Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

સિનિયર અધિકારીની પૂર્વ મંજૂરી વિના જીએસટીમાં સમન્સ મોકલવા પર રોક

કેટલાક ઇન્સ્પેકટર દ્વારા કરદાતાને હેરાન કરવા સમન્સ મોકલાતા હતાં તેવી ઉચ્ચ કક્ષાએ થયેલી ફરીયાદોના પગલે આ નિર્ણય લેવાયો છે

નવી દિલ્હી, તા. ૮ : જીએસટી દ્વારા બેન્કમાં થયેલા મોટા વ્યવહારોને ધ્યાનમાં રાખીને કરદાતાને સમન્સ મોકલીને ખુલાસો કરવા માટે જણાવવામાં આવે છે, પરંતુ હવેથી કોઇ પણ કરદાતાને સમન્સ મોકલતા પહેલા ઉપરી અધિકારીની પૂર્વ મંજૂરી લેવાનો આદેશ સીબીઆઇસી દ્વારા કરવામાં આવતા કરદાતાને રાહત મળશે. કેટલાક ઇન્સ્પેકટર દ્વારા કરદાતાને હેરાન કરવા સમન્સ મોકલાતા હતાં તેવી ઉચ્ચ કક્ષાએ થયેલી ફરીયાદોના પગલે આ નિર્ણય લેવાયો છે.

થોડા સમય પહેલા આઇટી અને જીએસટી વચ્ચે કરાર થયા મુજબ બંને વિભાગ એકબીજાને કરદાતાનો ડેટા આપી શકે છે તેના કારણે ડીજીજીઆઇ દ્વારા બેન્કમાં થયેલા વ્યવહારોને ધ્યાનમાં રાખી કરદાતાઓને પરેશાન કરવાની વ્યાપક ફરીયાદ ઉઠી રહી હતી તેમજ કેટલીક વખત તો જીએસટી દ્વારા કરદાતાને સમન્સ મોકલીને ખુલાસો કરવા માટે અલ્ટિમેટમ આપવામાં આવે છે. તેના લીધે કરદાતાઓની પરેશાનીમાં સતત વધારો થઇ રહ્યો હોવાની ફરીયાદ પીએમઓ સુધી કરવામાં આવી હતી. તેના પરિણામે સીબીઆઇએ એક પરિપત્ર બહાર પાડી કોઇ પણ કરદાતાને સમન્સ મોકલતા પહેલા વચ્ચે અધિકારીની પૂર્વ મંજૂરી લેવાનો આદેશ કર્યો છે.

એટલું જ નહીં, પરંતુ હવે કરદાતાને સમનસ મોકલવાના કારણો અને પુરાવા પણ અધિકારી સમક્ષ રજૂ કરવા પડમે. તે તમામ પુરાવાને જોઇ ચકાસણી કર્યા બાદ જ ઉચ્ચ અધિકારી દ્વારા કરદાતાને સમન્સ આપવા કે નહીં તેનો નિર્ણય કરવામાં આવશે. તેના લીધે કેટલાક ઇન્સ્પેકટર દ્વારા કરદાતાને રંજાડવા માટે સમન્સને હથીયારની માફક વપરાશ કરવાની તક રહેશે નહીં. અને તેના કારણે કરદાતાઓને પડતી પરેશાનીમાંથી છુટકારો થવાની પણ શકયતા છે.

(9:58 am IST)