Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

વારંવાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અવગરણા કરવાની કે.ચંદ્રશેખર રાવની મહેચ્છા કે મજબૂરી?

ગુરુ એન.ટી.રામારાવની માફક વેરવિખેર વિપક્ષને એકજૂટ કરીને રાવ જોઈ રહ્યાં છે દિલ્હીનું સપનું : રાવ અગાઉ વડાપ્રધાનના સ્વાગતનો પ્રોટોકોલ પણ તોડી ચૂક્યા

હૈદ્રાબાદ તા.08 : નીતિ આયોગની બેઠકનો ઉઘાડેછોગ બહિષ્કાર કરનાર રાવ અગાઉ વડાપ્રધાન મોદીના સ્વાગતનો પ્રોટોકોલ પણ તોડી ચૂક્યા છે. ગુરુ એન.ટી.રામારાવની માફક વેરવિખેર વિપક્ષને એકજૂટ કરીને રાવ દિલ્હીનું સપનું જોઈ રહ્યાં છે. ભારતીય રાજનીતિમાં મુખ્યત્વે કેન્દ્રમાં જે બળકટ પક્ષ હોય તેની સામે પડકાર તરીકે બીજો એક એવો જ મોટો પક્ષ હોય છે.

અન્ય નાનાં કે પ્રાદેશિક પક્ષો પોતપોતાની અનુકૂળતા કે જરૂરિયાત મુજબ બંને મોટા પક્ષોની આસપાસ છાવણીબંધી કરતાં હોય. પરંતુ મોટા પક્ષ પૈકી કોઈ એક નબળો પડતો જણાય ત્યારે પ્રાદેશિક પક્ષ નેતૃત્વનું બીડું ઝડપે એવા ઉદાહરણો પૂરતાં છે. એંશીના દાયકામાં ભાજપ હજુ ભાંખોડિયા ભરતો હતો ત્યારે કોંગ્રેસ સામે વિપક્ષને મજબૂત બનાવવામાં તેલુગુદેશમ પાર્ટીના એન.ટી.રામારાવે આગેવાની લીધી હતી. આજે પણ કંઈક અંશે એવી સ્થિતિ ઊભી થઈ રહી છે. ભાજપના સાર્વત્રિક વિજયો અને આક્રમક રણનીતિ સામે કોંગ્રેસ શી વાતે ય પડકાર ઊભો કરવાની સ્થિતિમાં નથી. સોનિયાને અવસ્થા આંબી ગઈ છે અને રાહુલમાં કશી ભલી વાર હોય એવું હવે કોંગ્રેસમાં ય કોઈ માનતું નથી. પ્રિયંકાના ગાજ્યા મેઘ પણ વરસતા નથી. પાર્થ ચેટર્જી ફસાયા પછી મમતા બેનર્જી પણ મોળા પડી રહ્યાં છે. અખિલેશ માટે પોતાનું ઘર સંભાળવું જ મુશ્કેલ છે. આમઆદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ અગાઉ મોટો કૂદકો મારવાની ભૂલ કર્યા પછી હવે નાનાં કૂદકા વડે ધીમી પણ મક્કમ ગતિએ આગળ વધવા ધારે છે. એ સંજોગોમાં ભાજપ અને મોદી સામે પક્ષ અને ચહેરાની ભયંકર કટોકટી છે. એ ખાલી જગ્યા ભરવા અને મોદીના કરિશ્માનો સામનો કરવા માટે તેલંગણાના મુખ્યમંત્રી કેસીઆર અત્યારથી શસ્ત્રો સજાવી રહ્યા જણાય છે.

