Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

સેન્સેક્સમાં ૩૭૮, નિફ્ટીમાં ૧૫૦ પોઈન્ટનો ઊછાળો જોવા મળ્યો

ભારતીય રિઝર્વ બેંકે રેપો રેટ વધારતા બજારમાં તેજી : અદાણી ગ્રૂપના મોટાભાગના શેર ગ્રીન સિગ્નલ સાથે બંધ, અદાણી ટોટલ ગેસ-અદાણી ગ્રીન એનર્જીના શેરમાં ઘટાડો

મુંબઈ, તા.૮  : ભારતીય રિઝર્વ બેંક દ્વારા વ્યાપકપણે અપેક્ષિત રેપો રેટમાં વધારો કર્યા બાદ બુધવારે ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી. સેન્ટ્રલ બેંકે અર્થશાસ્ત્રીઓની અપેક્ષા અનુસાર કી પોલિસી રેપો રેટમાં ૨૫ બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. જેના કારણે બજારમાં ધમધમાટ જોવા મળ્યો હતો. સાંજે બજાર બંધ થતાં, પેટીએમના શેરધારકોને તેજીનો લાભ મળ્યો, જ્યારે ઝોમેટોના શેરમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો. તે જ સમયે, અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી પોર્ટ, સિમ્ફની, સુપ્રિયા લાઇફ સાયન્સ, અરબિંદો ફાર્મા, બજાજ ફાઇનાન્સ, અલ્ટ્રાટેક સિમેન્ટના શેરમાં ઉછાળો નોંધાયો હતો. જ્યારે અદાણી ગ્રીન, અદાણી ટોટલ ગેસ, ભારત ડાયનેમિક્સ, એચડીએફસી બેક્નના શેરમાં ઘટાડો થયો હતો.

વૈશ્વિક બજારમાં તેજીના સંકેતો વચ્ચે બુધવારે આરબીઆઈ એમપીસીના નિર્ણયોની સકારાત્મક અસર સ્થાનિક શેરબજારમાં જોવા મળી હતી. પરિણામે શેરબજાર જોરદાર બંધ થયું હતું. સેન્સેક્સ રૃ. ૩૭૭.૭૫ અથવા ૦.૬૩ ટકાના વધારા સાથે ૬૦,૬૬૩.૭૯ પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી ૫૦ પણ ૧૫૦.૨૦ પોઈન્ટ અથવા ૦.૮૫ ટકાના વધારા સાથે ૧૭,૮૭૧.૭૦ પર મજબૂત બંધ રહ્યો હતો.

બુધવારે જ્યારે શેરબજાર બંધ થયું ત્યારે પેટીએમના શેરમાં વધારો નોંધાયો હતો. પેટીએમનો શેર રૃ. ૯૧.૪૦ અથવા ૧૫.૫૩ ટકા વધીને રૃ. ૬૮૦ પ્રતિ શેર પર પહોંચ્યો હતો. એ જ રીતે ઝોમેટોનો શેર રૃ. ૪.૪૫ અથવા ૯.૦૨ ટકા વધીને રૃ. ૫૩.૮૦ પર બંધ થયો હતો.બુધવારે જ્યારે સ્થાનિક શેરબજાર બંધ થયું ત્યારે અદાણી ગ્રૂપના મોટાભાગના શેર ગ્રીન સિગ્નલ સાથે બંધ થયા હતા. અદાણી એન્ટરપ્રાઇઝના શેરમાં ૨૦ ટકા એટલે કે રૃ. ૩૬૦.૫૫નો ઉછાળો નોંધાયો હતો. એ જ રીતે અદાણી ટ્રાન્સમિશન, અદાણી પોર્ટ, અદાણી પાવર, અદાણી વિલ્મરના શેરમાં ઉછાળો નોંધાયો હતો. તે જ સમયે, અદાણી ટોટલ ગેસ અને અદાણી ગ્રીન એનર્જીના શેરમાં ઘટાડો થયો હતો.

(7:57 pm IST)