Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

ફોર્બ્‍સ ઇન્‍ડિયા મેગેઝીનની કવર સ્‍ટોરીમાં મોરબીના વરમોરા ગ્રુપના ફેમિલી બિઝનેસને સ્‍થાન

ભારતના ટોપટેન ફેમિલી બિઝનેસની અનકહી કહાનીની શૃંખલામાં મોરબીનો વરમોરા પરિવાર ચમક્‍યો : વરમોરા પરિવારની આજની યુવા પેઢીએ કૌટુંબિક વ્‍યવસાયમાં ઝંપલાવી ભારત જ નહી વૈશ્વિક લેવલે નામના મેળવી

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૮ : વિશ્વભરના ધનિકોની યાદી જાહેર કરતા ફોર્બ્‍સ મગેજીનની ફોર્બ્‍સ ઇન્‍ડિયા આવૃત્તિમાં ભારતના ટોપટેન ફેમિલી બિઝનેશની અનકહી કહાનીની શૃંખલામાં મોરબીનો વરમોરા પરિવાર ચમક્‍યો છે. પાસિંગ ધ ફલોર ટેસ્‍ટ શીર્ષક હેઠળ મેગેજીનમાં વરમોરા પરિવારની નવી પેઢીએ ફેમિલી બિઝનેશમાં ઝંપલાવી ભારત જ નહીં બલ્‍કે વિશ્વમાં નામના હાંસલ કરી હોવાનો વિસ્‍તૃત અહેવાલ પ્રસિદ્ધ કરાયો છે.

ફોર્બ્‍સ ઇન્‍ડિયા મેગેજીનના મુખપૃષ્ઠ ઉપર ફેમિલી બિઝનેશ અનટોલ્‍ડ સ્‍ટોરી શીર્ષક સાથે ભારતના ટોપટેન બિઝનેશમેન ફેમેલીની વિગતો પ્રસિદ્ધ કરાવમાં આવી છે જેમાં વરમોરા ગ્રુપના ભાવેશભાઈ પટેલને કેન્‍દ્રસ્‍થાને રાખી ફેમિલી બિઝનેશ કેવી રીતે વિસ્‍તર્યો અને કેવી રીતે સફળતા મળી તે અંગેનો અહેવાલ પ્રસિદ્ધ થયો છે. ફોર્બ્‍સ મેગેઝિનના આ વિશેષ અહેવાલમાં જણાવાયું છે કે વરમોરા ગ્રુપના ભાવેશભાઈ પટેલના કાકા દ્વારા શરૂ કરવામાં આવેલા વોલ ટાઇલ્‍સના કૌટુંબિક વ્‍યવસાયમાં જોડાવામાં ભાવેશભાઈએ હાઇસ્‍કૂલ છોડી દીધી હતી. પરષોત્તમ પટેલ અને તેમના ભાઈઓ. રમણભાઈ અને વલ્લભભાઈ પટેલે ૧૯૮૪માં વિલાયતી નળીયા એટલે કે મેંગ્‍લોરિયન રૂફ ટાઇલ્‍સના વેપારી તરીકે શરૂઆત કરી હતી, એક દાયકા પછી, તેઓએ સનશાઇન સિરામિક્‍સ અને જેસન સિરામિક્‍સ નામથી વોલ ટાઇલ્‍સના વ્‍યવસાયમાં ઝંપલાવ્‍યું. આ સાહસે ૧૯૯૮માં લગભગ રૂપિયા ૨૩ કરોડનું ટર્નઓવર મેળવ્‍યું.

બે વર્ષ બાદ વર્ષ ૨૦૦૦માં ભાવેશભાઈ પટેલ કે જે અભ્‍યાસમાં ધ્‍યાન આપવાને બદલે કલાસ છોડી બિઝનેશ તરફ વધુ ધ્‍યાન આપતા હતા તેઓએ પિતા અને કાકા સાથે ફેક્‍ટરીમાં ટાઇલ્‍સના વ્‍યવસાયમાં ધ્‍યાન આપવાનું શરૂ કરી ફેમિલી બિઝનેશને સડસડાટ ઉંચે ચડાવવા માટે મોટા જોખમ લેવાની તૈયારી શરૂ કરી દીધી હતી. ભાવેશભાઈએ આ સમય દરમિયાન ફલોર ટાઇલ્‍સ ક્ષેત્રે વિકસતા જતા ફલકને ધ્‍યાનમાં લઈ આ ક્ષેત્રે વૃદ્ધિ તરફ નજર દોડાવી હતી.

