Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

છત્તીસગઢ-ઉત્તરપ્રદેશમાં વીજળી પડવાથી ૧૦નાં મોત : મહારાષ્ટ્રમાં પણ વીજળી પડવાથી એક કિશોરનું મૃત્યુ

યુપી, બિહાર, દિલ્હી, પંજાબ, ઝારખંડ, તમિલનાડુ જેવા દેશના કેટલાય રાજ્યોમાં વરસાદ : બિહારમાં તીવ્ર આંધી ઉઠતા જનજીવન ખોરવાયું

નવી દિલ્હી : ઉત્તર ભારતના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. ઘણાં રાજ્યોમાં વરસાદ પડયો હતો, તો ઘણાં રાજ્યોમાં વરસાદી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. ઉત્તરપ્રદેશ અને છત્તીસગઢમાં વીજળી પડવાના સંખ્યાબંધ બનાવો બન્યા હતા, જેમાં ૧૦નાં મોત થયા હતા. મહારાષ્ટ્રમાં પણ વીજળી પડવાથી એક કિશોરનું મોત થયું હતું.
ઉત્તર ભારતનું વાતાવરણ અચાનક બદલાઈ ગયું હતું. ભારે ગરમીમાંથી રાહત મળી હતી. યુપી, બિહાર, દિલ્હી, પંજાબ, ઝારખંડ, તમિલનાડુ જેવા દેશના કેટલાય રાજ્યોમાં વરસાદ પડયો હતો. દિલ્હીમાં ઝરમર વરસાદ પડતાં લોકોએ ગરમીમાંથી રાહત મેળવી હતી. પૂર્વોત્તરના કેટલાય રાજ્યોમાં ૯મી મે સુધીમાં વરસાદ પડવાની આગાહી થઈ છે. આસામ, મેઘાલય, અરૃણાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં તો ૯મી મે સુધીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. યુપી અને બિહારમાં તીવ્ર આંધી ઉઠી હતી. તેના કારણે જનજીવન ખોરવાયું હતું. આ રાજ્યોમાં ધૂળની ડમરીઓ જોવા મળી હતી.
દરમિયાન વીજળી પણ પડી હતી. છત્તીસગઢમાં વીજળી પડવાથી પાંચ લોકોનાં મોત થયા હતા. જેમાં એક જ પરિવારના ચાર સભ્યોનો સમાવેશ થતો હતો. તો યુપીમાં પણ કિશોર સહિત ચારનાં મોત વીજળી પડવાથી થયા હતા. ખેતરમાં કામ કરતા હતા એ વખતે વીજળી પડી હતી. એમાં બે નાના બાળકોનો ચમત્કારિક બચાવ થયો હતો. મહારાષ્ટ્રના થાણેમાં કિશોરનું મોત વીજળી પડવાથી થયું હતું.
તમિલનાડુમાં આવેલા સત્યમઅગ્લરમ્ ટાઈગર રીઝર્વના વિસ્તારમાં ભારે વરસાદ થયો હતો. તેના કારણે ગુન્ડેરિપલ્લમ ડેમ ઓવરફ્લો થઈ ગયો હતો. દેશના ૧૫ રાજ્યોમાં ૯મી મે સુધીમાં વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે

(12:00 am IST)