Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

એક જ ઝટકે Zoomના ૧૩૦૦ કર્મચારીઓને મોટો ઝાટકો, CEOએ કહ્યું ૩૦ મિનિટમાં મળી જશે મેલઃ તમારી નોકરી જઈ રહી છે !

છુટા કરવામાં આવી રહેલા કર્મચારીઓને ૧૬ અઠવાડિયાનો પગાર, આરોગ્‍યની સુવીધા અને વર્ષ ૨૦૨૩નું બોનસ આપવામાં આવશે

ન્‍યુયોર્ક, તા.૮: વૈશ્વિક આર્થિક મંદી વચ્‍ચે અમેરિકન વિડિયો કોલ સર્વિસ પ્રોવાઈડર ટેક કંપની Zoom એક જ ઝાટકે ૧૩૦૦ કર્મચારીઓની છટણી કરી દીધી છે. આ કંપનીના કુલ કર્મચારીઓના ૧૫ ટકા છે. કંપનીના સીઈઓ એરિક યુઆને કંપનીની વેબસાઈટ પર એક બ્‍લોગ પોસ્‍ટમાં છટણીની જાહેરાત કરતા લખ્‍યું કે, જો તમે યુએસ-આધારિત કર્મચારી છો જેને છટણીથી અસર થઈ છે, તો તમને ૩૦ મીનિટમાં Zoom અને પોતાના પર્સનલ મેઇલ મળી જશે.

એરિક યુઆને છૂટા કરાયેલા કર્મચારીઓને મહેનતુ ગણાવ્‍યા અને કહ્યું કે અસરગ્રસ્‍ત(છુટા કરાયેલા) કર્મચારીઓને ૧૬ અઠવાડિયાનો પગાર, આરોગ્‍ય અને વર્ષ ૨૦૨૩ માટે વાર્ષિક બોનસ આપવામાં આવશે. એરિક યુઆને લખ્‍યું છે કે યુએસ બહારના કર્મચારીઓને પણ ત્‍યાંના નિયમો અનુસાર મદદ કરવામાં આવશે.

ઝૂમની છટણીની જાહેરાતની અસર પણ બજારમાં જોવા મળી હતી. મંગળવારે નાસ્‍ડેક પર ઝૂમના શેરમાં ૮ ટકાનો વધારો થયો હતો. તમને જણાવી દઈએ કે કોવિડ-૧૯ દરમિયાન ઘણી ટેક કંપનીઓને અણધારી(ધારણા કરતા વધારે) વળદ્ધિ મળી હતી. જ્‍યારે સમગ્ર વિશ્વમાં લોકો તેમના ઘરોમાં કેદ હતા, ત્‍યારે લોકોએ ઘણા કાર્યો માટે ઝૂમ જેવી વિડિઓ કૉલિંગ કંપનીઓની સેવાઓનો ઉપયોગ કર્યો હતો.

કોરોના સમય દરમ્‍યાન ઝૂમનો બિઝનેસ ચરમસીમાએ હતો, પરંતુ કોવિડ પછી જ્‍યારે આર્થિક મંદી આવી ત્‍યારે ઘણી અમેરિકન આઈટી કંપનીઓએ મોટા પાયે કર્મચારીઓની છટણી કરી છે. એકલા જાન્‍યુઆરીમાં જ ઘણી આઈટી કંપનીઓએ લગભગ ૫૦,૦૦૦ કર્મચારીઓની છટણી કરી છે. મોટી અમેરિકન કંપની ડેલે પણ સોમવારે ૬૬૦૦ કામદારોની છટણી કરવાની જાહેરાત કરી છે.

વિશ્વભરની મોટી ટેક કંપનીઓ એક પછી એક છટણી જેવા મોટા નિર્ણયો લઈ રહી છે, યાદ અપાવીએ કે તાજેતરમાં માઇક્રોસોફ્‌ટે પણ લગભગ ૧૧ હજાર લોકોને કંપનીમાંથી બહાર કરવાનો નિર્ણય લીધો છે. માઇક્રોસોફ્‌ટમાં આ છટણી કંપનીના એન્‍જિનિયરિંગ વિભાગને અસર કરશે, જેનો અર્થ છે કે કંપનીના આ વિભાગમાં કામ કરતા કર્મચારીઓને છટણીથી અસર થશે.

(4:01 pm IST)