નોંધનીય છે કે વર્ષ ૧૯૯૦ના દાયકામાં પટેલ બંન્‍ધુઓએ વોલ ટાઇલ્‍સ ઉત્‍પાદનથી શરૂઆત કર્યા બાદ દેશની ટોચની ટાઇલ્‍સ ઉત્‍પાદન કંપનીમાં વરમોરા ગ્રુપે અગ્રીમ સ્‍થાન મેળવ્‍યું હોવાનું વરમોરા ગ્રેનિટોના અધ્‍યક્ષ ભાવેશભાઈ જણાવતા ઉમેરે છે કે, વોલ ટાઈલ્‍સમાંથી ફલોર ટાઈલ્‍સમાં ઝંપલાવવામાં ઘણું મોટું બજાર હતું પરંતુ આખું ક્ષેત્ર બદલાતું હોય કોઈ અજાણ્‍યા પ્રદેશમાં પ્રવેશ કરવા જેવું જોખમ સામે હતું, બજારમાં ઘણા શુભેચ્‍છકો અને વેપારીઓએ સાવચેતીનો શબ્‍દ સંભળાવ્‍યો હતો અને દરેક લોકોએ ધીમા પગલે આગળ ધપવા સલાહ આપી હતી.

ભાવેશભાઈ જણાવે છે કે તેઓ નવા બિઝનેશ માટે પરિવારને સમજાવવામાં સફળ રહ્યા, વિકલ્‍પોની શોધખોળ કરવા અને સિરામિક ફલોર ટાઇલ્‍સ કેવી રીતે બનાવવી તે અંગેની ટેકનિકલ જાણકારી મેળવવા ૨૦૦૦માં તેઓ જર્મની ગયા અને સાત મહિના પછી કેટલીક નવી ટેક્‍નોલોજી અને સેકન્‍ડ હેન્‍ડ મશીનરી અને સાધનો સાથે પરત સ્‍વદેશ આવ્‍યા. ૨૦૦૧થી સિરામિક ફલોર ટાઇલ્‍સનું ઉત્‍પાદન શરૂ કર્યું. છ મહિના પછી બજારમાં આ ટાઇલ્‍સને સ્‍વીકરવામાં ન આવી અને થોડી નિષ્‍ફળતા મળતા પરિવારના દરેકને આઘાત લાગ્‍યો હતો. સ્‍પાર્ટેક ટાઇલ્‍સ શૈલી અને ગુણવત્તામાં અલગ હોવા છતાં, અહીં કોઈ લેનાર ન હતા. ફલોર ટાઇલ્‍સના પ્રારંભિક નિર્માતાઓમાંના એક ભાવેશભાઈને સત્‍ય સમજાયું. જોકે ભાવેશભાઈએ નિષ્‍ફળતાથી નાસીપાસ થયા વગર પોતાના પ્રયત્‍નો ચાલુ રાખ્‍યા અને ત્રણ વર્ષ પછી, ૨૦૦૪ માં, ઇટાલીમાંથી વિટ્રિફાઇડ પોલિશ્‍ડ ફલોર ટાઇલ્‍સ માટેનો પ્‍લાન્‍ટ નિહાળી હવે ફરી નવું જોખમ ઉઠાવવા મન બનાવી લીધું અને હવે હિરેનભાઈ, ભરતભાઈ અને મનીષભાઈ તેમની સાથે જોડાયા હતા.

સફળતાથી ઉત્‍સાહિત, ભાવેશભાઈએ એક હિંમતવાન કહી શકાય તેવું પગલું ભરી એક વર્ષ પછી ભારતની સૌથી મોટી વિટ્રિફાઇડ ટાઇલ્‍સ તૈયાર કરી. આ વિચાર માત્ર સતત નવીન ઉત્‍પાદનોનું ઉત્‍પાદન કરવાનો જ નહીં, પણ અત્‍યંત અવ્‍યવસ્‍થિત બજારને ઉત્તેજિત કરવાનો પણ હતો જેમાં ચીનમાંથી સંખ્‍યાબંધ સ્‍થાનિક ખેલાડીઓ રમતા હતા. પરંતુ આ નવીનતમ ટેક્‍નોલોજી વાળી ટાઇલ્‍સના કદને કારણે તેનું પરિવહન કરવામાં, પ્રદર્શિત કરવામાં આને બિલ્‍ડરો આટલી મોટી સાઈઝ ફિટિંગમાં સમસ્‍યા સર્જાય તેવા ડરથી ઉત્‍પાદન ન સ્‍વીકારતા અંતે તેમણે આ ટાઇલ્‍સ બનાવવાનું બંધ કરી દીધું.

