Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

મ્યાંમારમાં સત્તાપલટાના વિરોધમાં પ્રદર્શન યથાવત : નર્સ અને બૌદ્ધ ભિક્ષુઓ પણ જોડાયા

લશ્કર દ્વારા આ વિરોધ પ્રદર્શનને કચડી નાંખવાની ધમકી

મ્યાંમારમાં થયેલા સત્તાપલટાના વિરોધમાં લોકોનો જુવાળ સતત વધી રહ્યો છે. મ્યાંમારમાં લશ્કરના બળવા બાદ લોકો રસ્તા પર ઉતરીને તેનો વિરોધ કરી રહ્યા છે. હવે તો દેશના બૌદ્ધ ભિક્ષો અને નર્સ પણ આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે. જેનાથી લશ્કરી સરકારમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. લશ્કર દ્વારા આ વિરોધ પ્રદર્શનને કચડી નાંખવાની ધમકી આપવામાં આવી છે. તેમણે પ્રદર્શનકારીઓને કહ્યું કે તેઓ પ્રદર્શન બંધ કરે અથવા તો બળપ્રયોગનો સામનો કરવા માટે તૈયાર રહે.

મ્યાંમારની સેનાએ પ્રદર્શનકારીઓને ગોળી મારવાની ચેતવણી આપી છે. આમ્ છતા રાજધાની નેપીતા અને યંગૂત સમેત દેશના ઘણા બધા વિસ્તારમાં હજારો પ્રદર્શનકારીઓ રસ્તા પર ઉતરેલા છે. આ તમામ લોકો દેશની સત્તા ફરી વખત વડાપ્રધાન અને રાષ્ટ્રપતિના હાથમાં સોંપવાની માંગ કરે છે. પ્રદર્શનકારોને ખસેડવા માટે વોટરકેનનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તો દેશના કેટલાક વિસ્તારમાં કર્ફ્યુ પણ લગાવવામાં આવ્યો છે.

સેના અને પોલીસ દ્વારા પ્રદર્શનકારીઓને રોકવા માટે ત્રિ સ્તરીય સુરક્ષા ગોઠવી છે, આમ છતા પ્રદર્શનો શરુ છે. પ્રદર્શનકારોએ પોલીસને કહ્યું કે સેના નહીં પણ જનતા માટે કામ કરો. આ પ્રદર્શનકારોનું કહેવું છે કે તેઓ સૈન્ય શાસન નથી ઇચ્છતા. તેમનાથી છુટકારો મેળવવા માટે જે કંઇ કરવું પડશે તેના માટે તેઓ તૈયાર છે.

(10:15 pm IST)