Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

બેડ કોલેસ્‍ટ્રોલમાં વધારો થાય તો આંખમાં અંધાપો પણ આવી શકેઃ કસરત અને હેલ્‍ધી ડાયટનો સહારો લેવો જોઇએ

ધુમ્રપાન અને દારૂ જેવા વ્‍યસનો ત્‍યાગી દેવા જોઇએ

નવી દિલ્‍હીઃ બેડ કોલેસ્‍ટ્રોલનો વધારો થાય તો અંધાપો આવી શકે છે તેથી તે ન વધે તેની કાળજી લેવી જોઇએ.

અનિયમિત જીવનશૈલી અને અનહેલથી ફૂડ ખાવાની આદતના કારણે શરીરમાં ઘણા પ્રકારની બીમારીઓ જન્મ લે છે. તેમાં સૌથી વધારે જોખમી છે શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર વધી જવું. કોલેસ્ટ્રોલ મીણ જેવો પદાર્થ હોય છે જે શરીરમાં વધવા લાગે તો જીવલેણ સાબિત થઈ શકે છે. કોલેસ્ટ્રોલ બે પ્રકારના હોય છે, ગુડ કોલેસ્ટ્રોલ અને બેડ કોલેસ્ટ્રોલ હોય છે. જ્યારે શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ નું પ્રમાણ વધી જાય છે તો તે ધમનીઓમાં જામવા લાગે છે અને રક્ત પ્રવાહને અવરોધિત કરે છે. તેના કારણે હાર્ટ એટેક અને સ્ટ્રોક આવવાનું જોખમ વધી જાય છે. જોકે મોટાભાગના લોકો એ વાતથી અજાણ હોય છે કે જો બેડ કોલેસ્ટ્રોલ શરીરમાં વધી જાય તો અંધાપો પણ આવી શકે છે કારણ કે તે આંખ માટે પણ ખતરનાક છે. જ્યારે પણ શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધે છે ત્યારે આંખની આસપાસ પણ ફેરફાર દેખાવા લાગે છે. તેનાથી આંખની જોવાની ક્ષમતા પણ પ્રભાવિત થાય છે. તેથી જો તમારે આંખને સ્વસ્થ રાખવી હોય તો પણ તમારે કોલેસ્ટ્રોલ ને વધતું અટકાવવું જોઈએ અને શરીરમાં જો આ લક્ષણો દેખાય તો તુરંત જ સતર્ક થઈ જવું.

જૈંથિલાસ્મા

કોલેસ્ટ્રોલ વધવાનું આ એક સામાન્ય લક્ષણ છે. તેનાથી આંખ અને નાકની આસપાસની ત્વચા પીળી થવા લાગે છે. આવા લક્ષણ તેમને પણ જોવા મળે છે જેમને ડાયાબિટીસ અને હાઈ બીપી પણ હોય. આ સિવાય જે યુવાનો ધુમ્રપાન કરતા હોય છે તેમને પણ આ સમસ્યા થઈ શકે છે.

રેટિનલ વેન ઓક્લૂઝન

આ એક બીમારી છે જે બેડ કોલેસ્ટ્રોલ શરીરમાં વધે તો તેના કારણે થઈ શકે છે. આ રોગના કારણે રક્તને રેટિના સુધી લઈ જતી રક્ત કોષિકાઓ બ્લોક થઈ જાય છે. આ કોશિકા આંખની પાછળ હોય છે અને જે ખૂબ જ સંવેદનશીલ હોય છે. તેના માધ્યમથી જ ધમની અને રેટિના સુધી રક્ત પહોંચે છે.

આર્કસ સેનિલિસ

કોલેસ્ટ્રોલ વધી જવાથી આ રોગ પણ થઈ શકે છે જેમાં આંખના કોર્નિયા ની આસપાસ બ્લુ અથવા તો ભૂરા રંગનું ધાબુ બની જાય છે. આવું ત્યારે થાય છે જ્યારે કોર્નિયામાં કોલેસ્ટ્રોલ જામી જાય. જોકે તેની સારવાર માટે સર્જરી કરાવી શકાય છે.

બેડ કોલેસ્ટ્રોલ થી બચવાના ઉપાય

શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધે તો અંધાપો પણ આવી શકે છે તેથી જ્યારે તમને ખબર પડે કે બેડ કોલેસ્ટ્રોલ વધી રહ્યું છે ત્યારે તેને ઘટાડવા માટે તુરંત જ કસરત અને હેલ્ધી ડાયટ ફોલો કરવાનું શરૂ કરો. નિયમિત રીતે કસરત કરવાથી અને ભોજનમાં લીલા શાકભાજીનું વધારો કરવાથી બેડ કોલેસ્ટ્રોલ ને શરૂઆતમાં કંટ્રોલ કરી શકાય છે. આ સાથે જ ધુમ્રપાન અને દારૂ જેવા વ્યસનનો પણ ત્યાગ કરી દેવો.

(5:09 pm IST)