Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

યુવતીનો સ્પર્શ

એક ઝેન સાધુ હતા. તેમનું નામ હતું - નાનઝેન. તેમના શિષ્‍યનું નામ હતું એકિદો. એકવાર ગુરૂ-શિષ્‍ય બંને યાત્રા કરી રહ્યા હતા. બંને પગપાળા જ ચાલી રહ્યા હતા. ચોમાસાના દિવસો હતા. રસ્‍તે ચાલતા એક નાની નદી આવી. બંને નદી કિનારે પહોંચ્‍યા. નાની નદી હતી. નદીના પાણીના પ્રવાહનો ક્‍યાસ કાઢયા પછી ગુરૂ-શિષ્‍યને લાગ્‍યું કે નદીમાં બહુ પાણી નથી, તેથી નદી પાર કરી શકાશે.

ગુરૂ-શિષ્‍ય બંને નદીના કિનારે ઊભા હતા અને નદી પાર કરવાની તૈયારી કરતા હતા તે જ સમયે એક યુવતી નદી કિનારે આવી. યુવતી એકલી જ હતી. તે સુંદર હતી અને તેણે રેશમી વષાો પહેર્યા હતા. તે યુવતી પણ નદી પાર કરીને સામે કિનારે જવા ઇચ્‍છતી હતી, પરંતુ તે એકલી પોતાની મેળે નદી પાર કરી શકે તેમ ન હતું.

યુવતીએ બંને સાધુઓને હાથ જોડીને વિનંતી કરી-

‘ગુરૂ મહારાજ ! મારી ઇચ્‍છા પણ નદી પાર કરીને સામે કિનારે જવાની છે. મારા માટે આજે જ સામે કિનારે પહોંચવું બહુ જરૂરી છે. હું એકલી મારી મેળે નદી પાર કરી શકીશ નહિ. આપ કૃપા કરીને મને નદી પાર કરવામાં મદદ કરો.'

યુવતીની કાકલૂદી સાંભળીને તથા તેની દયનીય અને અસહાય અવસ્‍થા જાણીને ગુરૂ મહારાજ પીગળી ગયા.

ગુરૂ મહારાજને લાગ્‍યું કે કોઇપણ રીતે આ યુવતીને સામે કિનારે પહોંચાડવી જોઇએ પરંતુ તેને સામે કિનારે પહોંચાડવી કેવી રીતે ? તે સ્‍થાને હોડી, તરાપો કે એવું કોઇ સાધન તો હતું જ નહિ. વળી તે વખતે તે સ્‍થાને આ બે સાધુઓ અને તે યુવતી સિવાય ત્રીજી કોઇ વ્‍યકિત પણ હાજર ન હતી. હવે પ્રશ્ન એ થયો કે આ યુવતીને સામે કિનારે પહોંચાડવી કેવી રીતે ?

ગુરૂ મહારાજનું હૃદય કરૂણાપૂર્ણ હતું. યુવતીને સામે કિનારે પહોંચાડવી તે અનિવાર્ય હતું. અન્‍ય કોઇ ઉપાય હાથવગો ન જણાતા આખરે ગુરૂ મહારાજે પોતાના ખભે બેસાડીને યુવતીને નદી પાર કરાવવાનું નક્કી કર્યું. તે પ્રમાણે ગુરૂ મહારાજે યુવતીને પોતાના ખભા પર બેસાડી લીધી. યુવતીને આ રીતે ખભા પર બેસાડીને ગુરૂ મહારાજ નદીનો પ્રવાહ પસાર કરીને સામે કિનારે પહોંચી ગયા. તેમની સાથે શિષ્‍ય પણ હતો. તે પણ ચાલીને નદીને સામે કિનારે પહોંચી ગયો. સામે કિનારે પહોંચીને ગુરૂ મહારાજે તે યુવતીને ખભા પરથી નીચે ઉતારી. યુવતી પોતાને માર્ગે ચાલી ગઇ અને ગુરૂ-શિષ્‍ય પોતાના માર્ગે ચાલ્‍યા.

ગુરૂ તાનઝેને આ રીતે એક યુવતીને ખભે ઊંચકીને નદી પાર કરાવી, તે દૃશ્‍ય જોઇને શિષ્‍ય એકિદો તો દંગ થઇ ગયો. એક સાધુસ્ત્રીનો સ્‍પર્શ પણ ન કરી શકે, તેવો સાધુ જીવનનો નિયમ છે, તેવી શિષ્‍ય છે પરંતુ પોતાના ગુરૂમહારાજે તો એક સુંદર યુવતી -સ્ત્રીને ખભે ઉપાડી. આ ઘટના જોઇને એકિદો ગૂંચવણમાં પડી ગયો તે ગુરૂ પ્રત્‍યે ખૂબ નારાજ પણ થયો પરંતુ એક શિષ્‍ય ગુરૂને શું કહી શકે? એકિદો મૌન તો રહ્યો પરંતુ તેના મનમાં ગુરૂ પ્રત્‍યે નારાજીનો ભાવ રહ્યો જ.