ગઈકાલે એટલે કે રવિવારે નીતિ આયોગની બેઠકમાં વડાપ્રધાન મોદી દરેક રાજ્યોના મુખ્યમંત્રીને સંબોધિત કરવાના હતા. આ બેઠકમાં ફક્ત બે જ મુખ્યમંત્રીઓએ આવવાનું ટાળ્યું હતું. તેમાં એક તો બિહારના નીતિશકુમાર હતા, જે ભાજપના ટેકાથી સરકાર ચલાવી રહ્યા છે. પરંતુ હવે ભાજપ સાથે તેમનો મનમેળ તૂટતો જાય છે અને આ અઠવાડિયામાં જ ત્યાં કશીક નવાજૂની થાય તેવા અણસાર વર્તાય છે. ગેરહાજર રહેલા બીજા મુખ્યમંત્રી હતા કે. ચંદ્રશેખર રાવ. 'આવી બેઠકોથી મારા રાજ્યને કોઈ ફાયદો નથી એટલે હું હાજર રહેવાનો નથી' એવું સ્પષ્ટ કારણ આપીને તેમણે બેઠકની અવગણના કરી હતી. આ પહેલો કિસ્સો નથી. અગાઉ બબ્બે વખત એવું બન્યું છે કે વડાપ્રધાન તેલંગણાની મુલાકાતે ગયા હોય ત્યારે પ્રોટોકોલની સદંતર અવગણના કરીને રાવ એરપોર્ટ પણ તેમના સ્વાગત માટે ગયા ન હતા. નાદુરસ્ત તબિયત કે અન્ય વ્યસ્તતાનું કારણ આપીને વડાપ્રધાનને આવકારવાનું ટાળનારા ચંદ્રશેખર રાવ વડાપ્રધાનના આગમનના થોડાં સમય પહેલાં અન્ય મહેમાનોને આવકારવા એરપોર્ટ પર ગયા હોય છે. અર્થાત્ તેઓ ઈરાદાપૂર્વક વડાપ્રધાનની અવગણના કરી રહ્યા હોવાની છાપ છોડવાનું ટાળતા નથી.

અગાઉ એંશીના દાયકામાં જેમણે કોંગ્રેસ અને રાજીવ ગાંધીના વિકલ્પ તરીકે પોતાની જાતને રજૂ કરી હતી અને વિપક્ષને એકજૂટ કર્યો હતો એ દિવંગત નેતા એન.ટી.રામારાવ યોગાનુયોગે કે. ચંદ્રશેખરરાવના રાજકીય ગુરુ ગણાય છે. અખંડ આંધ્રપ્રદેશ વખતે તેલુગુદેશમના કાર્યકર્તા રહી ચૂકેલા રાવની એ પહેલી રાજકીય ઈનિંગ હતી જેમાં તેઓ સંગઠનમાં જિલ્લા સ્તરના નેતાથી આગળ વધી શક્યા ન હતા. બાદમાં તેલુગુદેશમ પાર્ટી પર ચંદ્રાબાબુ નાયડુએ પકડ મજબૂત બનાવી ત્યારે ચંદ્રશેખરરાવ સદંતર હાંસિયામાં ધકેલાઈ ગયા હતા અને તેમની રાજકીય કારકિર્દી પૂરી થઈ હોવાનું તેમનાં સમર્થકો ઉપરાંત તેઓ પોતે પણ માનવા લાગ્યા હતા. અલગ તેલંગણા રાજ્યની ચળવળ ઊભી થઈ ત્યારે તેલંગણા રાષ્ટ્ર સમિતિ નામે અલગ પક્ષની સ્થાપના કરી અને અચાનક તેઓ રાખમાંથી બેઠા થયા. આજે તેઓ તેલંગણાના સૌથી લોકપ્રિય અને દિગ્ગજ નેતા ગણાય છે અને હવે ત્રીજી ઈનિંગમાં દિલ્હીની આગેકૂચના ખ્વાબ જોઈ રહ્યા છે.

