Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

ગાઝિયાબાદના કૈલાભઠ્ઠા ખાતે નકલી નોટ છાપનાર ટોળકી ઝડપાઇઃ 8 મહિનામાં 17 લાખની નોટ છાપીને 11 લાખની નોટ બજારમાં ફરતી કરી દીધી હતી

મુખ્‍ય સુત્રધાર આઝાદ હતોઃ યુટયુબમાં શીખીને પ્‍લાન ઘડયોઃ સપ્‍લાય માટે કમિશન અપાતુ

ગાઝિયાબાદ: ક્રાઈમ બ્રન્ચે શુક્રવારે ગાઝિયાબાદના કૈલાભઠ્ઠા ખાતેથી નકલી નોટો છાપનારી ટોળકીનો ખુલાસો કર્યો છે. આ ટોળકીએ 8 મહિનામાં આશરે 17 લાખ રૂપિયાની નકલી નોટો છાપી નાખી હતી. આ ટોળકીના સદસ્યોએ આશરે 11 લાખ રૂપિયાની નકલી નોટો બજારમાં ફરતી કરી દીધી છે.

કૈલાભઠ્ઠા ખાતે એક ઘરમાં નકલી નોટ બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. પોલીસે દરોડો પાડીને 7 લોકોની ધરપકડ કરી લીધી છે તથા 6 લાખ 59 હજારની નકલી નોટો જપ્ત કરી છે. આ ટોળકીના સદસ્યો યુટ્યુબમાંથી શીખીને નકલી નોટો બનાવી રહ્યા હતા. સીઓ સદર આકાશ પટેલના કહેવા પ્રમાણે આ ટોળકી કૈલાભઠ્ઠા ખાતે 8 મહિનાથી સક્રિય હતી.

બાતમીના આધારે પોલીસ ટીમના એક સદસ્યએ ત્યાં જઈને નકલી નોટો લેવાનો સોદો કર્યો હતો અને આ ટોળકીનો ભાંડો ફૂટ્યો હતો. ચમન કોલોની નિવાસી આઝાદ આ ટોળકીનો મુખ્ય સૂત્રધાર હતો અને નોટો છાપવાનું કામ કૈલાભઠ્ઠા નિવાસી યુનૂસના ઘરે ચાલી રહ્યું હતું. આઝાદ, સોનુ અને યુનૂસ ત્યાં નોટોનું છાપકામ અને ફિનિશિંગ કરતા હતા.

અમન અને આલમ ઉર્ફે આશીષ સપ્લાયરને નકલી નોટો પૂરી પાડતા હતા જે બજારમાં ફરતી મુકાતી હતી. પોલીસે નકલી નોટો ઉપરાંત પ્રિન્ટર, ફર્મા, કાગળના બંડલ સહિતની સામગ્રી જપ્ત કરી છે અને કયા કયા દુકાનદારો તેમના પાસેથી નોટો લેતા હતા તે ચિન્હિત કરવામાં આવી રહ્યું છે.

પોલીસના કહેવા પ્રમાણે આઝાદ એક અસલી નોટના બદલામાં 3 નકલી નોટ આપતો હતો. સપ્લાય માટે અમન અને આલમ પોતાનું 20 ટકા કમિશન લેતા હતા. આઝાદના કહેવા પ્રમાણે થોડાં મહિનાઓ પહેલા પેટ્રોલ પંપ પર એક વ્યક્તિએ તેના પાસેથી કેટલીક નોટો છુટ્ટા માટે તોડાવી હતી જેમાં કેટલીક નકલી હતી. પેટ્રોલ પંપ પર નકલી નોટો ચાલી ગયા બાદ આઝાદને નકલી નોટો છાપવાનો વિચાર આવ્યો હતો. બાદમાં તેણે મિત્ર સાથે મળીને યુટ્યુબ પરથી શીખીને આ કામ શરૂ કરી દીધું હતું.

(5:36 pm IST)