Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

રાંચી રાજધાની એક્સપ્રેસમાં આગ લાગતા દોડધામ મચી

આગ પર કાબૂ મેળવતા મોટો અકસ્માત ટળી ગયો : ટ્રેનને ગંગા ઘાટ સ્ટેશન પર લાવવામાં આવી હતી અને એન્જિનિયરોને બોલાવીને આગને કાબૂમાં લેવામાં આવ્યો

રાંચી, તા. : રાંચીથી નવી દિલ્હી જતી રાજધાની એક્સપ્રેસમાં આગની ઘટના સામે આવી છે. મુસાફરોને જ્યારે ખબર પડી કે આગ લાગી છે તો દોડધામ મચી ગઈ હતી. મળતી માહિતી પ્રમાણે આગ પાછળથી ચોથા વેગનમાં લાગી હતી. જો કે, આગ પર સમયસર કાબૂ મેળવતા મોટો અકસ્માત ટળી ગયો હતો. ટ્રેન નંબર ૦૨૨૪૧ ગંગા ઘાટ રેલ્વે સ્ટેશન પરથી પસાર થઈ રહી હતી ત્યારે સ્ટેશનના સ્ટાફની નજર વેગનમાં લાગેલી આગ પર પડી ગઈ. તેણે તરત ટ્રેનમાં તૈનાત ગાર્ડને જાણ કરી, પછી ડ્રાઇવરે ઇમરજન્સી બ્રેક મારીને ટ્રેન રોકી હતી. સાથોસાથ એન્જિનિયરોને બોલાવ્યા હતા જેઓએ સમયસર આગ પર કાબૂ મેળવી લીધો હતો. ડીઆરએએમ નીરજ અબસ્ટે રાજધાની એક્સપ્રેસમાં લાગેલી આગની ઘટનાની તપાસના આદેશ આપતા કહ્યું કે, રિપોર્ટ એક અઠવાડિયામાં આવવો જોઈએ. મળતી માહિતી મુજબ ટ્રેનને રાંચી રેલ્વે સ્ટેશનથી સાંજે .૧૦ વાગ્યે દિલ્હી તરફ રવાના કરવામાં આવી હતી.

જ્યારે ટ્રેન ગંગા ઘાટ રેલ્વે સ્ટેશનને પાર કરી ત્યારે ગાર્ડને વોકી-ટોકી પર બાતમી મળી હતી કે એક બોગીમાં આગ ફાટી નીકળી છે. ટ્રેનને ગંગા ઘાટ સ્ટેશન પર લાવવામાં આવી હતી અને એન્જિનિયરોને બોલાવીને આગને કાબૂમાં લેવામાં આવી હતી. જોકે, ટ્રેન સ્ટેશન પર રોકાતા પહેલા ઉતરવાને લઈને મુસાફરોમાં અફરા-તફરી મચી ગઈ હતી. રેલ્વે અધિકારીઓએ તેમને ખાતરી આપી ત્યારે મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો. દરમિયાન રાજધાની એક્સપ્રેસ ગંગા ઘાટ સ્ટેશન પર લગભગ ૨૫ મિનિટ રોકાઈ હતી.

(12:00 am IST)