Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

15 ઓગસ્ટ પહેલા NIAએ દિલ્હીથી ISISના સક્રિય સભ્યની ધરપકડ કરી : ઘરમાંથી વિવાદાસ્પદ દસ્તાવેજ મળ્યા

NIAને મોટી સફળતા હાથ લાગી : મોહસિન પર સતત ISISના મોડ્યૂલમાં જોડાયેલા રહેવાનો આરોપ, ક્રિપ્ટોકરન્સી દ્વારા પૈસા લેતીદેતી થતી

નવી દિલ્હી તા.07 : નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ દિલ્હીમાંથી ISISના એક સભ્યની ધરપકડ કરી છે. તે આતંકવાદી જૂથ માટે પૈસા ભેગા કરતો હતો. એન્ટી ટેરર ​​એજન્સીના પ્રવક્તાએ જણાવ્યું કે, મૂળ બિહારના પટનાના રહેવાસી મોહસીન અહેમદની શનિવારે બાટલા હાઉસ ખાતેના તેના નિવાસસ્થાનેથી ધરપકડ કરવામાં આવી હતી.

મોહસિન અહમદ તેની ISIS મોડ્યૂલની ગતિવિધિઓને લઈને સર્ચ બાદ ધરપકડ કરવામાં આવી છે. NIAએ રવિવારે આરોપી મોહસિન અહમદ પુત્ર મોહમ્મદ શકીલ અહમદના આવાસમાં સર્ચ કર્યું હતું. તે વર્તમાનમાં એફ 18/27, જાપાની ગલી, જોગાબાઈ એક્સટેન્શન, બાટલા હાઉસમાં રહેતો હતો.

NIAએ 25 જૂને IPCની કલમ 153એ અને 153બી અને યૂએ (પી) અધિનિયમની કલમ 18, 18બી, 38, 39 અને 40 હેઠળ કેસ દાખલ કર્યો હતો. ધરપકડ કરાયેલ આતંકી સંગઠન ISISનો કટ્ટરવાદી અને સક્રિય સભ્ય છે. તેની ધરપકડ કરવામાં આવી છે. જાણકારી અનુસાર NIAની ટીમે બાટલા હાઉસના એક ઘરમાં દરોડા પાડ્યા. જ્યાંથી શંકાસ્પદ મોહસિનની ધરપકડ કરવામાં આવી. દરોડા દરમિયાન ઘરમાંથી ઘણા વિવાદાસ્પદ દસ્તાવેજ મળ્યા છે.

આરોપી આતંકી સંગઠનનો સક્રિય સભ્ય છે. NIA આ મામલાની તપાસ કરી રહી છે. 25 જૂને NIAએ FIR દાખલ કરી હતી. ત્યારબાદ સતત તપાસ કરવામાં આવી રહી હતી. પોલીસે પણ નજર બનાવી રાખી હતી. મોહસિન પર સતત ISISના મોડ્યૂલમાં જોડાયેલા રહેવાનો આરોપ હતો. હવાલા, ક્રિપ્ટોકરન્સી દ્વારા પૈસા લેતીદેતી થતી હતી. શંકાસ્પદ પર આરોપ છે કે તે હાટલા હાઉસમાં રહી આસપાસના લોકો અને વિદ્યાર્થીઓને ગતિવિધિઓમાં સામેલ કરવાનો પ્રયાસ કરતો હતો.

એજન્સીએ સતત આતંકી પર નજર રાખી હતી. જ્યારે પૂરાવા મળ્યા તો તેની ધરપકડ કરી લેવામાં આવે. હવે તે જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે ક્રિપ્ટોકરન્સી અને હવાલા દ્વારા જે ટ્રાન્ઝેક્શન થયા છે તેને ફંડ કોણે આપ્યું. તેનો હેન્ડલર કોણ છે. તે આગળ કઈ જગ્યાએ પૈસાની સપ્લાય કરી રહ્યો હતો. કોને પૈસા મોકલી રહ્યો હતો. આ તમામ પાસાની તપાસ કરવામાં આવી રહી છે.

(9:20 pm IST)