Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

ચીને વિશ્વ સમક્ષ રજૂ કરી એની પહેલી કોરોના વેકસીન

વર્ષના અંત સુધી ચીની વેકસીન બજારમાં ઉપલબ્ધ થઇ શકે છે

બેઇજિંગ,તા.૮: કોરોના વાયરસના ઉદગમ સ્થાન ચીને વિશ્વ સમક્ષ તેની પહેલી કોરોના વેકસીનને રજૂ કરી છે. ચીનની કોરોના વેકસીન સિનોવેકે બાયોટેક અને સિનોફોર્મ એ સાથે મળીને તૈયાર કરી છે. ચાઇનીઝ વેકસીન પર તૈયાર રિપોર્ટ મુજબ વેકસીનનું ત્રીજા તબક્કાનું કિલનિકલ ટ્રાયલ ચાલી રહ્યો છે અને અનુમાન મુજબ વર્ષાંતે બજારોમાં મળી રહેશે.

સિનોવેક કંપનીના નિવેદન મુજબ કંપનીએ પહેલેથી જસ વેકસીન તૈયાર કરવા માટે અલગથી યુનિટ ઉભો કર્યો હતો જે દર વર્ષે ૩૦૦ મિલિયન ડોઝ તૈયાર કરવાની ક્ષમતા ધરાવે છે. સોમવારે કંપનીએ વેકસીનને પ્રદર્શનમાં મૂકી હતી.

ખાસ બાબત એ છે કે ચીનની આ વેકસીન વિશ્વની એ દસ વેકસીનમાં સામેલ છે જે કિલનિકલ ટ્રાયલના છેલ્લા તબક્કામાં હતી. વર્તમાનમાં દુનિયાના તમામ પ્રભાવિત દેશો કોરોના સંક્રમણ પર અંકુશ મેળવવા અને અર્થતંત્રને ઉભુ કરવાના સંકટમાં છે. એવામાં વેકસીન મળી જવી તમામ દેશો માટે સકારાત્મક સંકેત છે.

બીજી તરફ કોરોના મહામારીના ફેલાવાને લઇને ચીન પહેલેથી જ વિશ્વની નજરે ચડી ગયુ છે. વેકસીનના સંશોધન દરમિયાન એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે ફાઇનલ ટ્રાયલ પહેલા જ ચીને વેકસીનનો ડોઝ કેટલાક લોકોને આપ્યો હતો.

(11:08 am IST)