Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

ગૃહ મંત્રાલયે મિશનરીઝ ઓફ ચેરિટીનું રદ કરેલી લાઇસન્સ પુનઃ સ્થાપિત કર્યુ

એફસીઆરએ લાઇસન્સ પુનઃ સ્થાપિત થવાના લીધે કોલકાતા સ્થિત સંગઠન વિદેશી ભંડોળ મેળવી શકશે

નવી દિલ્હી : કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ફોરીન કન્ટ્રિબ્યુશન રેગ્યુલેશન એક્ટ (એફસીઆરએ)હેઠળ મિશનરીઝ ઓફ ચેરિટીનું રદ કરેલી લાઇસન્સ પુનઃ સ્થાપિત કર્યુ છે.તેણે અગાઉ કેટલાક વિપરીત નિર્દેશોના પગલે આ લાઇસન્સ રદ કર્યુ હતું.

ગૃહ મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું હતું કે એફસીઆરએ લાઇસન્સ પુનઃ સ્થાપિત થવાના લીધે કોલકાતા સ્થિત સંગઠન વિદેશી ભંડોળ મેળવી શકશે અને તે બેન્કમાં પડેલા નાણા પણ વાપરી શકશે.

મિશનરીઝ ઓફ ચેરિટી (એમઓસી) કેથલિક રેલિજિયસ કોન્ગ્રેગેશનની સ્થાપના 1950માં નોબેલ પારિતોષિક વિજેતા મધર ટેરેસાએ ગરીબો અને વંચિતોની મદદ માટે કરી હતી. ધ મિશનરીઝ ઓફ ચેરિટી (એમઓસી)ે આ અહેવાલ અંગે પૂછવામાં આવ્યુ ત્યારે તેના પર ટિપ્પણી કરી ન હતી. પરંતુ ટોચના અધિકારીએ નામ ન આપવાની શરતે તે વાતને સમર્થન આપ્યું હતું કે ગૃહ મંત્રાલયે સાતમી જાન્યુઆરીથી તેનું એફસીઆરએ લાઇસન્સ પુનઃ સ્થાપિત કર્યુ છે. અમે આ હિલચાલથી ખુશ છીએ.

કોલકાતામાં અધિકારીએ જણાવ્યું હતું કે અમે ગરીબ અને વંચિતો માટે સેવા કરીએ છીએ અને અમારા દરવાજા દેશમાં અને વિદેશમા અમને દાન આપવા માટે તથા અમારા શુભેચ્છકો માટે હંમેશા ખુલ્લા છે. આમ નવા વર્ષની શરૃઆત અમારામાટે રાહત લઈ આવી છે.

૨૭મી ડિસેમ્બરે ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે કેટલાક વિપરીત નિર્દેશો મળવાના લીધે તેઓ મિશનરીઝ ઓફ ચેરિટીનું એફસીઆરએ લાઇસન્સ રદ કરે છે. તેમણે જણાવ્યું હતું કે તેમણે મિશનરીઝ ઓફ ચેરિટીના કોઈપણ ખાતા સ્થગિત કર્યા ન હતા, પરંતુ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ જણાવ્યું હતું કે આ એનજીઓએ પોતે તેના ખાતા સ્થગિત કરવા વિનંતી મોકલી હતી.

(1:03 am IST)