ગુરૂ - શિષ્‍ય બંને ચાલતાં ચાલતાં રાત્રે એક ધર્મશાળા પાસે પહોંચ્‍યા. રાત્રિના વિશ્રામ માટે બંને તે ધર્મશાળામાં ગયા. સાંજનું ભોજન કરીને બંને ધર્મશાળાના એક ઓરડામાં સૂતા. શિષ્‍યના મનમાં ઘણી ગૂંચ અને ગુરૂ પ્રત્‍યે નારાજી હતી. શિષ્‍યના ચહેરાના ભાવ પરથી ગુરૂ તેના મનની સ્‍થિતિને જાણી ગયા. મનની આ ગૂંચને કારણે પથારીમાં પડયા છતાં શિષ્‍ય ઊંઘી શકતો ન હતો. આખરે ગુરૂએ વાતનો પ્રારંભ કરવા શિષ્‍યને પૂછયું-

‘કેમ, બેટા ! ઊંઘ નથી આવતી ?'

શિષ્‍યે નિખાલસભાવે કહ્યું-

‘ગુરુ મહારાજ ! મારૂં મન આજે ખૂબ ઉદ્વિગ્ન થઇ ગયું, તેથી મને ઊંઘ આવતી નથી.'

ગુરુની ઇચ્‍છા શિષ્‍યના મનનું સમાધાન કરવાની હતી. તેથી તેમણે શિષ્‍યને પૂછયું-

‘તારૂં મન આજે કેમ ઉદ્વિગ્ન છે ?'

હવે શિષ્‍ય હૃદય ખોલે છે-

‘ગુરુ મહારાજ ! અવિનય થાય તો ક્ષમા કરજો પરંતુ આપના આજના વ્‍યવહારને હું સમજી શકતો નથી. આપણે સાધુઓ છીએ. આપણાથીસ્ત્રીનો સ્‍પર્શ પણ ન થઇ શકે. આપે આજે એક સુંદર યુવતીસ્ત્રીને ખભા પર બેસાડી, તે વ્‍યવહાર મને કોઇ પણ રીતે ઉચિત લાગતો નથી. આપના આ વ્‍યવહારથી મારૂં મન ખૂબ ઉદ્વિગ્ન થઇ ગયું છે. આ પ્રસંગ મારા મનમાંથી ખસતો નથી. મને સતત તે પ્રસંગના જ વિચારો આવ્‍યા કરે છે. આપના આ વ્‍યવહારથી હું ખૂબ ગૂંચવાઇ ગયો છું. આપ કૃપા કરીને મારા મનનું સમાધાન કરો.'

શિષ્‍યની આ નિખાલસ અભિવ્‍યકિત જોઇને ગુરુ પ્રસન્‍ન થયા. શિષ્‍યના મનનું સમાધાન કરવા માટે ગુરુ ઉધત થયા. તેમણે શિષ્‍યને કહ્યું-

‘બેટા ! મેં તો યુવતીને ખભા પર બેસાડી હતી અને તુરંત જ નીચે પણ ઉતારી દીધી છે, પરંતુ તેં યુવતીને હજુ પણ તારા માથા પર શા માટે બેસાડી રાખી છે ?'

શિષ્‍યે ગુરુ મહારાજને પૂછયું-

‘ગુરુજી ! મેં તો યુવતીનો સ્‍પર્શ પણ કર્યો નથી. મેં યુવતીને માથા પર બેસાડી છે જ કયાં ?'

ગુરુ શિષ્‍યને સમજાવે છે-

‘બેટા ! યુવતીને નદીનો પ્રવાહ પાર કરાવીને સામે કિનારે પહોંચાડવી, તે આવશ્‍યક અને અનિવાર્ય હતું. તે સંજોગો જ એવા હતા કે તે આપદધર્મ હતો. આ અનિવાર્ય સંજોગોને ધ્‍યાનમાં લઇને મેં તે યુવતીને થોડીવાર માટે મારે ખભે બેસાડી અને નદી પાર કરાવીને તુરંત જ ખભા પરથી નીચે ઉતારી દીધી છે. તે યુવતીને મેં મનમાં પ્રવેશ આપ્‍યો નથી. યુવતી તેના માર્ગે થઇ અને આપણે આપણા માર્ગે આવ્‍યા. મારા મનમાં યુવતીનું કોઇ સ્‍થાન નથી.'

