Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

રાજકોટમાં આજે ૬૭ મોતઃ બપોર સુધીમાં ૧૬૬ કેસ

સરકારની કોવિડ ઓડિટ કમિટીનાં રિપોર્ટ મુજબ ગઇકાલે ૫૯ પૈકી ૫ કોવીડ ડેથ થયાઃ હાલમાં ૩૪૮૨ દર્દીઓ સારવાર હેઠળઃ કુલ કેસનો આંક ૩૬,૯૯૦ થયોઃ આજ દિન સુધીમાં ૩૩,૧૨૧ દર્દીઓ સાજા થયાઃ રિકવરી રેટ ૮૯.૯૪ ટકા થયો

રાજકોટ તા. ૮: શહેર - જિલ્લામાં કોરોનાનાં કેસ અને મોતનો આંક દિવસેને દિવસે વધતો જાય છે ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાની સારવાર દરમિયાન ૬૭નાં મૃત્યુ થયા છે.જયારે શહેરમાં બપોર સુધીમાં ૧૬૬ કેસ નોંધાયા છે.

આ અંગે તંત્રની સતાવાર વિગતો મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ તા.૭ એપ્રિલનાં સવારનાં ૮ વાગ્યા થી તા.૮નાં સવારનાં ૮ વાગ્યા સુધીમાં છેલ્લા ૨૪ કલાકમાં શહેર-જીલ્લાના ૬૭ દર્દીઓએ દમ તોડી દીધો હતો.

ગઇકાલે ૫૯ પૈકી ૫ મૃત્યુ કોરોનાને કારણે થયાનું સરકારની કોવિડ ઓડિટ કમિટીનાં રિપોર્ટમાં જણાવ્યુ હતુ.

શહેર અને જીલ્લામાં સરકારી-ખાનગી હોસ્પિટલમાં ૯૯૬  બેડ ખાલી છે.

દરમિયાન છેલ્લા ૨૪ કલાકમાં કોવિડ હોસ્પિટલમાં  ૬૯ દર્દીઓના મોતથી લોકોમાં ફફડાટ ફેલાયો છે.

બપોર સુધીમાં કોરોનાના ૧૬૬ કેસ

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૧૬૬ નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ  ૩૬,૯૯૦ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે.

ગઇકાલે કુલ ૭,૩૦૭ સેમ્પલ લેવાયા હતા.જેમાં ૩૮૬  કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૫.૨૮ ટકા થયો  હતો. જયારે ૪૪૮ દર્દીઓે સાજા થયા હતા.

આજ દિન સુધીમાં  ૧૦,૪૭,૮૦૫ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૩૬,૯૯૦  સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૩.૫૧ ટકા થયો છે. જયારે શહેરમાં હાલમાં સરકારી હોસ્પિટલ, ખાનગી હોસ્પિટલ તથા હોમ આઇસોલેશન હેઠળ ૩૪૮૨  દર્દીઓ સારવાર હેઠળ છે.

(3:08 pm IST)