Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

જળપ્રલયના કારણે NTPCના પ્રોજેક્ટને 1500 કરોડના નુકસાન: કેન્દ્રીય મંત્રી આરકે સિંહની મુલાકાતે પહોંચ્યા

કોઇ પણ સ્થિતિમાં આ પ્રોજેક્ટ બંધ નહીં થાય : ઉર્જા મંત્રીની સ્પષ્ટતા

નવી દિલ્હી : ઉત્તરાખંડના ચમોલીમાંઆવેલા જળપ્રલયના કારણે ભારે નુકસાન થયું છે. જાન અને માલ બંનેની તબાહી થઇ છે. હજુ પણ સેના અને એનડીઆરએફની ટીમો દ્વારા રેસ્ક્યુ પરેશન શરુ છે. ગ્લેશિયર તૂટવાથી આવેલા આ જળપ્રલયના કારણે ચમોલીમાં આવેલા મહત્વકાંક્ષી પાવર પ્રોજેક્ટને પણ મોટાપાયે નુકસાન થયું છે.

ત્યારે આજે સોમવારે કેન્દ્રિય ઉર્જા મંત્રી આરકે સિંહે તપોવન વિસ્તારની મુલાકાત લીધી હતી. તેમણે આ જળપ્રલયના કારણે સર્જાયેલ પરિસ્થિતિ અને થયેલા નુકસાનનું અવલકોન કર્યુ હતુ. તેમણે સ્પષ્ટ જણાવ્યું કે કોઇ પણ સ્થિતિમાં આ પ્રોજેક્ટ બંધ નહીં થાય. સાડા ત્રણ હજાર કરોડની કિંમતના આ પ્રોજેક્ટને લગભગ 1500 કરોડનું નુકસાન થયું છે.

કેન્દ્રિય મંત્રીએ વધારે નુકસાનવાળા ક્ષેત્રોની મુલાકાત પણ લીધી હતી અને આસપાસના પ્રભાવિત લોકો સાથે વાત પણ કરી. સાથે જ તેમને દરેક સંભવ મદદનું આશ્વાસન પણ આપ્યું. સાથે જ તેમણે સ્થાનિક પ્રશાસન સાથે પણ વાતચીત કરીને વર્તમાન પરિસ્થિતિ વિશે માહિતિ મેળવી છે.

તેમણે જણાવ્યું કે આ પ્રોજેક્ટને 2023ના વર્ષમાં પુરો કરવાનો હતો. આ પ્રોજેક્ટ 80 ટકા જેટલો બનીને તૈયાર હતો. આ ઘટનાના કારણે તેને લગભગ 1500 કરોડ રુપિયાનું નુકસાન થયું છે. આ પ્રોજેક્ટને કોઇ પણ સ્થિતિમાં બંધ કરવામાં નહીં આવે, તેને ફરીથી શરુ કરવામાં આવશે.

(7:03 pm IST)