Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

ગોવામાં ભાજપને હરાવવા કોઈપણ પક્ષ સાથે ગઠબંધન કરવા તૈયાર છીએ : પી, ચિદમ્બરમ

પૂર્વ નાણામંત્રીએ કહ્યું- કોઈપણ પક્ષ ભાજપને હરાવવા કોંગ્રેસની સાથે જોડાવવા માંગતો હોય તો શા માટે અમે ના પાડીએ

પણજીઃ કોંગ્રેસ ગોવામાં ભાજપને હરાવવા કોઈપણ પક્ષનું સમર્થન સ્વીકારવા કે આપવા તૈયાર છે , એમ પક્ષના વરિષ્ઠ નેતા ચિદમ્બરમે જણાવ્યુંહતું.

તૃણમૂલ કોંગ્રેસ પક્ષનાગોવા ઇન-ચાર્જ મહુઆ મોઇત્રાએ સૂચવ્યુ હતુ કે મમતા બેનરજીનો પક્ષ ગોવા ફોરવર્ડ પાર્ટી જીએફપી) અને કોંગ્રેસ સાથે ચૂંટણી પૂર્વેના જોડાણ માટે ખુલ્લુ મન ધરાવે છે તેના ગણતરીના કલાકોમાં તેમણે આ નિવેદન કર્યુ હતુ.

ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાને જણાવ્યું હતું કે ટીએમસીના પ્રવક્તાએ ભલે આ નિવેદન કર્યુ પણ સત્તાવાર મંજૂરી માટે રાહ જોવી જોઈએ. કોંગ્રેસ પોતાના બળે ભાજપને હરાવવા સક્ષમ છે, પરંતુ કોઈપણ પક્ષ ભાજપને હરાવવા કોંગ્રેસની સાથે જોડાવવા માંગતો હોય તો શા માટે અમે ના પાડીએ.

ગોવાની 40 સભ્યોની વિધાનસભામાં 2017માં સૌથી વધુ 17 બેઠક જીત્યા પછી પણ કોંગ્રેસ છેલ્લા પાંચ વર્ષથી સત્તાથી વંચિત રહ્યો છે. પક્ષના કેટલાય વિધાનસભ્ય ભાજપમાં જોડાયાછે અને કમસેકમ બે ટીએમસીમાં જોડાયા છે. ટીએમસી ગોવાના રાજકારણમાં નવો પ્રવેશેલો પક્ષ છે. આના પગલે હવે ગૃહમાં કોંગ્રેસના ફક્ત બે વિધાનસભ્ય રહી ગયા છે.

કોંગ્રેસે જીએફપી સાથે ચૂંટણી પૂર્વેના જોડાણની જાહેરાત કરી છે. જ્યારે ટીએમસીએ મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટી (એમજીપી) સાથે જોડાણ કર્યુ છે. મોઇત્રાએ ત્વીટ કર્યુ હતું કે ટીએમસી ભાજપને હરાવવા બધુ કરી છૂટશે અને જીએફપી અને કોંગ્રસને ટેગ કર્યા હતા.

કોંગ્રેસ 2017ની વિધાનસભા ચૂંટણીમાં 17 બેઠક જીતી સૌથી મોટો પક્ષ હોવા છતાં પણ સરકાર બનાવી શકી ન હતી. ભાજપે 13 બેઠક જીતી હોવા છતા કેટલાક અપક્ષ અને પ્રાદેશિક પક્ષના સહયોગથી મનોહર પારિકરના નેતૃત્વ હેઠળ સરકાર બનાવી હતી.

(12:44 am IST)