Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

પાકિસ્‍તાની બહેને મોદીજીને રાખડી મોકલી

છેલ્લા ૨૮ વર્ષોથી મોદીજીને રક્ષાબંધન નિમિત્તે રાખડી બાંધે છે

નવી દિલ્‍હી/અમદાવાદ, તા.૮: વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીને પાકિસ્‍તાની બહેન કમર મોહસિન શેખે આગામી રક્ષાબંધન તહેવાર નિમિત્તે રાખડી મોકલી છે. એની સાથે જ એમણે એવી શુભેચ્‍છા વ્‍યક્‍ત કરી છે કે મોદીજી ૨૦૨૪ની લોકસભા ચૂંટણી જીતીને ત્રીજીવાર ભારતના વડાપ્રધાન બને. એએનઆઈ સમાચાર સંસ્‍થા સાથેની મુલાકાતમાં કમર મોહસિન શેખે કહ્યું કે, મેં નરેન્‍દ્રભાઇ મોદીને રાખડીની સાથે એક પત્ર પણ મોકલ્‍યો છે. નરેન્‍દ્રભાઇ મોદી ત્રીજી વાર વડાપ્રધાન પદે ચૂંટાઈ આવે અને નિરોગી જીવન પ્રાપ્ત કરે એવી શુભેચ્‍છા મેં પત્રમાં આપી છે. કમર મોહસિન શેખે કહ્યું છે કે આ રાખડી એમણે જાતે બનાવી છે. તે સિલ્‍ક રિબનમાંથી બનાવી છે. એમણે એવી ઈચ્‍છા પણ વ્‍યક્‍ત કરી છે કે વડાપ્રધાન મોદી એમને મળવા માટે દિલ્‍હી બોલાવશે.
કમર મોહસિન શેખ મૂળ પાકિસ્‍તાનનાં કરાચીનાં છે અને એમનાં લગ્ન અમદાવાદમાં થયાં છે. તેઓ છેલ્લા ૨૮ વર્ષોથી મોદીજીને રક્ષાબંધન નિમિત્તે રાખડી બાંધે છે. તેઓ મોદીજીને દિલ્‍હીમાં પણ મળ્‍યાં હતાં. એમણે કહ્યું કે, મોદીજીને જ્‍યારે ખબર પડી કે હું મૂળ કરાચીની છું અને અમદાવાદમાં લગ્ન થયાં છે ત્‍યારે એમણે મને બહેન કહીને બોલાવી હતી. મારે કોઈ સગો ભાઈ નથી.

 

(4:25 pm IST)