Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

૩ાા કી.મી.ની રેલ્‍વેની સૌથી લાંબી ટ્રેનઃ ‘‘વાસુકી''

એનાકોંડા અને શેષનાગ પછીની સૌથી લાંબીઃ ર૯પ વેગન અને પાંચ એન્‍જીન

નવી દિલ્‍હી તા. ૮: કોરોના કાળમાં દેશમાં રેગ્‍યુલર ટ્રેનોનું પરિચાલન બંધ છે પણ ભારતીય રેલ્‍વેએ તેનો ફાયદો ઉઠાવતા કેટલાય નવા રેકોર્ડ બનાવ્‍યા છે. આ શ્રૃંખલામાં રેલ્‍વેએ એક નવો રેકોર્ડ બનાવતા ર૯પ વેગન અને પાંચ એન્‍જીનો વાળી સાડા ત્રણ કિલોમીટર લાંબી ‘‘વાસુકી'' ટ્રેનને ચલાવવામાં સફળતા મેળવી છે. આ અત્‍યાર સુધીની સૌંથી લાંબી ટ્રેન છે. તેને છત્તીસગઢના ભિલાઇથી કોરબા સુધી ચલાવાઇ હતી.

૩.પ કિ.મી. લાંબી આ ટ્રેનને ખેંચવા માટે પાંચ એન્‍જીન જોડવામાં આવ્‍યા હતા. પાંચે એન્‍જીનો વચ્‍ચે બહેતર તાલમેલ માટે તેને ઇલેકટ્રોનીક સીગ્નલોથી જોડવામાં આવ્‍યા હતા. રેલ્‍વેના આ પ્રયાસોથી ઓછા સમયમાં વધુ માલ પહોંચાડવામાં મદદ મળશે. ઓછો સમય, ઓછો ખર્ચ, વધુ સુવિધા અને બહેતર સુરક્ષાના કારણે ભારતીય રેલ્‍વે દેશમાં માલ હેરફેરનું સૌથી પસંદગીનું સાધન બનતી જાય છે.

હિંદુ પૌરાણીક માન્‍યતાઓ અનુસાર, વાસુકી ભગવાન શિવના પરમ ભકત હતા. એવું માનવામાં આવે છે કે નાગ પ્રજાતિના લોકોએજ સૌ પહેલા શિવલીંગ પૂજાની શરૂઆત કરી હતી. નાગરાજ વાસૂકીને નાગલોકનો રાજા માનવામાં આવે છે. કહેવાય છે કે સમુદ્ર મંથન વખતે વાસુકી નાગને જ દોરડાના રૂપમાં મેરૂ પર્વતની ફરતે લપેટીને મંથન કરાયું હતું.

રેલ્‍વે એ આ પહેલા ભારતમાં સૌથી લાંબી ટ્રેન શેષનાગના નામથી ચલાવી હતી. ચાર ટ્રેનોને જોડીને તેને ચલાવાઇ હતી. શેષનાગ પહેલા ત્રણ ટ્રેનોને જોડીને એનાકોંડા ટ્રેન ચલાવાઇ હતી અને હવે વાસૂકી નાગ ટ્રેન ચલાવાઇ છે.

(1:54 pm IST)