Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

મહારાષ્ટ્ર સરકારની ગઠબંધન સરકારને ત્રણ પૈડાવાળી રીક્ષા સાથે સરખાવતા અમિત શાહ

મોદીના નામે મતો માંગ્યા પછી ફરી જવાની વાત અયોગ્ય : બાળા સાહેબના આદર્શો ભુલાયા : આ મજબુત દેશે મહામારી સામે પણ બાથ ભીડી બતાવી

મુંબઇ તા. ૮ : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે મહારાષ્ટ્રની ગઠબંધનવાળી મહા વિકાસ અઘાડી (એમવીએ) સરકારને ત્રણ પૈડાવાળી ઓટો રીક્ષા સાથે સરખાવી  તમામ મોરચે નિષ્ફળ ગયેલ હોવાનો ટોણો માર્યો છે.

તેમણે મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જીલ્લાના કંકાવલીમાં એક મેડીકલ કોલેજના ઉદ્દઘાટન પ્રસંગે જણાવેલ કે ઓટો રીક્ષાના ત્રણેય પૈડા અલગ અલગ દિશામાં ભાગતા હોય છે. તેમ અહીં પણ જનાદેશને અવગણીને ગઠબંધનવાળી સરકાર દોડાવવામાં આવી રહી છે. જનાદેશ દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વવાળી ભાજપા-શિવસેના સરકાર માટે હતો. તેમ છતા સતાની લાલશામાં ગઠબંધનવાળી (એમવીએ) સરકાર રચવામાં આવી છે.

૨૦૧૯ માં મહારાષ્ટ્ર વિધાનસભા ચુંટણી પછી મુખ્યમંત્રી પદને લઇને શિવસેનાએ લાંબા સમયથી સહયોગી બની રહેલ ભાજપાથી સંબંધ તોડી નાખેલ. ઠાકરેએ ત્યારે કહેેલ કે શાહે તેમને આ વચન આપ્યુ હતુ જે નિભાવ્યુ નથી. આ બાબતે અમિત શાહે સ્પષ્ટતા કરતા જણાવેલ કે મુખ્યમંત્ર પદને લઇને શિવસેના સાથે અમે કોઇ વાયદો કર્યો નહોતો. અમે બંધ બારણે રાજકારણ ખેલવાવાળા માણસ નથી.

તેમણે કહેલ કે અમે આપેલ વાયદા પાળી બતાવીએ છીએ. બિહારમાં અમે કહેલુ કે રાજદને વધુ સીટો મળશે તો પણ અમે નિતિશકુમાર જ મુખ્યમંત્રી પદે રહેશ. ભાજપાને જ.દ.(યુ.) કરતા વધારે બેઠકો મળી છતા અમે નિતિશકુમારને મુખ્યમંત્રી બનાવી વાયદો પાળી બતાવ્યો હતો.

ઠાકરે પર નિશાન સાધતા તેઓએ જણાવેલ કે મહારાષ્ટ્ર વિધાનસભા ચુંટણી પહેલા શિવસેના અધ્યક્ષે તેમની અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે રેલીઓ યોજી હતી. અમે ફડળવીસના નેતૃત્વવાળી ભાજપા - શિવસેના ગઠબંધન માટે મતો માંગ્યા હતા. મોદીજીના નામ પર મતો મેળવ્યા પછી સતાના મોહમાં બધુ વિસરી જવાયુ. બાળા સાહેબના તમામ આદર્શોને તાપી નદીમાં ફેંકી દેવાયા. એમ.વી.એ. સરકાર તમામ મોરચે અસફળ રહી છે.

સાથો સાથ શ્રી શાહે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં બે વર્ષમાં શ્રીરામ મંદિર નિર્માણ થઇ જવાની આશા વ્યાકત કરી હતી.

તેમણે કોવિડ-૧૯ મહામારી ની ચર્ચા કરતા જણાવેલ કે ઘણાયને શંકા હતી કે મોટી વસ્તી અને નબળો આરોગ્ય વિભાગ ધરાવતો આ દેશ મહામારીમાંથી કઇ રહીતે ઉગરશે. પરંતુ ખરા સમયે ખરા નિર્ણયો લઇ આ દેશ મહામારીમાંથી હેમખેમ પાર ઉતરી ગયો છે.

(11:36 am IST)