Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

જુનના અંત સુધીમાં કોરોના ટાઢો પડશે

મેના મધ્યમાં કોરોનાના કેસ પીક ઉપર હશે : ૧૧ જુન સુધીમાં ૪૦૪૦૦૦ મોત થઇ શકે છે : જુન મહિના અંતે દૈનિક કેસની સંખ્યા ઘટીને થશે ૨૦,૦૦૦ : વૈજ્ઞાનિકો

નવી દિલ્હી તા. ૮ : ભારતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. જો કે કોરોનાના કહેર વચ્ચે એક રાહતના સમાચાર એ પણ છે કે આ મહિને કોરોના તેમના પીક પર તો હશે પરંતુ જુનમાં મોટો ઘટાડો જોવા મળશે. વડાપ્રધાન મોદીને સલાહ આપતી વિશેષજ્ઞોની એક ટીમે મંતવ્ય આપી છે કે આવનાર કેટલાક દિવસોમાં ભારતમાં કોરોના તેમના પીક પર હશે પરંતુ ગયા મહિને આ ટીમનો અંદાજ ખોટો સાબિત થયો હતો અને કોરોનાનો કહેર વધી ગયો. જો કે આ ટીમનું હાલનું અનુમાન તે વૈજ્ઞાનિકોના મંતવ્યની નજીક છે. જેનું માનવું છે કે મેના મધ્ય સુધી ભારતમાં કોરોના પીક પર હશે.

બ્લૂમબર્ગના રીપોર્ટના જણાવ્યા મુજબ વિશેષજ્ઞોનું કહેવું છે કે કોરોનાના આંકડાને ઘટાડીને જણાવામાં આવી રહ્યા છે કારણ કે દેશના સ્મશાન પર મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે લાંબી લાઇનો લાગી છે અને હોસ્પિટલોમાં દર્દીઓની લીડ જોવા મળી છે. તેના કારણે કોરોનાનો સચોટ અંદાજ લગાવવો મુશ્કેલ છે. જો કે ત્યારે પણ આ અંદાજ મહત્વનો માનવામાં આવી રહ્યો છે. કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રવ્યાપી લોકડાઉનથી બચતા નજરે આવી રહ્યા છે અને તેના બદલે કોરોનાની ચેનને તોડવા માટે રાજ્ય સરકારે પ્રતિબંધ લગાવી દીધો છે.

રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, હૈદરાબાદમાં ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થાનમાં પ્રોફેસર માયકુમલ્લી વિદ્યાસાગરનું અંદાજ છે કે આવનારા કેટલાક દિવસમાં કોરોના તેમના પીક પર હશે.

આઇઆઇટી કાનપુરના પ્રોફેસર મનિંદ્ર અગ્રવાલ દ્વારા તૈયાર મોડલનો હવાલો આપીને તેઓએ કહ્યું કે, હાલના અંદાજ મુજબ જુનના અંત સુધીમાં દરરોજના ૨૦ હજાર કેસ જોવા મળશે.

જો આ અંદાજ સાચું સાબિત થશે તો કોરોનાની બીજી લહેર ભોગવી રહેલા ભારત માટે રાહતની વાત હશે. કારણ કે હાલ દેશમાં દરરોજના અંદાજે ૪ લાખથી વધુ કોરોના કેસ સામે આવી રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ છેલ્લા ત્રણ દિવસોથી સતત દેશમાં રોજના કોરોનાના ૪ લાખથી વધુ કેસ આવી રહ્યા છે અને દૈનિક મૃત્યુઆંક પણ ચાર હજારનો આંકડો પાર કરી લીધો છે.

હાલમાં મોટી સંખ્યામાં વૈજ્ઞાનીકોનું માનવું છે કે આવનારા કેટલાક દિવસ ભારત માટે મુશ્કેલ ભર્યા રહેશે. બેંગલુરૂમાં આવેલ આઇઆઇએસની એક ટીમે મેથેમેટીકલ મોલના અંદાજ મુજબ દેશમાં જો આ જ ટ્રેન્ડ રહેશે તો ૧૧ જુન સુધીમાં ૪,૦૪,૦૦૦ મૃત્યુ નોંધાય શકે છે.

(3:06 pm IST)