Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

રાજ્યસભાના સભ્યોએ ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુને આપી વિદાય : ભાષણ આપતા ભાવુક થઈ ગયા

જ્યારે મને પાર્ટી છોડીને ઉપરાષ્ટ્રપતિની જવાબદારી સોંપવામાં આવી ત્યારે તે મારા માટે ખૂબ જ ભાવનાત્મક ક્ષણ હતી : વેંકૈયા નાયડુ

નવી દિલ્લી તા.08 :  ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ એમ વેંકૈયા નાયડુને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને અન્ય ટોચના નેતાઓની હાજરીમાં રાજ્યસભા, ઉપલા ગૃહમાં વિદાય આપવામાં આવી હતી. તેઓ બુધવારે પદ છોડશે અને જગદીપ ધનખર 11 ઓગસ્ટે હોદ્દા અને ગુપ્તતાના શપથ લેશે. ઉપરાષ્ટ્રપતિ વિદાય પ્રવચન આપતા ભાવુક થઈ ગયા હતા.

વેંકૈયા નાયડુએ કહ્યું કે, જ્યારે મને પાર્ટી છોડીને ઉપરાષ્ટ્રપતિની જવાબદારી સોંપવામાં આવી ત્યારે તે મારા માટે ખૂબ જ ભાવનાત્મક ક્ષણ હતી. જે દિવસે PMએ મને કહ્યું કે મને ભારતના ઉપરાષ્ટ્રપતિ તરીકે પસંદ કરવામાં આવી રહ્યો છે તે દિવસે મારી આંખોમાં આંસુ હતા.

તેણે કહ્યું કે, મેં આ પદ માટે પૂછ્યું નથી. પાર્ટીએ જનાદેશ આપ્યો હતો, મને પાર્ટીમાંથી રાજીનામું આપવાની ફરજ પડી હતી. તે સમયે મારી આંખોમાં આંસુ હતા કારણ કે મારે પાર્ટી છોડવી પડી હતી. રાજ્યસભાના અધ્યક્ષે વધુમાં કહ્યું કે અમારી ઉપર, ઉપલા ગૃહની મોટી જવાબદારી છે. આખી દુનિયા ભારતને જોઈ રહી છે, ભારત આગળ વધી રહ્યું છે. હું રાજ્યસભાના સાંસદોને શિષ્ટાચાર, ગૌરવ જાળવવા અપીલ કરું છું જેથી ગૃહની છબી અને પ્રતિષ્ઠા જળવાઈ રહે. હું તમામ પક્ષોને લોકશાહીનું સન્માન કરવા કહીશ.

દિવસની શરૂઆતમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, LOP મલ્લિકાર્જુન ખડગે અને અન્ય સાંસદોએ પણ વિદાય લઈ રહેલા ઉપરાષ્ટ્રપતિને વિદાય આપી હતી. PM મોદીએ ગૃહની ઉત્પાદકતા વધારવા અને માતૃભાષાઓના ઉપયોગને પ્રોત્સાહિત કરવા માટે ઉપરાષ્ટ્રપતિની પ્રશંસા કરી. પીએમે કહ્યું કે તમે (નાયડુ) હંમેશા કહ્યું છે કે તમે રાજનીતિમાંથી નિવૃત્ત થયા છો પરંતુ જાહેર જીવનથી કંટાળ્યા નથી. તમારો કાર્યકાળ ભલે સમાપ્ત થઈ રહ્યો હોય, પરંતુ તમારા અનુભવો આવનારા વર્ષો સુધી રાષ્ટ્રને માર્ગદર્શન આપતા રહેશે.

નવા ઉપરાષ્ટ્રપતિ 11 ઓગસ્ટે શપથ લેશે

જણાવી દઈએ કે એનડીએના ઉમેદવાર જગદીપ ધનકર નવા ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે. તેમણે વિપક્ષી ઉમેદવાર માર્ગારેટ આલ્વાને હરાવ્યા. નવા ઉપરાષ્ટ્રપતિનો શપથ ગ્રહણ સમારોહ 11 ઓગસ્ટે યોજાશે.

(11:13 pm IST)