આમ તો તેલંગણાને અલગ રાજ્ય તરીકે માન્યતા મળી ત્યારે ચંદ્રશેખર રાવ ભાજપના મિત્ર મનાતા હતા. એનડીએમાં જોડાયા વગર તેઓ સંસદમાં અનેક પ્રસ્તાવોમાં ભાજપનું સમર્થન કરી ચૂક્યા છે. પરંતુ હવે ભાજપની બદલાયેલી રણનીતિમાં દક્ષિણના રાજ્યોની ફતેહ બહુ મહત્વની બને છે. કારણ કે ઉત્તરપ્રદેશ, બિહાર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ જેવા હિન્દી બેલ્ટના રાજ્યો પરનો મદાર ઘટાડવા ભાજપ હવે દક્ષિણના કર્ણાટક, આંધ્ર, તેલંગણા, તામિલનાડુ અને કેરળમાં પ્રભાવ વધારવા પ્રયત્નશીલ છે. કેન્દ્રની સત્તાના જોરે ભાજપ માટે ત્યાં સહયોગીઓ મેળવવાનું પણ મુશ્કેલ નથી. એ સંજોગોમાં આવતીકાલે ભાજપ સાથે જ બાથ ભીડવાની થશે એ સમજી ગયેલા કેસીઆર આજથી તેની તૈયારી કરી રહ્યા છે.

રવિવારે નીતિ આયોગની બેઠકનો ખુલ્લેઆમ બહિષ્કાર કર્યા પછી ચંદ્રશેખરરાવે એ જ દિવસે મુંબઈ ખાતે શરદરાવ પવાર સાથે બેઠક યોજી હતી. એ દિવસે મુંબઈના મોટા અખબારોમાં ફ્રન્ટપેજ પર તેલંગણા માહિતી ખાતાની જાહેરાતો છપાઈ હતી. કેન્દ્ર સરકાર પર પ્રહારો કરવા માટે તેમની પાસે મુદ્દાઓ પણ ભરચક છે જેમાં GST કરમાળખાની વિસંગતતાઓ, મોંઘવારી અને સાંપ્રદાયિક વિભાજનકારી નીતિ મુખ્ય છે. આવા કુલ દસ મુદ્દાઓ તૈયાર કરીને તેઓ વિપક્ષના વિવિધ નેતાઓને એક મંચ પર આવવા તૈયાર કરી રહ્યા છે. અગાઉ મમતા બેનર્જી અને અખિલેશ યાદવ સાથે તેમની બેઠકો યોજાઈ ચૂકી છે. શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે પછી તેઓ અરવિંદ કેજરીવાલ અને સ્તાલિન કરુણાનીધિ સાથે બેઠકો યોજવા ધારે છે. સૌને મોદીનો ભય છે અને દરેક પક્ષ સત્તામાં ન હોવા છતાં સીબીઆઈ, ઈડીના ભયથી પીડિત છે. એ સંજોગોમાં ચંદ્રશેખરરાવ પહેલ કરે એ સૌને ફાવતી બાબત છે.

રસપ્રદ બાબત એ છે કે ભાજપ પર ધ્રુવીકરણના આરોપ મૂકનારા રાવ પોતે ધ્રુવીકરણની રાજનીતિ વડે જ સત્તા પર પહોંચ્યા છે. દરેક ચૂંટણીમાં તેઓ પોતાના વિરોધીને જનતાના દુશ્મન તરીકે ચીતરવામાં મહારત દર્શાવતા રહ્યા છે, જે વડાપ્રધાન મોદીની કાયમી પદ્ધતિ ગણાય છે. 2009માં તેમણે કોંગ્રેસના દિગ્ગજ નેતા વાય.એસ.રાજશેખર રેડ્ડીને આંધ્રના શત્રુ ગણાવ્યા હતા. 2019માં ચંદ્રાબાબુ નાયડુને તેમણે આંધ્રના ગદ્દાર કહ્યા હતા. હવે તેઓ તેલંગણાની રચના વખતના નરેન્દ્ર મોદીના વિધાનો, વીડિયો શોધી શોધીને તેમને તેલંગણાના દુશ્મન સાબિત કરી રહ્યા છે. જનાધાર અને સહાનુભૂતિ ઊભી કરવાનો તેમનો આ કિમિયો અત્યાર સુધી કાયમ કારગત નીવડ્યો છે. આ વખતે શું થશે એ સમય કહેશે.

(9:06 pm IST)