Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

ઓઈલ માર્કેટિંગ કંપનીઓને ત્રણ માસમાં ૧૮,૪૮૦ કરોડનું નુકસાન

લાંબા સમયથી ઈંધણમાં ભાવ સ્થિર : ૨૦૨૨માં અનેક રાજ્યોની ચૂંટણીને કારણે સરકારી દબાણ હેઠળ ઓએમસીએ ભાવમાં કોઈ વધારો-ઘટાડો નહોતો કર્યો

મુંબઈ, તા.૮ : કેન્દ્રની મોદી સરકાર એકતરફ કહે છે કે બજારમાં પેટ્રોલ-ડીઝલના ભાવ અંકુશ મુક્ત કરવામાં આવ્યા છે અને ઓઈલ માર્કેટિંગ કંપનીઓ(ઓએમસી) સ્વેચ્છાએ ભાવ વધારી કે ઘટાડી શકે છે પરંતુ આ નિયંત્રણમુક્ત નીતિ માત્ર નામની હોય તેમ લાગી રહ્યું છે. ૨૦૨૨માં અનેક રાજ્યોની ચૂંટણીને કારણે સરકારી દબાણ હેઠળ ઓએમસીએ ભાવમાં કોઈ વધારો-ઘટાડો નહોતો કર્યો. સામે પક્ષે ક્રૂડના ભાવ ૧૩૦ ડોલરના રેકોર્ડ હાઈ પર પહોંચવા છતા ઓઈલ માર્કેટિંગ કંપનીઓને છુટ્ટા ખાતે ભાવ ફેરફાર કરવાની પરવાનગી ન આપતા દેશની ટોચની ઓઈલ કંપનીઓને મસમોટું નુકશાન થઈ રહ્યું છે.

મોંઘવારી વધવા છતાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો સ્થિર રાખવાને કારણે જાહેર ક્ષેત્રની પેટ્રોલિયમ કંપનીઓને ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં કુલ રૃ. ૧૮,૪૮૦ કરોડનું નુકસાન થયું છે. ટોચની ૩ જાહેર ક્ષેત્રની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા બીએસઈ ખાતેની ફાઈલિંગમાં જાહેર કરેલ પરિણામો અનુસાર એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો ન થવાને કારણે તેમની ખોટમાં નોંધપાત્ર વધારો થયો છે. કંપનીઓના માર્કેટિંગ માર્જિનમાં ઘટાડાને કારણે ખોટ સહન કરવી પડી છે.

નોંધપાત્ર રિફાઇનિંગ માર્જિનની સામે પેટ્રોલ અને ડીઝલ ઉપરાંત ઘરેલું એલપીજીના માર્કેટિંગ માર્જિનમાં થયેલ નુકશાનને કારણે ઓએમસીએ મસમોટી ખોટ સહન કરવી પડી છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (આઈઓસી), હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (એચપીસીએલ) અને ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (બીપીસીએલ)ને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રોજેરોજ ઈનપુટ કિંમત પ્રમાણે ફેરફાર કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે પરંતુ રિટેલ મોંઘવારીમાં વધારાને કારણે ચાર મહિનાથી પેટ્રોલિયમ પ્રોડકટોના ભાવમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. આ સમયગાળામાં આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલના ભાવમાં વધારાને કારણે આ કંપનીઓની પડતરમાં પણ વધારો થયો છે. આવક પડતરના હિસાબે કંપનીઓએ એલપીજીના ભાવમાં પણ સમકક્ષ ફેરફાર કર્યો નથી.

આઈઓસીએ ૨૯ જુલાઈએ જાહેર કરેલ પરિણામમાં કહ્યું હતું કે એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં તેને રૃ. ૧૯૯૫.૩ કરોડની ચોખ્ખી ખોટ થઈ હતી. એચપીસીએલએ શનિવારે પણ આ ક્વાર્ટરમાં રૃ. ૧૦,૧૯૬.૯૪ કરોડની રેકોર્ડ ખોટ નોંધાવી હતી, જે ઈતિહાસના કોઈપણ ત્રિમાસિકગાળા માટે તેની સૌથી મોટી ખોટ છે. આ જ રીતે બીપીસીએલએ પણ રૃ. ૬૨૯૦.૮ કરોડની ખોટ નોંધાવી છે.

આમ દેશના પેટ્રોલ-ડિઝલ રિટેલ બજાર પર કબ્જો જમાવતી આ ત્રણ સરકારી પેટ્રોલિયમ માર્કેટિંગ કંપનીઓએ એક જ ત્રિમાસિકગાળામાં કુલ રૃ. ૧૮,૪૮૦.૨૭ કરોડની ખોટ કરી છે, જે પણ અત્યાર સુધીના કોઈપણ ક્વાર્ટર માટેનો સૌથી ખરાબ રેકોર્ડ છે. રજૂ કરેલ આંકડા અનુસાર ગત ત્રિમાસિકગાળામાં આઈઓસી, બીપીસીએલ અને એચપીસીએલએ સરકારને ૭ ટકાથી વધુની મોંઘવારીને નિયંત્રિત કરવામાં મદદ કરવા માટે વધતી કિંમતને અનુરૃપ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો ન હતો. પ્રથમ ક્વાર્ટરમાં ક્રૂડ ઓઇલની આયાત ૧૦૯ ડોલર પ્રતિ બેરલની સરેરાશ કિંમતે કરવામાં આવી હતી. જોકે રિટેલ વેચાણ તમામ ખર્ચ સાથે લગભગ ૮૫-૮૬ ડોલર પ્રતિ બેરલે કરવામાં આવી હતી. આ રીતે સરકારી દબાણને કારણે ઓઈલ કંપનીઓને ક્રૂડ ઓઈલ પર લગભગ ૨૩-૨૪ ડોલર પ્રતિ બેરલનું નુકસાન થયું છે.

 

 

 

 

(7:34 pm IST)