Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

વર્ષનું પહેલું સૂર્યગ્રહણ ૧૦ એપ્રિલે યોજાશે : ભારતમાં નહીં દેખાય

પાંચ રાશિઓને ઉપર થશે અસર

નવી દિલ્‍હી તા.૮ : વર્ષ ૨૦૨૩નું પહેલું સૂર્યગ્રહણ ૧૦ એપ્રિલ ગુરૂવારે થવા જઈ રહ્યું છે. આ સૂર્યગ્રહણ ૫ કલાક ૨૪ મિનિટ સુધી રહેશે અને તે વિશાળ સૂર્યગ્રહણ હશે. સૂર્ય મેષ રાશિમાં હશે, ત્‍યારે ગ્રહણ લાગશે. ૨૦ એપ્રિલે સૂર્યગ્રહણ સવારે ૭.૦૫ વાગ્‍યે શરૂ થશે અને બપોરે ૧૨.૨૯ વાગ્‍યે સૂર્યગ્રહણ સમાપ્ત થશે. આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં, તેથી તેનો સૂતક સમયગાળો માન્‍ય રહેશે નહીં.

આમ જોવા જઈએ તો ગ્રહણ શરૂ થવાના ૧૨ કલાક પહેલા સૂર્યગ્રહણનો સૂતકકાળ શરૂ થઈ જાય છે અને ગ્રહણના અંત સાથે તે પૂર્ણ થાય છે.

આ સૂર્યગ્રહણથી પાંચ રાશિના જાતકો પર ખરાબ અસર પડી શકે છે. ખાસ કરીને મેષ, સિંહ, કન્‍યા, વૃકિ અને મકર રાશિના જાતકો પર પ્રભાવ પડી શકે છે. કાશીના જયોતિષાચાર્ય દ્વારા આ પાંચ રાશિઓ પર સૂર્યગ્રહણની શું અસર પડશે તે અંગે જણાવવામાં આવ્‍યું છે.

મેષ : આ ગ્રહણની અસર તમારા પર વધુ પડશે. તેની ખરાબ અસર તમારા સ્‍વાસ્‍થ્‍ય અને કરિયર પર પડશે. પ્રમોશન અટકી શકે છે, તણાવનું કારણ બનશે. આ સમયે તમારે તમારા સ્‍વાસ્‍થ્‍યનું સંપૂર્ણ ધ્‍યાન રાખવું જોઈએ. નકામી વસ્‍તુઓ પર પૈસા ખર્ચ ન કરો. ખોટી આદતોને કારણે સમસ્‍યાઓ ઉભી થઈ શકે છે.

સિંહ : સૂર્ય તમારી જ રાશિનો શાસક ગ્રહ છે અને ગ્રહણ સમયે તમારી રાશિ પર અસર થશે. આવી સ્‍થિતિમાં તમારી રાશિની કારકિર્દીમાં ઉતાર-ચઢાવ આવશે. તમારે કાળજીપૂર્વક નિર્ણયો લેવા પડશે. પગારમાં વધારો કે પદમાં પ્રગતિ ન થવાના કારણે મન પરેશાન થઈ શકે છે. જોકે, આવેગમાં કરેલો નિર્ણય તમારા માટે હાનિકારક રહેશે. આ રાશિના જાતકોએ શિક્ષણમાં સખત મહેનત કરવી પડશે, તો જ તેમને પરિણામ મળશે. આ રાશિના જાતકોએ સંયમથી કામ કરવું પડશે.

કન્‍યા : સૂર્યગ્રહણના કારણે કન્‍યા રાશિના જાતકોના જીવનમાં અનેક પ્રકારની સમસ્‍યાઓ જોવા મળી શકે છે. આ સમયે તમારે કાળજીપૂર્વક મુસાફરી કરવી પડશે અને કાળજીપૂર્વક વાહન ચલાવવું પડશે. તમારી કેટલીક કિંમતી ચીજોની ચોરી થઈ શકે છે, જેના કારણે તમારે સાવધ રહેવું પડશે. તમે મુસાફરી કરો ત્‍યારે સલામતી વિશે સાવચેત રહો. ધન હાનિ થવાની શક્‍યતા છે. કોઈને સમજી વિચારીને પૈસા આપો અથવા રોકાણ કરો. આ સમયમાં તમારે વાણી અને વર્તન પર નિયંત્રણ રાખવું પડશે. ખોટી વાતોના કારણે દુશ્‍મનોની સંખ્‍યા વધી શકે છે.

વૃકિ : સૂર્યગ્રહણની અસર આ રાશિના જાતકો પર પણ પડશે. તમારા વિરોધીઓ સક્રિય રહેશે. તમારે ગોપનીયતા સાથે તમારૂં કામ કરવું પડશે, નહીં તો દુશ્‍મનો નુકસાન પહોંચાડી શકે છે. બિનજરૂરી ખર્ચાથી બચવું પડશે અને મન પર નિયંત્રણ રાખવું પડશે, નહીં તો આર્થિક સ્‍થિતિ બગડી શકે છે અને ઉધાર લેવાની જરૂર પડી શકે છે. સૂર્યગ્રહણની આડઅસરના કારણે વાહન ચલાવવામાં સાવધાની રાખવી પડે છે, કારણ કે અકસ્‍માત થવાની શક્‍યતા જોવા મળે છે.

મકર : સૂર્યગ્રહણના કારણે મકર રાશિના જાતકોને નોકરીમાં મુશ્‍કેલીનો સામનો કરવો પડી શકે છે. કામનો તણાવ સ્‍વાસ્‍થ્‍ય પર હાવી થઈ શકે છે, તેથી તણાવથી બચવા માટે યોગ કરો. તમારી માતાનું સ્‍વાસ્‍થ્‍ય પણ બગડી શકે છે. સુખ-સુવિધાઓ પાછળ પૈસા ખર્ચ કર્યા પછી પણ તમને સંતોષ નહીં મળે

(3:24 pm IST)