Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

ભારતીય જવાનોએ રાત-દિવસ ખડેપગે બચાવ કામગીરી કરી

ચમોલી જિલ્લામાં હિમખંડ તૂટતાં નદીઓમાં પૂર : એક સુરંગમાં ૧૭૦થી વધુ લોકો ફસાયાની શંકા, આર્મી, ITBP, NDRF અને SDRF દ્વારા રાહત કાર્ય જારી

ચમોલી, તા. : ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં હિમખંડ તૂટવાના કારણે નદીઓમાં પૂર આવવાના કારણે ક્ષતિગ્રસ્ત એનટીપીસીના નિર્માણાધીન ૪૮૦ મેગાવોટ તપોવન -વિષ્ણુગાડ પનબિજલી પરિયોજનાની એક સુરંગમાં હજી ૧૭૦થી વધારે લોકો ફસાયા હોવાની આશંકા છે. જ્યારે અત્યાર સુધી ૧૬ લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. ઉપરાંત સાત લોકોની લાશો મળી આવી છે. ઉત્તરાખંડના સીએમ ત્રિવેન્દ્ર સિંહ રાવતે આપદામાં જીવ ગુમાવનારા પરિવારના લોકોને - લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી હતી.

ચમોલીમાં ગ્લેશિયર તૂટ્યા બાદ થયેલી દુર્ઘટના બાદ ભારતીય આર્મી, આઈટીબીપી, એનડીઆરએફ અને એસડીઆરએફના જવાનો સતત રાહત અને બચાવ કાર્યમાં જોડાયેલા રહ્યા છે. જવાનોએ ટનલની અંદર રેસ્ક્યુ કામ ચાલુ રાખ્યું હતું. જવાનોના જોશ અને ઉત્સાહના કારણે તપોવન ટનલમાંથી કાટમાળ હટાવવાનું કામ સતત ચાલી રહ્યું છે. કામ માટે જેસીબીનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ટનલમાં ફસાયેલા લોકોના રેસ્ક્યુ માટે જવાનો આખી રાત થાક્યા વિના કામ કરતા રહ્યા.

પરિણામે આખો ટ્રક અંદર જઈ શકે તેટલી મોટી ટનલ કાદવ અને કાટમાળથી બંધ થઈ ગયા બાદ ફરીથી ખુલી ગઈ છે. જવાનોએ જેસીબી સહિતના મશીનો તથા દોરડાની મદદથી ટનલની અંદર સુધી પહોંચ્યા હતા અને ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યા હતા. રેસ્ક્યુ કરાયેલા લોકોને આર્મી ફિલ્ડ ઘટનાસ્થળ પર સારવાર પૂરી પાડી રહી છે. એવામાં ટનલની અંદરની તસવીરો પણ હવે સામે આવી છે.

(7:49 pm IST)