Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

ગાઝિયાબાદમાં રિક્ષા ચાલકે ૨૫ લાખ ભરેલી બેગ પોલીસને સોંપી

રુપિયા માટે ઈમાન વેચતા લોકો માટે શીખ સમાન ઘટના : ઈ-રિક્ષા ડ્રાઈવર મોદીનગરના મોટા રોડથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે બેગમાં ઘણા રૃપિયા જોવા મળ્યા હતા

લખનૌ, તા.૮ : એક તરફ લોકો થોડા રૃપિયા માટે પોતાના ઈમાનને વેચવા માટે તૈયાર થઈ જાય છે. બીજી તરફ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના મોદીનગર વિસ્તારમાં એક ઈ-રિક્ષા ડ્રાઈવરે ઈમાનદારીની મિસાલ રજૂ કરતા ૨૫ લાખ રૃપિયાથી ભરેલી બેગ પોલીસને સોંપી દીધી.

ઈ-રિક્ષા ડ્રાઈવર આસ મોહમ્મદ મંગળવારે સવારે લગભગ ૧૦.૦૦ વાગ્યાની આસપાસ મોદીનગર વિસ્તારના મોટા રોડ પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે એક બેગ જોવા મળી. બેગને ખોલતા તેમને તેમાં ઘણા રૃપિયા જોવા મળ્યા. જે બાદ તેમને કંઈ સૂઝ્યુ નહીં એટલે તેમણે પોતાના ભત્રીજાને ઘટના સ્થળે બોલાવ્યો. બાદમાં રૃપિયાથી ભરેલુ બેગ મોદીનગર પોલીસ સ્ટેશનમાં જમા કરાવી દીધુ. આસ મોહમ્મદ અને તેમના ભત્રીજાના જણાવ્યા અનુસાર તેમને ખબર નહોતી કે તેમાં કેટલા રૃપિયા ભરેલા છે પરંતુ જે જાણકારી મળી છે તે અનુસાર બેગમાં ૨૫ લાખ રૃપિયા હતા.

આસ મોહમ્મદ દ્વારા કરવામાં આવેલુ કાર્ય સમાજ માટે પ્રેરણા છે કેમ કે રિક્ષા ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવનાર વ્યક્તિ જેની સામે તમામ જરૃરિયાતો પણ હોય છે છતાં તેમણે ઈમાનદારીની મિસાલ રજૂ કરતા રૃપિયાથી ભરેલી બેગ પોલીસ સ્ટેશનમાં જમા કરાવી દીધી જેથી જે વ્યક્તિની તે બેગ અને રૃપિયા છે તે પોલીસ સ્ટેશને આવીને લઈ જઈ શકે. ડીસીપીના જણાવ્યા અનુસાર આસ મોહમ્મદે ઈમાનદાર નાગરિકની મિસાલ રજૂ કરતા રૃપિયાથી ભરેલી બેગ આજે પોલીસ સ્ટેશનમાં જમા કરાવી દીધી જેમાં લગભગ ૨૫ લાખ રૃપિયા હતા. અત્યારે પોલીસે બેગને બિનવારસી તરીકે જમા કરી છે. આ ઉપરાંત આસ મોહમ્મદનું સન્માન પણ કરવામાં આવ્યુ. બેગના સંબંધમાં જે પણ માહિતી આવશે કે તરત જ તે મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

 

(7:56 pm IST)