તે યુવતીને સ્‍પર્શ કર્યો નથી, તે સાચું છે. તે શરીરથી ભલે સ્‍પર્શ નથી કર્યો, પરંતુ તારા મનમાં તો હજુ પણ યુવતી છે જ. તું હજુ પણ યુવતીથી મુક્‍ત થઇ શક્‍યો નથી. મેં શરીરથી, માત્ર શરીથી થોડીવાર માટે યુવતીને સ્‍પર્શ કર્યો છે, તે સાચું છે પરંતુ મનથી તો હું અસ્‍પર્શ જ રહ્યો છું. પરંતુ તારા મનમાં તો યુવતી પ્રવેશી ગઇ છે અને હજુ પણ તારા મનમાંથી યુવતી બહાર નીકળી નથી. તેથી મેં તને પૂછયું કે તે તારા માથા પર યુવતીને હજુ સુધી શા માટે બેસાડી રાખી છે?

ગુરૂની આ સ્‍પષ્‍ટતા સાંભળીને શિષ્‍ય બરાબર સમજી ગયો. શિષ્‍ય સમજી ગયો કે અનિવાર્ય સંજોગોને કારણે ગુરૂ મહારાજને ભલે યુવતીનો સ્‍પર્શ થયો, પરંતુ મનથી તો ગુરુ મહારાજ અસ્‍પૃષ્‍ટ જ છે. પોતે શરીર થી ભલે અસ્‍પૃષ્‍ટ રહ્યો, પરંતુ આખો દિવસ તેના મનમાં યુવતીના વિચારો આવ્‍યા છે, તેથી પોતે સાચા અર્થમાં અસ્‍પૃષ્‍ટ રહી શકયો નથી.

ગુરુની આટલી સ્‍પષ્‍ટતા પછી શિષ્‍ય પણ યુવતીથી મુક્‍ત થયો અને બંને પોતાના યાત્રાના માર્ગે આગળ ચાલ્‍યા.

બાહ્યાચારનું પણ મૂલ્‍ય છે, તેનું પણ મહત્‍વ છે જ તેથી જ કહેવાયું છે-

આચાર : પ્રથમો ધર્મઃ

પરંતુ બાહ્યાચારમાં જ ધર્મની સમાપ્‍તિ નથી. ધર્મનું યથાર્થ પાલન મન દ્વારા થવું જોઇએ. અનિવાર્ય સંજોગોને કારણે બાહ્યાચારમાં અપવાદને સ્‍થાન છે. ક્‍યારેક આવો અપવાદ ધર્મ બની જાય છે તે યુવતીને નદી પાર કરવામાં મદદ કરીને ગુરુ તાનઝેને ધર્મનું પાલન જ કર્યું છે. આવા પ્રસંગોને માત્ર બાહ્યાચારના જડ ધોરણે દ્વારા સમજી કે મૂલવી શકાય નહિ.

બહારથી સંયમનું પાલન કરવામાં આવે અને મનથી ભોગ ભોગવવામાં આવે તો તે મિથ્‍યાચાર અને દંભ જ છે, તેમ ગણવું જોઇએ. ભોગ અને ભોગના વિષયોનો મનથી પણ ત્‍યાગ કરવામાં આવે તે સાચો ત્‍યાગ છે. ગુરુ તો પ્રથમથી અંત સુધી યુવતીથી અસ્‍પૃષ્‍ટ જ રહ્યા, પરંતુ શિષ્‍યના મનમાં તો સવારથી રાત સુધી યુવતીના જ વિચારો આવતા રહ્યા. આ એક પ્રકારનો ભોગ જ થયો. આ જ ખરૂં બંધન છે. યુવતીને અનિવાર્ય સંજોગોને કારણે ખભે બેસાડીને નદી પાર કરાવવી, તે ઘટના દોષપાત્ર નથી. પરંતુ આ ઘટના જોઇને આખો દિવસ તેના જ વિચારોમાં રચ્‍યા રહેવું તે ઘટના દોષપાત્ર છે.

આપણા બહિરંગ વ્‍યવહારને આધારે નહિ, પરંતુ આપણા બહિરંગ વ્‍યવહાર વખતની આપણી મનઃસ્‍થિતિને આધારે આપણા વ્‍યવહારનું મૂલ્‍યાંકન થવું જોઇએ. હાથપગથી શું કર્યું, તેના કરતા પણ મનથી શું કર્યું તે મહત્‍વપૂર્ણ છે.

 

: આલેખન :

ભાણદેવ

સરસ્‍વતિ નિકેતન આશ્રમ,

પટેલ વિદ્યાલય પાસે, જોધપર (નદી)

વાયા મોરબી - ૩૬૩૬૪૨ (મો.૯૩૭૪૪૧૬૬૧૦)

 

(12:27 pm IST)