Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

એચડીએફસીએ લોનના વ્યાજ દરમાં વધારો કર્યો

આરબીઆઈની વ્યાજદર વધારાની હેટ્રિક : એચડીએફસી બેંકે તમામ લોનની મુદત માટે તેના માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ આધારિત લેન્ડિંગ રેટમાં ૫-૧૦ બેસિસ પોઈન્ટ્સનો વધારો કર્યો

નવી દિલ્હી, તા.૮ : રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ગત સપ્તાહે વ્યાજદર વધારાની હેટ્રિક લગાવ્યા બાદ અનેક બેંકોએ તાત્કાલિક જ લોનના રેટ વધાર્યા છે. દેશની સૌથી મોટી ખાનગી બેંકે પણ આરબીઆઈના વ્યાજદર વધારાની હેટ્રિક સાથે તમામ લોન પર વ્યાજદર વધાર્યા છે.

દેશની નંબર વન ખાનગી બેંક, એચડીએફસી બેંકે લોનના વ્યાજદરમાં વધારો કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર બેંકે લોન પર ૫-૧૦ બેસિસ પોઈન્ટ્સનો વધારો કર્યો છે.

એચડીએફસી બેંકે તમામ લોનની મુદત માટે તેના માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ આધારિત લેન્ડિંગ રેટ (એમસીએલઆર)માં ૫-૧૦ બેસિસ પોઈન્ટ્સ (બીપીએસ)નો વધારો કર્યો છે. આ વધારો આજથી એટલે કે ૮ ઓગસ્ટ, ૨૦૨૨થી તાત્કાલિક અસરથી લાગુ થશે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) દ્વારા રેપો રેટમાં ૫૦ બેસિસ પોઈન્ટના વધારાની જાહેરાત બાદ તમામ બેંકો વ્યાજદર વધારી રહી.

ઓગસ્ટમાં મળેલી આરબીઆઈની એમપીસીની બેઠકમાં મોંઘવારી પર અંકુશ લાવવાના હેતુથી વ્યાજદર વધારાની સાથે મોનિટરી પોલિસીના સ્ટેન્ડમાં પણ ફેરફાર કરવામાં આવ્યો હતો.

સેન્ટ્રલ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે શુક્રવાર, ૫ ઓગસ્ટના રોજ સમાપ્ત થયેલ મોનેટરી પોલિસી કમિટીની બેઠકના નિર્ણયો જાહેર કરતા કહ્યું કે આરબીઆઈએ રેપો રેટમાં ૦.૫૦ ટકાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. આ વધારા બાદ રેપો રેટ વધીને ૫.૪૦ ટકા થયો છે. આરબીઆઈએ આ વર્ષે સતત ત્રીજી વખત રેપો રેટમાં વધારો કર્યો છે.

આરબીઆઈએ અગાઉ મે ૨૦૨૨માં રેપો રેટમાં આકસ્મિક ૦.૫૦ ટકાનો વધારો કર્યો હતો, જ્યારે જૂન ૨૦૨૨ની એમપીસી બેઠકમાં ૦.૪૦ ટકાનો વધારો કરતા મે મહિનાથી રેપો રેટમાં કુલ ૧.૪૦ ટકાનો વધારો થયો છે અને રેપો રેટ છેલ્લા અઢી વર્ષમાં સૌથી વધુ થયો છે. આ વધારા સાથે તમારી હોમ લોન, કાર લોન અને પર્સનલ લોન સહિત તમામ પ્રકારની લોન મોંઘી થઈ જશે.

 

 

(7:34 pm IST)