Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

જેલમાં બંધ હોવા છતાં

સંજય રાઉતનો સામનામાં લેખ છપાયોઃ ઇડી કરશે પુછપરછ

મુંબઇ તા. ૮: રાજયસભા સાંસદ સંજય રાઉત પાત્રા ચાલ કૌભાંડમાં મની લોન્‍ડ્રીંગ કેસ હેઠળ જેલમાં બંધ છે. જેની ઇડી દ્વારા તપાસ ચાલી રહી છે. દરમિયાન શિવસેનાના મુખપત્ર સામનામાં રવિવારે સંજય રાઉતની સાપ્‍તાહીક કોલમ ‘‘રોક-ઠોક'' ને પ્રકાશિત કરવામાં આવી છે.
આ કોલમ છપાતા રાઉતની મુશ્‍કેલીઓ વધી શકે છે. ઇડીએ આ અંગે તપાસ શરૂ કરી છે. જયારે રાઉત જેલમાં બંધ છે, તો તેમણે સામના માટે કોલમ કઇ રીતે લખી તે અંગે ઇડી પુછપરછ કરશે. રાઉત સામનાના મુખ્‍ય કાર્યકારી સંપાદક છે.
સંજય રાઉતે લેખના માધ્‍યમથી મહારાષ્‍ટ્રના ગર્વનર કોશ્‍યારી ઉપર નિશાન સાધતા લખ્‍યું છે કે, રાજયપાલનું તે નિવેદન કોઇ ઉદ્દેશ્‍ય વિના કેવી રીતે હોઇ શકે? તેમનો કોઇ હેતુ હશે. મુંબઇના ગુજરાતી-મારવાડી સમાજના લોકોને પણ રાજયપાલનું નિવેદન પસંદ નથી આવ્‍યું અને તેમણે પણ ભાષણની નિંદા કરી છે.
મહારાષ્‍ટ્રના રાજયપાલ કોશ્‍યારીએ થોડા દિવસ પહેલા મુંબઇમાં એક કાર્યક્રમ દરમિયાન ભાષણમાં જણાવેલ કે, ગુજરાતી અને મારવાડી લોકો મુંબઇમાં છે, એટલે જ મુંબઇને આર્થિક રાજધાનીનો દરજજો મળ્‍યો છે.
જો આ લોકો ચાલ્‍યા જાય તો મુંબઇમાં પૈસા નહીં બચે અને તે આર્થીક રાજધાની પણ નહીં રહે.

 

(4:30 pm IST)