નિષ્‍ફળતા મોંઘી સાબિત થઈ હોવા છતાં, ભાવેશભાઈએ જોખમી રમવાનું ચાલુ રાખી વર્ષ ૨૦૦૯માં ભાઈઓ સાથે ઇટાલી ગયા અને એક ફેક્‍ટરીની મુલાકાત દરમિયાન તેમને ડિજિટલ પ્રિન્‍ટિંગ મશીન જોઈ ફરી નવું જોખમ ઉઠાવ્‍યું કારણ કે આ ટેક્‍નોલોજી માત્ર ભારતમાં જ નહીં પણ સિરામિક ટાઈલ્‍સના મોટા ઉત્‍પાદક એવા ચીન જેવા દેશોમાં પણ ન હતી, ભાવેશભાઈએ એક મોટી તક ઝડપી લીધી. જોખમ ઉઠાવીને કંઈક અલગ કરવા માંગતા હોવાનું ઉમેરતા ભાવેશભાઈ કહે છે કે, એક સમસ્‍યા એ હતી કે આ મશીનની કિંમત ૭૫.૫ કરોડ હતી. વાસ્‍તવમાં, ખર્ચ એ એક માત્ર મુશ્‍કેલી ન હતી. ગુજરાતના મોરબીમાં આ નવી ટેક્‍નોલોજી શરૂ કરવામાં ખાસો સમય વ્‍યતીત થાય તેમ હતો ઉપરાંત હરીફો સામે પણ સાવધ રહેવું પડે તેમ હતું.

જો કે ભાવેશભાઈને નવા પ્‍લાન્‍ટ માટે બહુ ઉતાવળ હતી અને મશીનો દરિયાઈ માર્ગે લાવવાને બદલે મશીનોને હવાઈ માર્ગે ભારત લાવી ઈટાલિયન ટેકનિશિયનની મદદથી તેમને માત્ર ૧૦ દિવસમાં નવી ડિજિટલ પ્રિન્‍ટિંગ ટેક્‍નોલોજી સાથેની ટાઇલ્‍સ ઉત્‍પાદન કર્યું. ટાઈલ્‍સ બજારમાં મોકલવા માટે તૈયાર હતી. ભાવેશભાઈજાણતા હતા કે જો આ વખતે નિષ્‍ફળતા મળશે તો તેમના માટે મુશ્‍કેલ ઉભી થશે કારણ કે ઘણું બધું દાવ પર હતું. તેઓ સૌથી ખરાબ પરિસ્‍થિતિ સર્જાશે તેવી કલ્‍પના કરી માનસિક તૈયારી કરી લીધી હતી.

ભાવેશભાઈનું જોખમી પગલું સફળ થયું અને આગામી ચાર વર્ષમાં આવક વધીને ૧૨૭૦ કરોડ થઈ ગઈ. ભાવેશભાઈ ઉમેરે છે કે, ત્‍યારથી પાછું વળીને જોયું નથી.વર્ષ ૨૦૧૯માં ૮૧૧ કરોડ, વર્ષ ૨૦૨૨માં ૧,૧૦૫ કરોડ પર બંધ થયું. આ જ સમયગાળા દરમિયાન ચોખ્‍ખો નફો ૩૫.૨૦ કરોડથી વધીને ૬૭.૬ કરોડ થયો. મોરબી સ્‍થિત કંપની ભારતમાં ટોચની પાંચ ટાઇલ્‍સ અને બાથવેર ઉત્‍પાદકોમાંની એક છે અને ગુજરાતમાં તેના નવ ઉત્‍પાદન એકમો છે. તે ૫,૦૦૦ રિટેલ આઉટલેટ્‍સ પર ઉપલબ્‍ધ છે, ભારતમાં ૭૦૦ ડીલરો, ૧૨ શાખા કચેરીઓ અને ૧૨૫ વિશિષ્ટ શોરૂમ ધરાવે છે અને સમગ્ર વિશ્વમાં ૧૫ શોરૂમ ધરાવે છે. ૭૪ થી વધુ દેશોમાં નિકાસ પણ કરે છે, અને જૂનમાં, ખાનગી ઇક્‍વિટી કંપની કાર્લાઇલે સાથે પણ જોડાણ થયું છે.

