાઓએ રાહત આપી છે પરંતુ હવે નોમુરાના અનુમાન અનુસાર આ વધારો આ વર્ષના બીજા કવાર્ટરમાં ઘટી શકે છે.

 

(10:53 am IST)