Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

ચાંદી જૈસા રંગ હૈ તેરા ....

'સોલંગ ઘાટી' : સહેલાણીઓ માટે આકર્ષણ અને બરફના પહાડોનું અદ્ભૂત કુદરતી સૌંદર્ય

મનાલી પાસે આવેલ હિમાચલ પ્રદેશના આ અતિ લોકપ્રિય પર્યટન સ્થળે પેરાગ્લાઇડીંગ, પેરાશુટીંગ, ઘુડ સવારી, ખુલ્લી જીપની સવારી વિગેરેનો આનંદ માણી શકાય છે : સ્કીંઇગનો ક્રેઝ સૌથી વધુ : મનમોહક અને રમણિય જગ્યા * 'સોલંગ ઘાટી' માં ઓશોનો પ્રખ્યાત આશ્રમ પણ છે, કે જ્યાં સતત જીવનોપયોગી શિબિરો થતી રહે છે

રાજકોટ,તા. ૬: કુદરતના ખોળે વિહરવાનો આનંદ જ કંઇક ઔર હોય છે. વિવિધ પહાડોને તથા ઘાટને કુદરતે ઘણી વખત તો એવું અદ્ભૂત સૌદર્ય આપ્યુ હોય છે કે ફરવાના શોખીન લોકો તો રીતસર ખુશીના દરીયામાં ધુબાકા મારવા માંડે છે. અમુક મનમોહક તથા સ્મરણિય જગ્યાઓ ખરા અર્થમાં સ્વર્ગની અનુભૂતિ કરાવતી હોય છે. આવી જ એક જગ્યા મનાલી પાસે હિમાચલ પ્રદેશમાં આવેલી છે કે જે 'સોલંગ ઘાટી' તરીકે ઓળખાય છે.

સહેલાણીઓ માટે આકર્ષણરૂપ અને બરફથી ઢંકાયેલા પહાડોનું અસામાન્ય કુદરતી સૌદર્ય ધરાવતી ટુરીસ્ટસ સાઇટ 'સોલંગ ઘાટી' ખાતે પેરાગ્લાઇડીંગ, પેરાશૂટીંગ, ઘુડ સવારી, ખુલ્લી જીપની સવારી વિગેરેનો મનભરીને આનંદ માણી શકાય છે. અહીં સહેલાણીઓમાં સ્કીંઇગ (આઇસ સ્કી)નો જબ્બરદસ્ત ક્રેઝ જોવા મળે છે. સ્કીના શોખીનોને તો અહીં જલ્સા પડી જાય છે. ઘણી વખત તો સુર્યપ્રકાશમાં બરફથી ઢંકાયેલ પહાડો ઉપર ચાંદી પાથરી હોય તેવો ઝગમગાટ જોવા મળે છે. 

માનવ સમાજમાં તથા દુનિયામાં ક્રાંતિકારી પરિવર્તન લાવવામાં માનવીને જીવનનું ખરૂ સત્ય સમજાવવામાં અને મનને સ્થિર રાખી માનવીને આગળ વધવામાં સહાય કરનાર સ્વ.ઓશોનો પ્રખ્યાત આશ્રમ પણ અહીં આવેલ છે કે જ્યાં સતત જીવનોપયોગી શિબિરો થતી રહે છે. મનાલીથી ૧૪ કિલોમીટર ઉતર -પશ્ચિમમાં ફુલ્લી ઘાટીની ટોચ ઉપર આવેલ 'સોલંગ ઘાટી' પોતાની સુંદરતાની સાથે -સાથે વાતાવરણના પચરંગી અંદાજ માટે પણ જાણીતી જગ્યા છે. વ્યાસકુંડ અને સોલંગ ગામની વચ્ચે આવેલ આ ઘાટી હિમાચલ પ્રદેશના સૌથી લોકપ્રિય પ્રવાસન સ્થળોમાંનુ એક સ્થળ હોવાનું સંજય શેફર્ડ કહી રહ્યા છે. મનાલીથી રોહતાંગ જતા રસ્તામાં આવતા 'સોલંગ ઘાટી' તરફ પ્રવાસીઓની નજર અચૂક ખેંચાતી હોય છે. અહીં સહેલાણીઓ રોકાયા વગર રહેતા જ નથી. જો હાલમાં કોઇ પહાડી યાત્રા કરવા બાબતે વિચારતુ હોય તો તેમના માટે સાહસિક પર્યટનની સાથે -સાથે સુંદર જગ્યાએ ફરવાનો મોકો પણ મળી રહે છે. ઠંડીમાં તો અહીં પુષ્કળ બરફ પણ છવાયેલો હોય છે.

ઠંડીમાં અહીંનું તાપમાન ૫ ડીગ્રીથી માંડીને -૧૫ (માઇનસ પંદર) ડીગ્રી જેટલુ હોય છે અને ગરમીમાં ૪ ડીગ્રીથી ૨૬ ડીગ્રી સેલ્શીયસ જેટલુ રહેતુ હોય છે. આ કારણે અહીં વિવિધતાપૂર્ણ ગતિવિધિઓ જોવા મળે છે. અહીં પ્રવાસીઓ ઠંડીની સાથે -સાથે ગરમીમાં પણ રજાઓ ગાળવા આવે છે. 'સોલંગ ઘાટી' આવવા માટે વાતાવરણને ધ્યાનમાં રાખીને ટ્રાવેલ પ્લાન કરવો વધુ હિતાવહ છે.

કદાચ પહાડો ઉપર ચમકતી ચાંદી જેવો ચળકાટ ધરાવતો બરફ જોઇને અહીં સહેલાણીઓનું મન બોલી ઉઠતુ હશે કે 'ચાંદી જેસા રંગ હે તેરા...' (૨૨.૮)

'સોલંગ ઘાટી' પહોંચવું કઇ રીતે ? રહેવું કયાં ?

'સોલંગ ઘાટી' મનાલીથી ૧૪ કિલોમીટર થાય છે. સૌથી પહેલા મનાલી આવવું પડે છે અને મનાલીથી ટ્રાન્સપોર્ટેશનના વિવિધ વાહનો મળી રહે છે. હિમાચલ પ્રદેશમાં આવેલ મનાલી પ્રખ્યાત પ્રવાસન સ્થળ હોવાથી ભારતના તમામ શહેરો સાથે જોડાયેલ છે. રહેવા માટે પણ મનાલી ખાતે ગેસ્ટ હાઉસ સહિત સ્ટાન્ડર્ડ કેટેગરીથી માંડીને સેવન સ્ટાર કેટેગરીની હોટલ્સ મળી રહે છે. 'સોલંગ વેલી' માં પણ સારી હોટલ્સ તથા રીસોર્ટસ આવેલા છે. સીઝન પ્રમાણે અલગ અલગ ટેરીફ હોય છે માટે બે જગ્યાએ ઇન્કવાપરી -કમ્પેરીઝન કરી લેવી હિતાવહ છે. ઘણાય કિસ્સામાં ડીસ્કાઉન્ટ પણ મળતુ હોય છે. ગુગલ ઉપર પણ સર્ચ કરી શકાય છે : 'ACCOMMODATION IN MANALI AND SOLANG VALLEY'

(3:20 pm IST)