Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

આસારામની તબિયત વધારે બગડી!

મોડી રાત્રે જોધપુર AIIMS ખાતે ખસેડાયા

જોધપુર, તા.૮: યૌન શોષણના ગુનામાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામને મોડી રાત્રે જોધપુર એમ્સ ખાતે ખસેડવામાં આવ્યા છે. જોધપુર સેન્ટ્રલ જેલમાં થોડા દિવસ પહેલા આસારામ કોરોના સંક્રમિત માલુમ પડ્યા હતા. જે બાદમાં તેમને સારવાર માટે મહાત્મા ગાંધી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેલમાં અચાનક તબિયત બગડતા આસારામને એમજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા, અહીંથી ગત રાત્રે તેમને એમ્સ ખાતે સારવાર માટે દાખલ કરાયા છે. હોસ્પિટલ તંત્રના જણાવ્યા પ્રમાણે જેલ અધીક્ષક અને સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આસારામને એમ્સ ખાતે દાખલ કરવામાં આવ્યા છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે બે-ત્રણ દિવસ પહેલા સેન્ટ્રલ જેલમાં આસારામની તબિયત અચાનક ખરાબ થઈ હતી. તપાસ બાદ તેઓ કોરોના સંક્રમિત માલુમ પડ્યા હતા. ડોકટરોની સલાહ પ્રમાણે તેમને તાત્કાલિક મહાત્મા ગાંધી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એવું કહેવામાં આવે છે કે આસારામે શુક્રવારે દિવસે જ તેમને એમ્સ ખાતે ખસેડવામાં આવે તેવી માંગણી કરી હતી. જોકે, ડોકટરોએ માંગણી સ્વીકારી ન હતી. આખરે મોડી રાત્રે સુપ્રીમ કોર્ટ અને જેલ અધીક્ષકના આદેશ બાદ તેમને જોધપુરની એમ્સ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

ડોકટરોના જણાવ્યા પ્રમાણે મહાત્મા ગાંધી હોસ્પિટલમાં દાખલ થયાના શરૂઆતમાં તેઓ સારવાર કરાવવા માટે તૈયાર ન હતા. હોસ્પિટલમાં તેમનો સિટી સ્કેન રિપોર્ટ કરવામાં આવ્યો હતો, જેમાં સીટી સ્કોર ૮ આવ્યો હતો. જયારે ઓકિસજન લેવલ ૯૩ હતું. ડોકટરની સલાહ બાદ RT-PCR ટેસ્ટ પણ કરાવવામાં આવ્યો હતો, જેમાં આસારામ કોરોના સંક્રમિત માલુમ પડ્યા હતા. જે બાદમાં તેઓ સારવાર માટે તૈયાર થઈ ગયા હતા.

(11:43 am IST)