વરમોરા ગ્રુપના ભાવેશભાઈ જણાવે છે કે ૨૦૦૪માં તેમણે માર્કેટિંગ અને બ્રાન્‍ડિંગ પ્રવૃત્તિઓ પર પોતાનું ધ્‍યાન કેન્‍દ્રિત કરવાનું નક્કી કર્યું. પહેલું મોટું પગલું તમામ ટાઇલ્‍સને એક બ્રાન્‍ડ હેઠળ લાવવાનું હતું. તેથી તે ગુજરાતમાં એક બ્રાન્‍ડિંગ એજન્‍સી સુધી પહોંચ્‍યા જયાં એજન્‍સીના માલિકે પૂછ્‍યું, શું તમે તમારી અટક બદલી શકો છો. જયારે બેન્‍ઝ મર્સિડીઝ-બેન્‍ઝમાં શક્‍તિશાળી નામ હોઈ શકે છે, તો વરમોરા શા માટે નહીં? મૂળ અટક વરમોરા નામમાં ઇટાલિયન ભાવાર્થ પણ છે જે આ ઉદ્યોગમાં એક મોટી તાકાત બની શકે છે, તેમણે ભાવેશને પ્રભાવિત કરવાનું ચાલુ રાખ્‍યું, જે આ વિચારને આગળ ધપાવી રહ્યો હતો. ઘણી સમજાવટ બાદ પરિવાર રાજી થયો અને ભાવેશભાઈ પટેલ, ભાવેશભાઈ વરમોરા બન્‍યા બાદ વરમોરા ગ્રેનિટો બ્રાન્‍ડ ૨૦૦૬માં બહાર પાડવામાં આવી.

બીજું મોટું પગલું બ્રાન્‍ડનું નિર્માણ કરવાનું હતું, કંપની તેની ગુણવત્તાના આધારે વિકાસ પામી હતી ટાઇલ્‍સ અને બાથવેરના વિશાળ અસંગઠિત ઉદ્યોગમાં બ્રાન્‍ડેડ રમત રમવા માટે વરમોરાને કેટલાક ઇન્‍ટેલીજન્‍ટ સ્‍ટાફને ખેંચવાની જરૂર હતી. ભાવેશભાઈએ પ્રતિસ્‍પર્ધી કજારિયા ગ્રુપના ટોચના લોકોને આકર્ષક પેકેજ આપી પોતાના તરફ આકર્ષી વેચાણ અને માર્કેટિંગ ટીમોને મજબૂત બનાવી. વરમોરા બ્રાન્‍ડિંગ સાથે અનેક જાહેરાતો નાના નગરો અને શહેરોના થિયેટરોમાં ચલાવવામાં આવી હતી દોઢ વર્ષના સતત માર્કેટિંગ અને બ્રાન્‍ડિંગ પછી પરિણામો દેખાય છે.

ભાવેશભાઈ દાવો કરે છે કે, ટાઇલ્‍સ અને બાથવેરના ૭૦,૦૦૦ કરોડના બ્રાન્‍ડેડ માર્કેટમાં અમે દેશના ટોચના પાંચ ખેલાડીઓમાં છીએ. કાર્લાઈલ સાથે, અમે વૃદ્ધિના અમારા પ્રથમ તબક્કામાં પ્રવેશ કર્યો છે, હાલમાં મૂડી બજારમાં પ્રવેશવાની કોઈ જરૂરત ન હોવાનું જણાવતા તેઓ ઉમેરે છે કે બે થી ત્રણ વર્ષ પછી અમારો આઇપીઓ આવશે, આગલા તબક્કા માટે બ્રાન્‍ડિંગ અને માર્કેટિંગ ઉપર આક્રમક રીતે પગલાં લેવાની જરૂર હોવાનું જણાવી મર્સિડીઝ બેન્‍ઝની જેમ, ટાઇલ નિર્માતાએ જો જનતાના પ્રિય બનવું હોય તો મહત્‍વાકાંક્ષી બનવું પડશે.વરમોરા ગ્રુપની સૌથી મોટી તાકાત પરિવારના સભ્‍યો વચ્‍ચેનો સંપ હોવાનું ઉમેરી જે બિઝનેશમાં પરિવાર સાથે હોય ત્‍યાં કઈ પણ શક્‍ય હોવાનું અંતમાં સ્‍મિત સાથે તેઓએ જણાવ્‍યું હતું.

(12:19 pm IST)